રાયોટિંગ, હત્યાની કોશિષ, ધાડ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો: 4ની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રૈયા રોડ પર જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગરમાં રહેતાં જાણીતા એડવોકેટ તુષારભાઇ ગોકાણીના નાના ભાઇ એડવોકેટ રીપનભાઇ ગોકાણી, પિતા મહેશભાઇ ગોકાણી, તુષારભાઇના પત્નિ હેતલબેન અને પિતરાઈ ગૌરાંગ ગોકાણી તેમજ એક પડોશી પર મહિલા એએસઆઇના પતિ સહિતની ટોળકીએ કાળી સ્કોર્પિયોમાં આવી છરી, બેઝબોલના ધોકાથી હુમલો કરી આતંક મચાવી તેમજ રીપનભાઇનો સોનાનો ચેઇન લૂંટી લઇ તેને છરી ઝીંકવાનો પ્રયાસ કરી, તમંચો તાંકી મારી નાંખવાનો પ્રયાસ કરી ભયાનક આતંક મચાવતાં આખી શેરીના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. મહિલા એએસઆઇના પુત્રને ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હોઇ બસ એ કારણે આ ધમાલ મચાવાઇ હતી. પોલીસે રાયોટ, હત્યાની કોશિષ, ધાડ, આર્મ્સએક્ટનો ગુનો નોંધ્યો છે.
ક્રાઇમ બ્રાંચે રાતે જ મુખ્ય આરોપી સહિત ચારને સકંજામાં લઇ લીધા છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગર શેરી નં. 7 ‘શ્યામગોવિંદ’ નામના મકાનમાં રામેશ્વર મહાદેવ મંદિર સામે રહેતાં શહેરના ખુબ જાણીતા એડવોકેટ રીપનભાઇ મહેશકુમાર ગોકાણી (લોહાણા) (ઉ.વ.37)ની ફરિયાદ પરથી પ્રસિધ્ધ માઢક, જસ્મીન માઢક અને બીજા છ થી સાત શખ્સો સામે આઇપીસી 307, 395, 397, 323, 504, 143, 147, 148, 149 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1), બીએ તથા જીપીએક્ટ 135 (1) મુજબ રાયોટીંગ, હત્યાની કોશિષ, ધાડ અને તમંચો બતાવી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી ત્રણ મુખ્ય આરોપીઓને રાતોરાત ક્રાઇમ બ્રાંચે રેસકોર્ષ રીંગ રોડ પરથી દબોચી લીધા છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રવિવારે રાત્રીના સવા દસ સાડા દસેક વાગ્યે એડવોકેટ તુષારભાઇ ગોકાણીના ઘરે હુમલો થયાની જાણ થતાં અને ટોળકીએ અડોશી પડોશીના ઘરમાં પણ ધમાલ મચાવી વાહનમાં તોડફોડ કર્યાની જાણ થતાં ભાજપના વોર્ડ નં. 2ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય જયમીનભાઇ ઠાકર સહિત દોડી ગયા હતાં. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલને જાણ કરતાં થોડીવારમાં જ એસીપી પી. કે. દિયોરા, પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જનકસિહ રાણા, હીરાભાઇ રબારી સહિતનો કાફલો અને ડી. સ્ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચ એસીપી ડી. વી. બસીયા, પીઆઇ જે. વી. ધોળા સહિતની ટીમોના ધાડેધાડા ઉમટી પડયા હતાં અને તપાસ શરૂ કરી હતી.
- Advertisement -
છરી, ધોકાથી હુમલો થયો હોઇ ઘાયલ થયેલા એડવોકેટ તુષારભાઇ ગોકાણીના પિતા મહેશભાઇ ગોવિંદભાઇ ગોકાણી (ઉ.વ.66), ભાઇ રિપનભાઇ મહેશભાઇ ગોકાણી (ઉ.36), તુષારભાઇના પત્નિ હેતલબેન ગોકાણી (ઉ.39), રીપનભાઇના પડોશી મનન હેમાંગભાઇ જાની (ઉ.25) અને પિતરાઈ ગૌરાંગ પ્રફુલભાઇ ગોકાણી (ઉ.29)ને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસમાં એન્ટ્રી નોંધાવી હતી. અહિ પ્રાથમિક પૂછતાછમાં પોતાના પર પ્રસિદ્ધ માઢક, જસ્મીન માઢક અને અજાણ્યાએ કાળી સ્કોર્પીયોમાં આવી ઝઘડો કરી છરી, ધોકા, ધારીયાથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાએ એડવોકેટ રીપનભાઇ ગોકાણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે જસ્મીન બાલાશંકરભાઇ માઢક (ઉ.વ.45) (રાજગોર બ્રાહ્મણ), તેની સાથેના ભૂપત લીંબાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.30), ભાવીન બહાદુરસિંહ દેવડા (રજપૂત) (ઉ.22) અને જસ્મીનના સગીર પુત્રને રેસકોર્ષ રીંગ રોડ પરથી સકંજામાં લઇ લીધા હતાં.
એડવોકેટ તુષાર ગોકાણી કેસ સંદર્ભે હૈદરાબાદ હોય તાત્કાલીક રાજકોટ દોડી આવ્યા
ઈજાગ્રસ્ત એડવોકેટ રિપ્નના મોટા ભાઈ તુષાર ગોકાણી પણ નામાંકિત એડવોકેટ છે. તેઓ ઘણા ચકચારી કેસોમાં સ્પે. પી.પી. તરીકે નિમાયેલા છે. તુષાર ગોકાણી કોઈ કેસ સંદર્ભે હૈદરાબાદ ગયા હતા. ગઈકાલે રાત્રે તેઓને પરિવાર પર હમલો થયાની ઘટનાની જાણ થતા આજે હવાઈમાર્ગે તેઓ તાત્કાલીક રાજકોટ પહોંચ્યા હતા. આરડીએકસ, ટાડા સહિતના કેસમાં ચકચારી કેસોમાં તેઓ સ્પે. પી.પી. તરીકે ફરજ બજાવી રહ્યા છે. બનાવને પગલે પોલીસ એડવોકેટ ગોકાણીના ઘર પર ચૂસ્ત જાપ્તો ગોઠવ્યો છે.
ગુનેગારને પાસામાં ધકેલવાની અને કેસની તપાસ ડીસીપી કક્ષાનાં અધિકારીને સોંપવાની CPને રજૂઆત : અંશ ભારદ્વાજ
એડવોકેટ અંશ ભારદ્વાજે ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાર એસોસિએશન દ્વારા એડવોકેટના પરિવારને માર મારવાના સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે જેમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને આ કેસ સાથે જોડાયેલાં અસામાજીક તત્વો પર પાસાનો ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી છે આ સાથે જ એવી પણ માંગ કરવામાં આવી છે કે, સમગ્ર કેસની તપાસ કોઈ ડીસીપી કક્ષાના અધિકારી પાસે કરાવવામાં આવે. બાર એસોસિએશનની આ રજૂઆત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા માન્ય રાખવામાં આવી હોવાનું અંશ ભારદ્વાજે જણાવ્યું હતું.


