કાર્તિક મહેતા
કેબીસીમાં અમિતાભ સ્ત્રીઓને દેવીઓ ઔર સજ્જનો કહે છે.. દેવીઓ ઔર દેવો નથી કહેવામાં આવતુ . કેમકે સ્ત્રીઓને આપણે ત્યાં હમેશા પુરુષો કરતાં બહેતર માનવામાં આવી છે. જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ કહેતા કે દેશમાં વ્રત વર્તોલા બહેનો રાખે છે પણ ભાઈઓ નથી રાખતા કેમકે બહેનોને સારો વર મળે એની કોઈ ગેરંટી નથી પણ આપણા દેશમાં બહેનો/દીકરીઓ હમેશા સંસ્કારી રહી છે. આપણે કોણ જાણે કેટલાય વરસોથી પોતાની મહેનતની મૂડીને સોનાના ઘરેણાં સ્વરૂપે સ્ત્રીઓને પહેરાવી દેતાં આવ્યા છીએ. દુનિયામાં ક્યાંય સ્ત્રીઓને આટલું માન સન્માન નથી. અરબીમાં તો સ્ત્રીઓને માલ કહેવામાં આવતી જે શબ્દ ઢોર, ધન અને બીજી કોમોડિટી માટે વપરાતો શબ્દ હતો. જ્યા સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવો વસે છે એવું મનુસ્મૃતિ નું વિધાન ભારતની ઉચ્ચ સ્તરીય કોર્ટે પણ ટાંકેલ છે. એ જ મનુસ્મૃતિ કહે છે કે સ્ત્રીઓને કદી નિરાધાર રાખવી નહિ, એને રક્ષણ આપવું. આજે વિમેન્સ ડે છે તો જાણવું જરૂરી છે કે આવા ડે ક્યાંથી આવ્યા અને શુકામ આવ્યા.. સ્ત્રીઓ ભારતમાં કામમાં પુરુષોની જોડાજોડ રહી છે. ઉપનિષદોમાં વિદુષી ગાર્ગી કે વિદુષી મૈત્રેયી ની વિદ્વતાના ઉદ્ધારણ એના પુરાવા છે. ગોરક્ષ વિજય નામનું એક બહુ જૂનું બંગાળી નાટક છે , લગભગ ત્રણસો વર્ષ જૂનું. ગુરુ ગોરખનાથજી ની જીવની અંગેની વિગતો આ નાટકમાં સમાવાઈ હતી.
- Advertisement -
નવાઈની વાત એ હતી કે આ નાટક ઝાફિરુલ્લા નામનાં એક મુસ્લિમે લખેલું. પણ આ નાટકને લીધે ગુરુ ગોરખનાથના જીવનની અનેક વિગતો આજે આટલી પ્રચલિત થઈ. આ નાટકમાં એક ડાયલોગ છે , જોગી અને એની પત્ની જોગીની /જોગણી વચ્ચેનો.જોગણી જોગીને કહે છે કે “ચાલ આપણે બેય ભેગા થઈને કપડું વણીએ અને જીવન નૈયા પાર કરીએ..” અને બેય ગૃહસ્થ યોગી છે અને વણાટકામ કરીને ગુજરાન ચલાવે છે. ભારતના કે આખા જગતના શ્રમિક વર્ગ કે ખેડૂત વર્ગમાં સ્ત્રીઓ હમેશા પાર્ટનર રહી છે. તે હમેશા પુરુષ સાથે ખેતી , પશુપાલન જેવા કામોમાં સાથે જોડાતી રહી છે. ટોલ્સટોય પણ રશિયામાં ખેડૂત અને કારીગર વર્ગમાં પુરુષની જોડાજોડ કામ કરતી, અનેક બાળકો વાળી સુખી સ્ત્રીઓ વાળા કુટુંબો નોંધે છે. ટોલ્સટોય લખે છે કે પુરુષો અને સ્ત્રીઓ સાથે ખેતરોમાં થાકી જાય ત્યાં સુધી કામ કરે છે અને ખૂબ સુખે ભોજન લે છે.સખત શ્રમ કરવા છતાં સ્ત્રીઓ રોગી નથી , અનેક બાળકો હોવા છતાં એ સ્ત્રીઓના શરીર નબળા નથી. આપણે પણ બે ચાર પેઢી પહેલા એવી સ્ત્રીઓ જોયેલી છે જેણે ખૂબ હાડમારી જોયેલી હોય , ખૂબ મહેનત કરેલી હોય છતાં એમના શરીર નિરોગી અને દીર્ઘાયુ હોય.
