ખેતશ્રમિકોનાં આત્યંન્તિક શોષણની શરમકથા ભાગ-2
આબોહવા પરિવર્તનને કારણે આવતાં હીટવેવ્સ, દુષ્કાળ અને પૂરને કારણે કામ કરવાની પરિસ્થિતિઓ વધુને વધુ કઠોર બને છે અને જ્યારે ઉપજ ઓછી હોય છે, ત્યારે ઘણા કામદારો દેવામાં ફસાઈ જાય છે જે તેઓ ચૂકવી શકતા નથી
- Advertisement -
મોટાભાગના લોકો શેરડીના ખેતરોમાં મોસમી કામ માટે પડોશી રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ અથવા પશ્ચિમ મહારાષ્ટ્રમાં જાય છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની ખાંડની સિઝન દરમિયાન દેશમાં 500 મિલિયન મેટ્રિક ટનથી વધુ શેરડીનું ઉત્પાદન થયું હતું. આ એક રેકોર્ડ કે જે સરકારની યશકલગીનું એક પીંછા રૂપે ગવાઈ રહી છે પરંતુ તેના માટે સ્થળાંતરિત મજૂરો વધુને વધુ ઊંચી કિંમત ચૂકવે છે!
સીઝનમાં મજૂરો સ્થળાંતર કરે છે, ત્યારે તેમના ગામડા ઉજ્જડ થઈ જાય છે. ઘરના વૃદ્ધ રખડી પડે છે. તો 14 વર્ષથી નાની ઉંમરના લગભગ 200,000 બાળકો કટીંગ સીઝન દરમિયાન તેમના માતા-પિતા સાથે આવે છે અને તેમની સાથે અસ્થાયી ઝૂંપડીઓમાં રહે છે, શિક્ષણ અને સ્ફુલિંગના ભોગે!
આ સ્થળાંતર કરનારાઓને કાળઝાળ ગરમીમાં કામ કરવું પડે છે મહારાષ્ટ્રમાં આ વિસ્તારોમાં તાપમાન 46ઈને વટાવી જાય છે. કાળઝાળ ગરમીમાં આવી કાળી મજૂરીથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે, જેના કારણે ભારે થાક, એનિમિયા અને સાંધાની સમસ્યાઓ તેમજ ડિપ્રેશન અને એંક્સાઇટી થાય છે. .
ચારથી છ મહિનાની સીઝનમાં દિવસો 14થી 16 કલાક કામ કરવું પડે છે! શ્રમિક લક્ષ્મણ સંપત કહે છે કે અમે દિવસ દરમિયાન શેરડી કાપીએ અને તેને ટ્રક માં ચડાવવા માટે મોડી રાત સુધી રોકાવું પડે છે. અહીં કોઈ સમયપત્રક નથી… થાકવાનો કોઈ સમય નથી,”
કહેવા માટે તો સુગર મિલ વરસાદ, ભારે ગરમી કે ઠંડીથી કામચલાઉ આશ્રયસ્થાનો માટે કેટલીક સામગ્રી પૂરી પાડે છે. પણ તે જાડા કપડાના તંબુથી વિશેષ નથી હોતું! વળી અહીં અકસ્માતો થતા રહે છે જેનું કોઈ વળતર કે સારવાર સમય પર મળતી નથી અને મળે તો તે બહુ અપૂરતી હોય છે!વારંવાર શેરડી કાપવાનું ઓજાર છરો હાથ પર વાગી જાય, ટ્રક પર ચડાવવામાં અથવા વાહન અકસ્માતથી શ્રમિકો ઘાયલ થાય છે. સાપ કરડવાની ઘટના અહીં સામાન્ય છે. આત્યંતિક કિસ્સાઓમાં, કેટલાક કાયમી અપંગતા, અંગવિચ્છેદન અથવા મૃત્યુનો ભોગ બને છે.બીડ જિલ્લાના રઘુ ગોવિંદ પટવાડેને 2016 માં કરોડરજ્જુની ઇજાઓ થઈ હતી જ્યારે તેઓ કર્ણાટકમાં શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર તેમના પર ચડી ગયું હતું. ત્યારથી તેના માટે કામ કરવું શક્ય બન્યું નથી કહે છે કે.મને મારા હિપ પર એક સહિત અનેક ફ્રેક્ચર થયા છે. ત્યારથી, હું પથારીવશ છું. હું હવે કામ કરી શકતો નથી અને હું ઘરમાં પથારીવશ થઈ ગયો છું. અહીં સર્પદંશને કારણે મૃત્યુ થાય છે. તો પણ આ બાબતે સારવાર કે નોંધ નથી લેવાતી!
