પાર્કિંગ મુદ્દે પરિવારને હેરાન-પરેશાન કરી મૂક્યો અને જબરદસ્ત તમાશો સર્જ્યો
રજની સાગઠિયાની પરિવાર સાથે ભયંકર આડોડાઈ : ત્રણ-ચાર કલાક સુધી ફેમિલીને રઝળાવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મહિલા પોલીસની દાદાગીરી દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજકોટ મહિલા પોલીસનાં સત્તા દુરુપયોગનાં એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ગત રોજ રવિવારે સાંજે શહેરનાં યાજ્ઞિક રોડ પર મહિલા પોલીસનાં સત્તા દુરુપયોગનો વધુ એક કિસ્સો બન્યો છે. રાજકોટ મહિલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રજની સાગઠિયાએ ગત રોજ રવિવારે સાંજે એક પરિવારને પાર્કિંગ બાબતે હેરાન-પરેશાન કરી મૂક્યો હતો અને ખાખીનો રોફ જમાવતા શહેરના મુખ્ય માર્ગ પર સીનસપાટાઓ કરી ટ્રાફિકજામ સર્જી દીધો હતો જેના દૃશ્યો પણ સોશિયલ મીડિયા વાયરલ થયા છે.
બનાવની વિગત અનુસાર ગત રોજ રવિવારે સાંજે એક માતા અને તેના પુત્ર-પુત્રી ફોર વ્હીલમાં યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પ્લેક્સ પાસે આવી ઉભા રહ્યા હતા જ્યાં તેમને પાર્કિંગની જગ્યા ન મળતા તેઓ ફોરવ્હીલમાંથી ઉતરી પાર્કિંગ શોધી રહ્યા હતા તે સમયે ત્યાંથી ટ્રાફિક પોલીસની ગાડીમાં મહિલા ટ્રાફિક પોલીસ કોસ્ટબલ રજની સાગઠિયા નીકળ્યા હતા અને તેમણે આ પરિવારની ગાડી નો-પાર્કિંગમાં ઉભી જોઈ તેને લોક મારી દીધું હતું અને આડોળાઈ પર ઉતરી અપશબ્દો કહ્યા હતા.
- Advertisement -
મહિલા પોલીસ કોસ્ટબલ રજની સાગઠિયાએ ગાડીને લોક મરાવતા હતા ત્યારે જ તે પરિવારે જણાવ્યું હતું કે, હજુ તો તેઓ પાર્કિગની જગ્યા શોધી રહ્યા છે. આમ છતાં મહિલા કોન્સ્ટેબલ ટસનાં મસ થયા નહતા અને ફરજીયાત તે પરિવારને નો-પાર્કિંગમાં ફોર વ્હીલ પાર્ક કરવાનો દંડ ભરવા જણાવ્યું હતું. જ્યારે તે પરિવારે શાંતિપૂર્વક દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી ત્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ રજની સાગઠિયા ટ્રાફિક પોલીસની ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયા હતા અને દંડ સ્વીકારવાની ના પાડી દીધી હતી. કલાકો સુધી આ પરિવારે ફોર વ્હીલમાં લોક મારેલા લોક પરના નંબર પર કોલ કર્યો ત્યારે ફરી મહિલા ટ્રાફિલ પોલીસ કોન્સ્ટેબલ રજની સાગઠિયા ત્યાં આવ્યા અને પરિવારને ફરજ રુકાવટ કર્યા બદલ પોલીસ કેસ કરવાની ધમકી આપવા લાગ્યા હતા અને પોલીસ સામે થવા બદલ ફિટ કરાવી દેશે એવું કહી અન્ય પોલીસ અધિકારીઓને ફોન કરવા લાગ્યા હતા.
