ભવનાથ મંદિરના મહંત પદનો વિવાદ: આવતીકાલે કલેકટર લેશે અંતિમ નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢના પ્રાચીન અને વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરના મહંત પદને લઈને ચાલી રહેલા વર્ષો જૂના વિવાદનો આવતીકાલે, તા. 31 જુલાઈ, 2025ના રોજ અંતિમ નિર્ણય આવી શકે છે. જૂનાગઢ જિલ્લા સમાહર્તા (કલેકટર) આ વિવાદિત પદ અંગે પોતાનો ચુકાદો આપશે, જેના પર સાધુ-સંતો અને સેવકોની મીટ મંડાઈ રહી છે. ભવનાથ મંદિરના વર્તમાન મહંત હરિગીરી બાપુના મહંત પદ માટેની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. આ પદ પરંપરા મુજબ ન થતા હોવાના આક્ષેપો તંત્ર પર ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. આ વિવાદને લઈને અનેક સંતો સ્થાનિક તંત્રથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે અને સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરી છે.
- Advertisement -
સંતોમાં નારાજગી અને આંદોલનની ચીમકી
તાજેતરમાં જ બે સંતોએ કલેકટરને ઙઝછ (પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન) નિયમ અને પરંપરા મુજબ ઓર્ડર કરવા માટે લેખિત પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે અન્ય બે સંતોએ તો જો મંદિરની પરંપરા મુજબ ઓર્ડર નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત, અન્ય સંતોએ ભવનાથ મંદિર સામે ધરણાં યોજી વિરોધ નોંધાવવાની પણ ચીમકી આપી છે, જે દર્શાવે છે કે આ મુદ્દો સંત સમાજમાં કેટલી ગંભીરતા ધારણ કરી ચૂક્યો છે.
અંબાજી મંદિરના મહંતપદ મુદ્દે વિવાદ બાદ વહીવટકર્તાની નિમણૂંક થઇ હતી
જૂનાગઢ ગિરનાર અને તળેટીમાં સુપ્રસિદ્ધ અનેક જગ્યાઓ આવેલી છે અને મંદિરના મહંત પદને લઈને અનેક જગ્યા પર વિવાદ ઉભા થયા છે જેમાં ગુરુદત્ત શિખર પર આવેલ ગુરુદત્તાત્રય જગ્યા માટે જેન સમાજ અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે એ પછી અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થતા તે મંદિરના મહંત પદ માટે અમરગીરી બાપુની સાધુ – સંતો દ્વારા ચાદર વિધિ બાદ વિવાદ ઉભો થયો હતો અને કલેકટર દ્વારા ગિરનાર અંબાજી મંદિરમાં વહીવટ કરતાની નિમણૂંક કરી દેવામાં આવી હતી ત્યારે હવે ભવનાથ મંદિરના મહંત પદ પર આવતીકાલે જિલ્લા કલેકટર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. તે જોવાનું રહ્યું.
પરંપરા મુજબ નહીં થાય તો બે સંતોની આત્મવિલોપન ચીમકી
- Advertisement -
મંદિરના મહંતપદ માટે કોણ તે તરફ સાધુ-સંતોની મીટ
કલેકટરનો નિર્ણય શું હશે?
હરિગીરી બાપુની મુદત પૂર્ણ થતા હવે જૂનાગઢ જિલ્લા સમાહર્તા ભવનાથ મંદિરના મહંત પદને યથાવત રાખે છે કે પછી તેના પર વહીવટદાર તરીકે ઉચ્ચ અધિકારીની નિમણૂક કરે છે, તે જોવું રસપ્રદ રહેશે. કલેકટરના આ નિર્ણય પર ભવનાથ તળેટી સહિત સમગ્ર સંત સમાજ અને ભક્તોની નજર ટકેલી છે. આ નિર્ણય ગિરનારની પવિત્ર ભૂમિ સાથે સંકળાયેલી એક મહત્વપૂર્ણ પરંપરા અને વહીવટના ભવિષ્યનો સંકેત આપશે.