જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ: આજે 1થી 2 ઇંચ વરસાદ વરસ્યો
મગફળી, સોયાબીન, કપાસ, બાજરી સહિત તૈયાર પાકમાં ભારે નુકસાની
જૂનાગઢ જિલ્લામાં સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવા ખેડૂતોની માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ હવે આ મહેર આફતરૂપ બની રહી છે. રવિવારથી શરૂ થયેલો સતત વરસાદ આજે પાંચમા દિવસે પણ અવિરત ચાલુ રહ્યો છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં રોજબરોજ 1 થી 2 ઈંચ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેતી પાકને હવે વ્યાપક નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે ખેતી પાકનો સર્વે કરી વળતર ચૂકવવાની માંગણી કરી છે.
જિલ્લામાં જે ખેડૂતોએ અગાઉ મગફળી, કપાસ, બાજરી, અને સોયાબીનનું વાવેતર કર્યું હતું, તેના પાક હાલમાં તૈયાર થઈ ચૂક્યા છે. સતત વરસતા વરસાદના કારણે ખેડૂતોને આ તૈયાર પાકમાં ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને, જે ખેતરોમાં મગફળી પાકી ગઈ છે અને તેને બહાર કાઢી લેવામાં આવી છે, તેમાં સૌથી વધુ નુકસાની જોવા મળી રહી છે. જમીનમાંથી બહાર કાઢ્યા બાદ પણ મગફળીના ઢગલા પલળી જતાં તે સડી જવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, કપાસના તૈયાર ફૂલ સતત વરસાદને કારણે ખરી ગયા છે, જેનાથી ઉત્પાદનને સીધો ફટકો પડ્યો છે. આ ઉપરાંત, બાજરીના તૈયાર થયેલા ડૂંડા પર પણ વરસાદ વરસવાના કારણે તેમાં નુકશાની જોવા મળી રહી છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ફરીથી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ખેડૂતોને રાતે પાણીયે રોવાનો વારો આવ્યો છે. આજના વરસાદના આંકડા જોઈએ તો, જૂનાગઢ શહેર અને તાલુકા સહિત મેંદરડા, માળીયા હાટીના અને વંથલીમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, માંગરોળ, ભેસાણ અને કેશોદ સહિતના અન્ય પંથકમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતી પાકને નુકશાની જોવા મળી રહી છે. સતત અને અનિયમિત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ છે, જેનાથી પાક મૂળમાંથી સડી જવાની ચિંતા વધી છે.
- Advertisement -
ગત વર્ષે થયેલી ખેતીના નુકસાનનું વળતર ચૂકવો: કિશાન સંઘની માંગ
જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે આ બાબતે ભારતીય કિશાન સંઘના આગેવાન મનસુખ પટોળીયાએ સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. પટોળીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના લીધે મગફળી, કપાસ, સોયાબીન અને બાજરીના તૈયાર થયેલા પાકને વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરે અને ખેડૂતોને વળતર ચૂકવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ ખેતી પાકમાં નુકસાની થઈ હતી, જેનો સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનું વળતર ખેડૂતોને ચુકવાયું નથી. આથી, કિશાન સંઘની માંગ છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક ગત વર્ષનું વળતર ચૂકવે અને ચાલુ વર્ષે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તેનો પણ સત્વરે સર્વે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક ટેકો મળી શકે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ માંગણીને પગલે હવે રાજ્ય સરકાર ક્યારે સર્વેની કામગીરી શરૂ કરે છે અને વળતર ચૂકવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.