આધુનિક ખેતીથી મશરૂમનું ઉત્પાદન : ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની નવી કેડી કંડારનારાં વર્ષાબહેન આલોક બેન્કરમાંથી બન્યાં ફાર્મર
મોટાભાગે ફાર્મા કંપનીને સપ્લાય થાય છે: ખેતરમાં વધેલી પરાળ (ભૂંસુ) લાવી તેના પર ઉગાડાય છે મશરૂમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર તેમજ સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા મશરૂમનું માતબર ઉત્પાદન વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લામાં ક્ધટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને શરૂ કર્યું છે. મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે ત્યાં સામાન્ય રીતે તેની ખેતી શક્ય બનતી નથી. જોકે, વર્ષાબહેને ધોળકામાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખાસ યુનિટ સ્થાપીને બારેમાસ મશરૂમ ઉગાડવાની ફેસિલિટી વિકસાવી છે. ઉલ્લેખનીય છે કે, મશરૂમ એ વનસ્પતિ કે છોડ નથી, તેથી તેને સૂર્યપ્રકાશની જરૂર નથી. મશરૂમ એક ફૂગ છે, સજીવ છે, જે ગાઢ જંગલમાં ઉછરે છે. ખાદ્ય મશરૂમ અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ એટલે કે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાનાં નિષ્ણાત વર્ષાબહેને બટન મશરૂમની ખેતી કરી ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ, વિકસિત ખેતીની આગવી કેડી કંડારી છે.
વર્ષાબહેન આલોક પહેલા બેન્કિંગ વ્યવસાયમાં હતા. અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે. વર્ષાબહેન ’કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ’માં પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેમણે આઈઆઈએમ, અમદાવાદમાંથી ’ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ’નો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાખંડના વતની વર્ષાબહેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રુચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાય છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મીનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે. વર્ષાબહેન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવી મશરૂમનો માતબર પાક મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ વ્યવસાય થકી વર્ષાબહેન ધોળકા પંથકની 40 મહિલાઓ સહિત 50 લોકોને નિયમિત રોજગારી આપી રહ્યાં છે. ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે.
મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે
- Advertisement -
મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા જેવું છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે. મશરૂમ વે-પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે. મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે.
ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે
મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વિગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે જેને પરિણામે 25થી 30 દિવસમાં ફૂગ ઊગી નીકળે છે.
બે વર્ષ પહેલાં મશરૂમની ખેતી માટે ક્ધટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું : મહિલા ખેડૂત વર્ષાબહેન આલોક
ગુજરાતમાં ’ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ’ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે. વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાં અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે ક્ધટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે. યુનિટમાં લોખંડના આવા આઠ રેક બનાવવામાં આવ્યા છે. જે વર્ષે લગભગ 250 ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. એટલે કે મહિને 20થી 25 ટન મશરૂમ અહીં ઊગે છે. જો આટલા મશરૂમ જમીન પર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે.
ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે : બાગાયત અધિકારી લાલજી ચૌધરી
કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કર્યું છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક – વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે. આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું પોટેન્શિયલ રહેલું, જેને અનલીશ કરવું જોઈએ છે. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ સમયની માગ છે.