ઘાતક રોગનું સમયસર નિદાન કરી રોગ મુક્ત બની શકાય: કુલપતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે આરોગ્ય જાગૃતિ સેમિનાર યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાની અધ્યક્ષતામાં અને એકઝયુકેટીવ કાઉન્સીલ મેમ્બર ડો. દિનાબેન લોઢીયા અને ડો. દિનેશ દઢાણીયાની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાઇ હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં યુનિ.નાં કુલપતિએ જણાવ્યુ હતુ કે આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર, નિયમિત કસરત, તનાવ મુક્ત રહી, સારી ઊંઘ, સ્વચ્છતા, વ્યસન મુક્ત રહેવુ, નિયમિત તબીબી તપાસણી જીવનને નિરામયી રાખવા ઉપયોગી બને છે.આ કાર્યક્રમ થકી કોલેજ અને યુનિ. કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવધારણાઓથી મુક્ત બની પોતાનાં અને પરિવારનાં સ્વાસ્થ્ય સંબંધે જાગૃત બની ઘાતક રોગનું સમયસર નિદાન થયે કેવી રીતે સ્વાસ્થ્ય સુચારૂ જાળવણી થાય તેની જાણકારી ઉપયોગી બનશે. આ કાર્યક્રમનાં મુખ્ય તજજ્ઞ વક્તા કેન્સર સ્પેશ્યાલીસ્ટ ડો.રવિન્દ્રસિંહ રાજે વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગનાં અધ્યાપકગણ, અને આરોગ્ય ક્ષેત્રે વધુ સારી જાણકારી મેળવવા ઈચ્છુકોને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે માનવ શરીરમાં અસંખ્ય કોષો છે. આવા કોષો અનિયંત્રિત વૃદ્ધિ દર સાથે વૃદ્ધિ કરવાનું શરૂ કરે તેને તબીબી રીતે કેન્સર અથવા ગાંઠ કહેવામાં આવે છે. આવી ગાંઠ પેશીઓને નુકસાન પહોંચાડી લોહી અથવા લસિકા ગ્રંથીઓ દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. કેન્સરના 100થી વધુ પ્રકાર છે. તેમાંથી સૌથી સામાન્ય છે સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર, જ્યારે કેન્સરના કોષો અસાધારણ રીતે વધવા લાગે છે, ત્યારે તેઓ આસપાસના અવયવો અને ચેતાઓને નકારાત્મક અસર કરે છે. સ્ત્રીઓમાં કેન્સર વિશે જાગૃતિ આવે તે માટે જાગૃતિ અભિયાન અંતર્ગત નરસિંહ મહેતા યુનિ. ખાતે કેન્સર પ્રિવેન્શન અંગે ડો.રવિન્દ્રસિંહ રાજે સર્વાઈકલ કેન્સર વિશે જાણકારી આપતા જણાવ્યુ કે સર્વાઈકલ કેન્સર સામાન્ય રીતે 55 થી 60 વર્ષની વયની સ્ત્રીઓમાં થાય છે. જ્યારે 20 વર્ષથી નાની ઉંમરમાં સર્વાઈકલ કેન્સર ખૂબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, સર્વાઇકલ કેન્સર એવું છે કે જેને થતુ અટકાવી શકાય છે.આ કેન્સરની જાણકારી પેપનીયર રિપોર્ટથી થકી મેળવી શકાય છે અને વેક્સિનેશન એટલે કે દવાની મદદથી પણ અટકાવી શકાય છે. કેન્સર ના થાય તેના માટે આરોગ્ય જાગૃતિ અને નેચરલ આહાર મહત્વનો રોલ અદા કરી શકે છે.