1600 ફૂટ દૂર ગયા બાદ કાટમાળ મળ્યો: વિશ્ર્વના પાંચ અબજોપતિઓ સમુદ્રમાં ઉતર્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ સબમરીનના કાટમાળથી માનવ અવશેષો મળવાની માહિતી આપી છે. ગઈકાલે ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા એટલાન્ટિક મહાસાગરમાં ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો હતો.
- Advertisement -
ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે વિશ્ર્વના પાંચ અબજોપતિઓ 18 જૂને ટાઇટન સબમરીનમાં બેસીને સમુદ્રમાં ઉતર્યા હતા. જોકે સમુદ્રમાં ઉતર્યાના 2 કલાક બાદ જ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેને શોધવા માટે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના કોસ્ટ ગાર્ડ એકઠા થયા હતા. આ દરમિયાન 22 જૂનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે સબમરીનમાં વિસ્ફોટ થયો હતો અને તેમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. હવે યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળવાની માહિતી આપી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે. ગઈકાલે ટાઇટન સબમરીનનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને કેનેડાના સેન્ટ જોન્સ પોર્ટ પર લવાયો હતો.
કોસ્ટ ગાર્ડે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ટાઇટનનો કાટમાળ પાણીની અંદર લગભગ 12,500 ફૂટ અને દરિયાના તળે ટાઇટેનિકથી લગભગ 1,600 ફૂટ દુર હતો. યુએસ કોસ્ટ ગાર્ડ 18 જૂને લેન્ડિંગ દરમિયાન સબમરીનમાં વિસ્ફોટ કેમ થયો તેની તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડે વિસ્ફોટની તપાસ માટે મરીન બોર્ડ ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી.
યુએસ કોસ્ટ ગાર્ડ તપાસ કરી રહી છે
યુએસ કોસ્ટ ગાર્ડે માહિતી આપી હતી કે તે માનવ અવશેષોને અમેરિકા પરત લાવી રહ્યા છે. ટાઇટન સબમર્સિબલનો કાટમાળ ગઈકાલે પાછો લાવવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેણે દરિયાઈ તળમાંથી કાટમાળ અને પુરાવા મેળવ્યા છે. આ કાટમાળમાં માનવ અવશેષો પણ સામેલ છે. આ દરમિયાન યુએસ કોસ્ટ ગાર્ડના ચીફ કેપ્ટન જેસન ન્યુબાઉરે એક નિવેદનમાં કહ્યું કે હું આ જરૂૂરી પુરાવાઓને પુન:પ્રાપ્ત કરવામાં તમામ આંતરરાષ્ટ્રીય અને આંતર-એજન્સી સપોર્ટ માટે આભારી છું. આ ઉપરાંત યુએસ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે યુએસ તબીબી વ્યાવસાયિકો કાટમાળમાં માનવ અવશેષો છે કે કેમ તેની તપાસ કરશે.