આબોહવા પરિવર્તનને કારણે આવતાં હીટવેવ્સ, દુષ્કાળ અને પૂરને કારણે કામ કરવાની પરિસ્થિતિઓ વધુને વધુ કઠોર બને છે. અને જ્યારે ઉપજ ઓછી હોય છે, ત્યારે ઘણા કામદારો દેવાંમાં ફસાઈ જાય છે જે તેઓ ચૂકવી શકતા નથી.
કોન્ટ્રાક્ટર પતિ-પત્નીને એક એકમ માનીને કરાર કરે છે. શેરડી કાપવી એ એક મુશ્કેલ પ્રક્રિયા છે છતાં જો પતિ-પત્ની એક દિવસ માટે વિરામ લે છે, તો દંપતીએ દરેક વિરામ માટે કોન્ટ્રાક્ટરને દરરોજ ₹500 નો દંડ ચૂકવવો પડશે.
શેરડી કાપનાર દગડું ઉગળે કહે છે કે એક દંપતીને એક ટન શેરડી કાપ્યા પછી લગભગ ₹200 મળે છે(એટલે ચૌદથી સોળ કલાકની મજૂરીના વ્યક્તિદીઠ 100 રૂપિયા મળે છે!) એક દિવસમાં અમે પતિ-પત્ની લગભગ 3-4 ટન શેરડી કાપીએ છીએ અને 4-5 મહિનાની સંપૂર્ણ સિઝનમાં એક દંપતી લગભગ 300 ટન શેરડી કાપી શકે છે. સીઝન દરમિયાન અમે જે કમાણી કરીએ છીએ તેમાંથી અમારે આખું વર્ષ ચલાવવાનું હોય છે, આ જ અમારી વાર્ષિક આવક છે કારણ કે શેરડી કાપણી સિવાયના સમયે અમને કોઈ કામ મળતું નથી, ઉગળે કહે છે. ચારથી છ મહિનામાં બે જણા ભેગા થઈને માંડ સાંઠથી પીંચોંતેર હજાર કમાય છે એટલે મહિનાના સાતથી આઠ હજારની ઇન્કમમાં પૂરૂં કરવાનું રહે છે! શ્રમિક લક્ષ્મણે જણાવ્યું કે તેમની કમાણી પેટ ભરવા માટે પૂરતી નથી પરંતુ માત્ર એ સુનિશ્ચિત કરવા માટે છે કે ભૂખમરો નથી! ઉપરોક્ત કારણે વ્યાજનું વિષચક્ર શરૂ થાય છે.
પરપ્રાંતિય મજૂરો અને તેમના પરિવારોએ વર્ષ પસાર કરવા દેણા પર આધાર રાખવો પડે છે. તેઓ મજૂર ઠેકેદારો જે મુકદમ તરીકે ઓળખાય છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે, જેઓ ભારતના ખાંડ ઉદ્યોગમાં અભિન્ન ભૂમિકા ભજવે છે.
વુમન્સ કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શનસ પ્રોવિઝન્સમાં મહિલા શ્રમિકો માટે અનેક પ્રાવધાન છે પણ અફસોસ તે ફક્ત કાગળ પર જ રહી ગયા છે!
મુકાદમ મજૂરો, ખેડૂતો અને ખાંડ મિલો વચ્ચે વચેટિયા તરીકે કામ કરે છે.મુકાદમ મજૂરોને ખેતરોમાં કામ શોધવામાં મદદ કરે છે તેઓ મજૂરોને, સામાન્ય રીતે વિવાહિત યુગલો તરીકે, અનૌપચારિક કરાર દ્વારા ભાડે રાખે છે અને વિસ્થાપન અને રહેવાના ખર્ચ માટે, સખત શરતો હેઠળ અનૌપચારિક લોન ઓફર કરે છે.
ખાંડના શ્રમિકોની ફેવરમાં કામ કરતા વકીલ યોગેશ પાંડેએ કહ્યું કે શ્રમિકો ઊંચા વ્યાજ દરોને કારણે દેવાના દુષ્ચક્રમાં ફસાઈ જાય છે અને તેમની સ્થિતિ ગુલામો જેવી હોય છે. તેમને સાંભળનાર કોઈ નથી, બેન્કો દ્વારા આપવામાં આવતા 5-10%ના નીચા વ્યાજ દરોની તુલનામાં મુકાદમ સામાન્ય રીતે આ મુકાદમો મજૂરોને 50-60% વ્યાજ દરે લોન આપે છે.આમ, મજૂરો જે કમાય છે તેના કરતાં વધુ તો ગુમાવે છે. લોન લીધા પછી બીજા વર્ષે તે મજૂરી કરીને ચૂકવવું પડે છે. લોન ચૂકવવા સક્ષમ ન હોય તેણે આગલા વર્ષે તેના બીજા સંબંધી કે પરિવાર જનને અહીં કામે લગાડવા પડે છે.