અમદાવાદની એક સંસ્થાએ સૌરાષ્ટ્ર ગુજરાતની શતાયુ સ્ત્રીઓનો સર્વે કરેલો જેમાં ઊડીને આંખે વળગે એવી વાત એ હતી કે બધી શતાયુ મહિલાઓ એ નિયમિત અને મહેનતી જીવન જીવ્યું હતું. બધી સ્ત્રીઓને અનેક બાળકો પણ હતા. સ્ત્રીઓ આદિકાલ થી પુરુષોની સહધર્મચારીણી રહી છે. આ પ્રકાશિત થશે ત્યારે વિમેન્સ ડે ઉજવાઈ રહ્યો હશે. જાણીતા સાહિત્યકાર હરિશંકર પરસાઈ કહેતા કે દિવસો હમેશા નબળા વર્ગોના મનાવાય છે, કોઈ દિવસ થાનેદારો નો દિવસ નથી મનાવાતો. સ્ત્રીઓની શારીરિક મર્યાદાઓને લીધે એને પ્રમાણમાં ઓછી મહેનત વાળા, ઓછી શક્તિ લગાડવી પડે એવા કામ ફાળવવામાં આવ્યા છે. જેમાં સાહસ હોય , અતિ શ્રમ હોય કે અતિ માનસિક તાણ હોય એવા કામોથી સ્ત્રીઓને એટલે દૂર રાખવામાં આવી કે જેથી સ્ત્રીઓ પોતાની દેહધાર્મિક ક્રિયાઓને સરળતાથી નિભાવી શકે. માસિક ધર્મીમાં હોય એવી ઘણી સ્ત્રીઓ અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાય છે જેથી એને એ સમયે ફરજિયાત આરામ આપવામાં આવ્યો. આજની તારીખે સમાજમાં વિધુરો કરતા વિધવાઓની સંખ્યા હમેશા વધારે દેખાય છે એનું કારણ પણ એ છે કે તાણ, અતિ શ્રમ, જવાબદારી વાળા કામો કરીને પુરુષોના શરીર જલ્દી ખખડી જાય છે અને વહેલા મરણ ને શરણ થાય છે. પણ આ વ્યવસ્થા છેલ્લા બસોએક વર્ષથી ખભળવા લાગી છે.
હમણાં એક હિન્દી ફિલ્મ પણ આવી જેમાં નાયિકાને પોતાના ઘરના કામ કરવા માટે “પ્રોત્સાહન” નથી મળ્યું તેથી ઘર ના કામોથી તે ઉબાઈ જાય છે. જ્યારથી ઔધોગિક ક્રાંતિ શરૂ થઈ છે ત્યારથી સ્ત્રીઓમાં ઘરકામ, બાળ ઉછેર કે પોતાના ખેતી કે વણાટ જેવા વ્યવસાયો ને બદલે “પુરુષ સમોવડી” થવાનું ચલણ વધવા લાગ્યું. ખરેખર તો સ્ત્રી હમેશા પુરુષોથી ચડિયાતી જ હતી. ઔધોગિક ક્રાંતિમાં ચીજોનું માસ પ્રોડક્શન થાય છે. આને કારણે નવા નવા કારખાના ફેકટરી અને ઉદ્યોગો ખૂલે છે જેમાં કામ કરવા માટે વિશાળ સંખ્યામાં વર્ક ફોર્સ નો ખપ પડે છે. મહિલાઓ જે કામ કરતી આવતી એમાંથી એને ઉદ્યોગોમાં લગાડવી જરૂરી બન્યું. ખાસ તો બે વિશ્વયુદ્ધ થયા બાદ સ્ત્રીઓને બરાબરના અધિકારો આપવાની ચળવળો ખૂબ સક્રિય થઈ. સ્ત્રીઓ “સ્વતંત્ર” રહી શકે એની માટે ગર્ભ નિરોધક ગોળીઓ ની શોધ થઈ. સ્ત્રીઓ માટે બિકિની જેવા બોલ્ડ પરિધાન શોધવામાં આવ્યા અને એને પોપ્યુલર કરવામાં આવ્યા. સ્ત્રીઓ ઘરના કામ, બાળ ઉછેર અને પોતાના વ્યવસાયિક કામ જેવા કે ખેતી , વણાટ કામ, ભરત ગૂંથણ કે પશુ પાલન છોડીને ફેકટરીમાં જતી થાય તે બહુ જરૂરી હતું. યુરોપ અને અમેરિકામાં ધીરે ધીરે સ્ત્રીઓ નોકરીઓ તરફ વળવા લાગી. આનું દૂરોગામી પરિણામ આવ્યું કે સ્ત્રીઓને પુરુષનો આર્થિક ખપ રહ્યો નહિ. સ્ત્રીઓ સ્વતંત્ર થાય તે તો ખૂબ હરખની વાત હતી પણ માણસ ધારે કાઇક ને થાય કાઇક – તે ન્યાયે સ્ત્રીઓ સ્વછંદ બનવા લાગી અને કુટુંબો તૂટવા લાગ્યા. વધતા ઓછા અંશે આ સમસ્યા ભારતમાં પણ વ્યાપક બનવા લાગી છે. આજે અમેરિકા અને યુરોપની સ્ત્રીઓ પોતાના મૂળ કામો – ઘરકામ (હોમ મેકીંગ) બાળ ઉછેર અને પોતાના પરંપરા ગત વ્યવસાયો તરફ પાછી ફરવા લાગી છે કેમકે એમને સમજાઈ ગયું છે કે સ્ત્રીઓને પુરુષ સમોવડી બનવાની જરૂર જ નથી, તે પુરુષ કરતા ક્યાંય શ્રેષ્ઠ છે. સ્ત્રીઓ આર્થિક રીતે પગભર બને તેમાં કોઈ દોષ નથી, ઉલ્ટાનું પુરુષો માટે આ વ્યવસ્થા ખૂબ આરામ દાયક છે. પણ આર્થિક રીતે પગભર થવા જતા સ્ત્રીઓ વિદેશોની જેમ સ્ત્રીત્વ ગુમાવી દે નહિ તે એમણે જોવા જેવું. સામે પુરુષોએ પણ સ્ત્રીઓને પૂજવા કરતા સમ્માન આપવાની ભાવના વિકસાવવા જેવી છે.