ખાખી વરદીના નશામાં ચૂર મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલને કોણ જાણે શું સૂરાતન ચઢ્યું કે તેમણે યાજ્ઞિક રોડ પર રસ્તે જતાઆવતા લોકોને ભેગા કરવાના શરૂ કર્યા અને આખો રોડ બાનમાં લઈ મોટેમોટેથી અસભ્ય ભાષામાં વાતો અને વર્તન કર્યા હતા. જોકે ત્યાં ભેગા થયેલા કેટલાંક જાગૃત નાગરિકોએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ રજની સાગઠિયાને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું હતું ત્યારે તેઓ ચૂપચાપ ફોર વ્હીલમાંથી લોક ખોલી ચાલતા થઈ ગયા હતા.
ગૃહમંત્રીની સ્પષ્ટ સૂચના છતાં પોલીસ મનમાન્યુ જ કરે છે?
ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, આમ આદમીને તકલીફ થાય તેવા વર્તન કે વાણીનો ઉપયોગ ન કરવો તેમજ પોલીસ પ્રજાની મિત્ર હોય તેમને મદદરૂપ થવું. પોલીસની ફરજ છે કે તે જનતાને અનુકૂળ હોય, આસન થાય તે પ્રકારે પોતાની કામગીરી કરે અને કોઈની પણ કનગત ના કરે. ગૃહવિભાગના મંત્રીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ પ્રકારની સૂચના હોવા છતાં કેટલાંક પોલીસકર્મીઓ પોતાનું જ મનમાન્યુ કરી રહ્યા છે અને મનફાવે તેમ વર્તી રહ્યા છે. ગતરોજ રવિવારે સાંજે રાજકોટના યાજ્ઞિકરોડ પર મહિલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ રજનીશ સાગઠિયાએ કલાકો સુધી એક પરિવારને ખોટી રીતે હેરાન-પરેશાન કર્યો હતો. પદના નશામાં મદ ટ્રાફિક કોન્સ્ટેબલ રજનીશ સાગઠિયાએ ક્યાં પ્રકારે ગૃહમંત્રીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાનો ભંગ કર્યો છે તેના વીડિયો-ફોટો મીડિયામાં વાયરલ થયા છે ત્યારે હવે તેના પર શું પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું. ગૃહમંત્રીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રજાને ખોટી રીતે પરેશાન કરવા બદલ કોન્સ્ટેબલ રજનીશ સાગઠિયા પર કાર્યવાહી કરી કડક દાખલો બેસાડવો જોઈએ.
મહિલા પોલીસની ‘પોલીસગીરી’ પર નિયંત્રણ જરૂરી
પોલીસમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવતી મહિલાઓ ગાળો બોલવામાં અને માર મારવામાં કશું બાકી રાખતી નથી એ જગજાહેર છે. જાણે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી જ તેમને ગાળો બોલવાની અને માર મારવાની ટ્રેનિંગ આપવામાં આવતી હોય. આટલું ઓછું હોય તેમ રાજકોટની મહિલા પોલીસ કર્મીઓને જો ભૂલેચૂકે કોઈ બહેન કે મેડમ કહે તો પણ ગાળોનો વરસાદ કરે છે. મહિલા પોલીસ એવો આગ્રહ રાખે છે કે તેમને માત્ર સાહેબ કહીને જ બોલાવવામાં આવે. અકારણ ગાળ અને માર આપવામાં બદનામ મહિલા પોલીસ કર્મીઓની પોલીસગીરી પર નિયંત્રણ જરૂરી છે.
યાજ્ઞિક રોડ અને અમીનમાર્ગ ટ્રાફિક પોલીસના સોફ્ટ ટાર્ગેટ
ટ્રાફિકપોલીસ સવાર-સાંજ યાજ્ઞિક રોડ અને અમીનમાર્ગ પર આવતા ફોર વ્હીલ ચાલકોને પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવે છે અને તેમને ગાડી નો-પાર્કિંગમાં પાર્કિંગ કર્યા બદલ ડરાવી-ધમકાવી પાંચસોથી હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ છે વળી આ દંડ રોકડમાં જ આપવાનો આગ્રહ રાખે છે. જો કોઈ વાહનચાલક થોડીપણ કાયદાની વાત કરે તો તેમને તરત જ ફરજ રુકાવટનો ગુનો દાખલ કરી ફિટ કરાવી દેવાની ધમકી આપે છે.


