સુપ્રીમ કોર્ટે EDની ઈમેજ બાબતે ચિંતા વ્યક્ત કરી
તમે 500 કેસમાંથી માત્ર 10થી પણ ઓછા કેસમાં ગુનો સાબિત કરી શક્યા, તપાસમાં ચોકસાઈની જરૂર : સુપ્રીમ
ધનવાન આરોપીઓ ઊંચી ફી આપીને જાણીતા વકીલોને રોકી લેતા હોવાથી સજા થતી નથી : EDની વિચિત્ર દલીલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
ઈડીના સંદર્ભમાં થઈ રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ખડા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જે કેસ દાખલ કરીને તપાસ કરો છો એમાંથી માંડ 10 ટકા કેસમાં જ ગુનો સાબિત થાય છે. વળી, કોર્ટમાં સજા ન મળી હોય એવા આરોપીઓને પણ જેલમાં બંધ રાખો છે. તમારે તમારી કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે અને કાયદામાં રહીને કામ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે ઈડીના મામલે થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે એજન્સીની ઈમેજ બહુ જ ખરડાઈ ગઈ છે. તમારે કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ. ધુર્તની જેમ કામ કરો તે ન ચાલે. ચાલાકીને અવકાશ નથી. ઈડીએ દાખલ કરેલા મની લોન્ડરિંગના કેસમાંથી માંડ 10 કેસ સાબિત થાય છે. તમે તપાસ બહેતર બનાવો. સાક્ષીઓ પર વધુ કામ કરો. સુપ્રીમ કોર્ટે ઈડીની ઝાટકણી કાઢવાની સાથે લોકોની સ્વતંત્રતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યાયધીશ સુર્યકાંત, ન્યાયધીશ ઉજ્જવલ ભૂઈયાઁ, ન્યાયધીશ એનકે સિંહની બેંચ સામે વિજય મદનલાલ ચૌધરીના કેસમાં થયેલી સુનાવણીમાં એડિશ્નલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે ઈડી જેમના પર આરોપ મૂકે છે એ પછી સજા એટલા માટે થતી નથી કે ધુર્ત લોકો પાસે કાયદાકીય વિકલ્પો છે. ધનવાન આરોપીઓ ઊંચી ફી આપીને મોટા વકીલોને રોકીને બચી જાય છે. એના જવાબમાં ન્યાયધીશ ભૂઈયાઁએ કહ્યું કે તમે ધૂર્ત જેવું વર્તન ન કરી શકો. તમારે કાયદામાં રહેવું જોઈએ. મેં એક સુનાવણી વખતે જોયેલું કે તમે 500 ફરિયાદમાંથી માત્ર 10 કેસમાં સજા અપાવી શકો છો. એક સાંસદે પણ સંસદગૃહમાં કહેલું કે 5000 કેસમાંથી ઈડી માત્ર 10 ટકાને
- Advertisement -
સજા અપાવી શકે છે. જો પાંચ-છ વર્ષ સુધી અટકાયતમાં રહ્યા પછી આરોપી નિર્દોષ છૂટે તો એની ભરપાઈ કોણ કરશે?
અગાઉ પણ સુપ્રીમ કોર્ટે ઈડીની કાર્ય પદ્ધતિ સામે સવાલો ખડા કર્યા હતા. ગયા મહિને સીજેઆઈ બીઆર ગવઈએ કહેલું કે ઈડી બધી જ મર્યાદા પાર કરી દીધી છે. તેની સામે દલીલો કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહેલું કે સુપ્રીમ કોર્ટ એવી કોઈ ટીપ્પણી ન કરે જેનાથી સરકારી તપાસ એજન્સીની છબી ખરડાય. સુપ્રીમની ટીપ્પણીથી પહેલાથી જ એજન્સી સામે જે નરેટિવ સેટ થયો છે એને મજબૂત બનાવવામાં મદદ મળે છે.