પોલીસ કમિશનરે હુકમ 6 માસ માટે મૌકૂફ રાખ્યો, ટ્રાવેલ્સ સંચાલકોના વિરોધના લીધે લેવાયો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં થોડા દિવસો પહેલા પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડી ખાનગી બસો માટે 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. જોકે આ નિર્ણયને લઈને ટ્રાવેલ્સ સંચાલકોએ વિરોધ કરતા પોલીસ કમિશનરે ગઈકાલે બપોરે 2થી 5 ટ્રાવેલ્સ બસોને પ્રવેશની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તેનાથી પણ ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં હોવાથી આજે ભાજપના શહેર પ્રમુખ સહિતનાની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી લક્ઝરી બસોની પ્રવેશબંધી 6 મહિના મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા ટ્રાવેલ્સ સંચાલકોએ આ નિર્ણયને વધાવી લીધો હતો.
- Advertisement -
આ અંગે ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, 150 ફૂટ રીંગરોડ પર ખાનગી લક્ઝરી બસોનાં પ્રતિબંધનું જાહેરનામું 6 મહિના મોકૂફ રાખવામાં આવ્યું છે. મને વિશ્વાસ હતો કે ભાજપ હંમેશા લોકોનું હિત વિચારતી પાર્ટી છે. લોકોને મુશ્કેલી પડે તેવો નિર્ણય નહીં થવા દે. જે અંતર્ગત આજે પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગના ડીસીપી સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કમિશનરે જાહેરનામું 6 મહિના મોકૂફ રાખવાનું જણાવતા અમે તે નિર્ણયને વધાવી લીધો છે.