વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ નિર્ણય લેશે
ખાસ-ખબર સંવાદદાતા
ICC T20 વર્લ્ડ કપ 2021 પછી, વિરાટ કોહલીએ ભારતીય T20 ટીમના સુકાનીપદેથી રાજીનામું આપ્યું હતુ. હવે તેની વન-ડે ઈન્ટરનેશનલની કેપ્ટનશીપ પણ ખતરામાં છે, માનવામાં આવે છે કે વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ મોટો નિર્ણય લઇ શકે છે. વિરાટ કોહલીને વનડે કેપ્ટન તરીકે ચાલુ રાખવા અંગેનો નિર્ણય આ અઠવાડિયે ત્યારે લેવામાં આવશે જ્યારે ચેતન શર્માની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. મોટાભાગની T20 આંતરરાષ્ટ્રીય મેચો વર્ષ 2022માં રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયપત્રક મુજબ, ભારતે આગામી 7 મહિનામાં માત્ર 9 વનડે રમવાની છે, જેમાંથી 6 વિદેશમાં રમાશે. BCCIમાં એક જૂથ કોહલીને વનડે કેપ્ટન તરીકે જાળવી રાખવાની તરફેણમાં છે, જ્યારે અન્ય જૂથ વનડે અને ટી-20માં એક જ કેપ્ટન રાખવાની તરફેણમાં છે.