ખાસ-ખબર સંવાદદાતા
વિવાદ અને કૌભાંડનો પર્યાય બનતી જતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૌભાંડની તપાસ માટે શિક્ષણ વિભાગે નીમેલી કમીટીના બે સભ્યોના આગમનનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે યુનિ.ના વૃત્તાંતમાં તરહ-તરહની ચર્ચાઓ ચાલી રહી છે. કૌભાંડો- ગેર વહીવટના મામલે છોટાઉદેપરની સરકારી સાયન્સ કોલેજના આચાર્ય નિશાંત પરમાર અને પંચમહાલના શહેરની સરકારી આર્ટસ કોલેજના આચાર્ય ડો. વિપુલ ભાવસાર તમામ મુદાઓની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપનાર છે સંભવત સોમ-મંગળમાં આ તમામ સમિતિ આવી પહોંચશે. તપાસ સમિતિ પુર્વ કુલપતિ ડો. પેથાણી અને ઉપકુલપતિ ડો. દેસાણીના સમયગાળાના કૌભાંડો- ગેર વહીવટના આક્ષેપો ઉપરાંત વર્તમાન કુલપતિ ડો. ભીમાણીના સમય દરમ્યાનની પણ ઘણી બાબતો અંગે તપાસ કરી સરકારને જાણ કરશે તેવી ચર્ચાઓ પણ યુનિ.ના વર્તુળોમાં ચાલી રહી છે. વર્તમાન કુલપતિ ડો.ગીરીશ ભીમાણીના સમયગાળામાં પણ મનસ્વી રીતે નિર્ણયો લેવા, સિન્ડીકેટ સભ્યોની બાદબાકી કરી નોન-ટીચીંગની ભરતી માટેની ગોઠવણ કરવી (જે બાબતે વિવાદ થતા કારી ફાવી ન હતી) બાબરાની ચર્ચાસ્પદ કોલેજને ફરી પરિક્ષા કેન્દ્ર આપવું, લાગતા- વળગતા લોકોની કોલેજના નવા કોર્ષ મંજૂર કરવા, અમુક નવી જ કોલેજને મંજૂરી આપવી, નોન ટીચીંગના અમુક કર્મચારીઓ યુનિ. અને લાગતા વળગતાઓની કોલેજ એમ બંન્ને સ્થાને નોકરી કરતા હોવા બાબતે આંખ આડા કાન કરવા. યુનિ.ના મોટાભાગના વિભાગોના કર્મચારીઓની આડેધડ બદલીઓ કરીને અરાજકતા જેવું વાતાવરણ ઉભું કરવા જેવી અનેક બાબતે તપાસ સમિતિ તપાસ કરશે કે નહીં?
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા નિમાયેલ નિશાંત પરમાર, ડૉ. વિપુલ ભાવસારના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ
- Advertisement -
પુર્વ કુલપતિ ડૉ. પેથાણીના સમયગાળા ઉપરાંત વર્તમાન કુલપતિ ડૉ. ભીમાણીની કામગીરીના પણ લેખાં-જોખાં થશે?
માટી કૌભાંડ સહિતના આટલા મુદાઓની તપાસ થશે
માટી કૌભાંડ, ભરતી કૌભાંડ તથા અનેક ગેરવહીવટ બાદ સામાન્ય જનમાનસનો યુનિવર્સિટી તંત્ર ઉપરથી ભરોસો ઉતરી ગયો છે.
મોટાભાગના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો 20થી 30 વર્ષથી છે, આવા સ્થાપિત હિતો કોઇપણ સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને પ્રામાણિક લોકોને યુનિવર્સિટીમાં પ્રવેશ કરવા દેતા નથી.
પ્રત્યેક સિન્ડિકેટ સભ્યોની ખાનગી કોલેજો છે જેમાં કરોડોની આવક યેન-કેન પ્રકારે થાય છે જેના લીધે વિદ્યાર્થીના હિતલક્ષી નિર્ણય શક્ય બનતા નથી. તેઓ પોતાનું જ આર્થિક હિત જોવે છે.
પ્રવર્તમાન સંજોગોમાં યુનિવર્સિટી વ્યક્તિ અને પરિવાર કેન્દ્રિત બની ગઇ છે જે છાપમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે.
વહીવટી સ્ટાફના ઘણા કર્મચારીઓ યુનિવર્સિટીને બદલે સિન્ડિકેટ સભ્યોની કોલેજમાં કામ કરે છે તથા પગાર યુનિવર્સિટીમાંથી મેળવે છે.
સિન્ડિકેટ સભ્યોની ખાનગી કોલેજો છે તે કોમર્સિયલ અને રેસિડેન્ટ વિસ્તારમાં ચાલે છે. અને કોઇપણ જાતની યુજીસી અને રાજ્યસરકારના નીતિ નિયમો મુજબ ચાલતી નથી.
વર્ષ દરમ્યાન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના થતા ઇન્સપેક્શન રિપોર્ટમાં (લોકલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ) વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
કૌભાંડો, ભ્રષ્ટાચારોના કિસ્સામાં તથા ગોટાળાને ખાનગી રીતે દબાવવા માટે સમિતિની રચના સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવે છે અને ઢાંકપિછોડો કરી ક્લીનચીટ આપવામાં આવે છે.
- Advertisement -
બદલાયેલા રાજકીય સમીકરણો તપાસને અસર કરશે?
વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાવા લાગ્યા છે. હાંસીયામાં ધકેલાઇ ગયેલા કે કોરાણે મુકી દેવાયેલા લોકો ફરી સત્તાનું કેન્દ્ર બનવા લાગ્યા છે, ત્યારે આ બાબતના પડઘા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વૃત્તાંતોમાં પણ ચોક્કસ પડશે જ. ઉપરના આકાઓના જોરે કુદતા લોકોની પાંખો કપાશે? જે લોકોને યુનિવર્સિટીમાંથી ફરજીયાત વિદાય કરી દેવામાં આવ્યા છે તે જૂથ ફરી મેદાનમાં આવશે? ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ભીમાણી ફુલટાઇમ કુલપતિ બનશે કે વિદાય લેશે? આવા અનેક સમીકરણો પણ તપાસ સમિતિના સરકારને આપવામાં આવનાર રિપોર્ટને અસરકર્તા બનશે તેવું પણ ચર્ચાય છે.