વોર્ડ નંબર 7 ના સુનિલનગરમાં નેતાઓને ’નો-એન્ટ્રી’, ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
સ્થાનિકોની અનેક રજૂઆતો નિંભર પાલિકા તંત્રના બહેરા કાને અથડાય છે !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં આવેલ સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત પ્રાથમિક સમસ્યાઓને લઈને લોકો દ્વારા મતદાનના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અહીં ચૂંટણી બહિષ્કારના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
હળવદ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલ સુનિલનગરમાં વર્ષોથી રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર સહિતની સમસ્યાઓથી આ વિસ્તારના લોકો પીડિત છે. અગાઉ અનેક વખત રેલી સ્વરૂપે પાલિકા કચેરીએ રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારના લોકોની રજૂઆત પાલિકાના બહેરા કાને અથડાય છે. કોઈ નિકાલ આવતો નથી જેના કારણે નાછૂટકે આ વિસ્તારના લોકો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સુનીલનગરના ગેટ પાસે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા સ્થાનિક રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
હળવદના ધાંગધ્રા રોડ પર આવેલ સુનિલનગર વિસ્તાર અનેક પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે, જ્યાં સીસી રોડ હોય ત્યાં તોડીને નવો કરવામાં આવે છે પરંતુ અહીં તો હજુ કાચા રોડથી જ લોકો ચલાવી રહ્યા છે. નગરપાલિકામાં વેરો ભરવા છતાં પણ જે સુવિધા પાલિકા અન્ય વોર્ડમાં આપે છે તે અહીંયા આપતી નથી જેથી નાછૂટકે વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આમેય નેતાઓને મત આપ્યા બાદ પણ કોઈ કામ કરતા નથી તો પછી મત શા માટે આપવો ?