વૈશ્વિક વ્યાપાર સંયોજક પૂજા અધિકારીએ કહે છે કે, ખાંડ ઉદ્યોગ મજૂરોની રહેવાની પરિસ્થિતિઓ, બાળ મજૂરી બાળ લગ્નો અને મહિલાઓના અધિકારો અંગે જે રીતે માનવ અધિકારોના ઉલ્લંઘનનું કાર્ય કરે છે તે ખૂબ ચિંતાજનક છે.
મારે ત્યાં ઘરકામ માટે આવતા બેનનું પિયર બીડ જિલ્લાના ગામડામાં છે. તેમની પાસેથી આવા શોષણના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે.
વળી આ બેનના સગામાં થતી વરસમાં છ મહિના ફ્રી રહેતી તેના ગામના મહિલાઓ ઘણીવાર અહીં આવતી હોય છે
તેમની પાસેથી હૃદયદ્રાવક વાતો અવારનવાર સાંભળી છે જાણે લાઈવ વૃતાંત સાંભળતાં હોઈએ એમ રુંવાડા ઉભા થઇ જાય. મારે કહેવું પડે કે બસ હવે મારાથી નથી સંભળાતું! વળી અહીંનું એક ગૠઘ આ બધા મામલામાં સક્રિય છે. તેમની સાથે એકવાર આ ક્ષેત્રમાં જવાનું થયું હતું.
આમ, આ દુષણ મેં બહુ નજીકથી જોયુ છે, હું સારી રીતે અવગત છું. તેમની તકલીફો કેવી હશે તેમની સ્થિતિ કેવી દારુણ હશે કે ગામડેથી અહીં આવતી આ મહિલાઓને, મારે ત્યાં ઘરકામ કરવા આવતા બેન કે જે દાસથી બાર ઘરનું કામ કરીને ગુજરાન ચલાવે છે બહુ ઓછી સુવિધા સાથે અને વધુ તકલીફો સાથે નિર્વાહ કરે છે, તે બહુ જ સુખી લાગે છે. વારંવાર તેની વાતચીતમાં આ અહોભાવ છલકતો જોઉં છું ત્યારે ખબર પડે છે કે એમના સુખની વ્યાખ્યા કેટલી નાની છે! બહુ ઓછામાં તેને સંતોષ મળી જાય છે તે તૃપ્ત થઈ જાય છે જ્યારે આપણે!
- Advertisement -
વુમેન્સ કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શનસ પ્રોવિઝન્સમાં મહિલા શ્રમિકો માટે અનેક પ્રાવધાન છે પણ અફસોસ તે ફક્ત કાગળ પર જ રહી ગયા છે! અહીં એક પણ પ્રાવધાનનો અમલ થતો નથી!
– આર્ટિકલ15(3)રાજયએ સકારાત્મક ભેદભાવ કરી મહિલાના ઉત્થાન તેમજ બાળકો માટે પ્રોત્સાહક કાનૂન બનાવવાનો વિશેષ અધિકાર આપ્યો છે. જેથી મહિલાઓને સકારાત્મક વાતાવરણ મળી રહે
– આર્ટિકલ 23 માનવ વ્યાપાર તેમજ બળપૂર્વક શ્રમને પ્રતિબંધિત કરે છેમહિલા શ્રમિકોને ગર્ભાશય કઢાવી નાખવા બળપૂર્વક પ્રેરવી એ આ આર્ટિકલનું ઉલ્લંઘન નથી?
– આર્ટિકલ 39(અ) નાગરિકો, પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે, આજીવિકાના પર્યાપ્ત સાધન પ્રાપ્ત કરવાનો હક્ક છે.
– આજીવિકાના હક્કને મેળવવા અને યથાવત રાખવા આટઆટલું શોષણ એ સંવિધાનનું ઉલ્લંઘન નથી?
– આર્ટિકલ 42 રાજ્ય કામની ન્યાયસંગત અને માનવીય પરિસ્થિતિઓ તેમજ પ્રસૂતિ સહાયતા/ પ્રસુતિ રજા માટે જોગવાઈ કરશે.” અહીં ન્યાય સંગત વ્યવહાર તો જવા જ દો.
– આજીવિકા માટે શરીરના એક હિસ્સાને કાઢી નાંખવાની ફરજ પાડવામાં આવે, વળી માતાં બને તો પ્રસુતિ રજાની વાત આવે ને! સમસ્યાનું મૂળ, ગર્ભાશય જ ન જોઈએ! આનાથી વધુ અમાનવીય શું હોય!
– આર્ટિકલ 51(અ) મહિલાઓની ગરિમા પ્રતિ અપમાનજનક પ્રથાઓનો ત્યાગ કરવો.અહીં ગરિમા તો જળવાતી જ નથી ઉપરથી અપમાન, અવહેલના!