મેળામાં 38 સ્ટોલ પર મહિલાઓ ચીજ વસ્તુનું વેચાણ કરતા હતા
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને સહાય ગરીબ અને સામાન્ય માણસોનું જીવન કેટલું બદલી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટના લોકમેળામાં જોવા મળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીના અમૃત લોકમેળામાં લાખો લોકોએ પરિવાર-સ્વજનો સાથે આનંદ માણ્યો હતો. રાજ્યની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમે પણ અહીં ‘શક્તિ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 38 સ્ટોલમાં મહિલા કારીગરોએ પોતે બનાવેલી વસ્તુઓનું અંદાજિત રૂ.25 લાખનું જંગી વેચાણ કર્યું છે. આ તકે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે, લોકોના કારણે અમારી બહેનોને પુરતી રોજગારી મળતા તેઓના અને તેમના પરીજનોના ચહેરા પર અનેરી રોનક જોવા મળે છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાં મહિલાઓને તાલીમ આપીને સક્ષમ બનાવીને, બેન્કેબલ લોન પર સબસીડી દ્વારા સ્વઉત્પાદનના માધ્યમ દ્વારા સ્વાવલંબન માટે આર્થિક આધાર પુરો પાડીએ છીએ. આમ શક્તિ મેળામાં ભાગ લેનાર મહિલા કારીગરોએ રૂ.25 લાખ, 20 હજાર, 990ની જંગી કમાણી કરતા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલાઓના આર્થિક વિકાસ માટેનું વનસ્ટોપ સેન્ટર બન્યું છે