સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
બહુ લાંબાગાળા સુધી ડાહ્યાડમરા બની રહ્યા પછી હું સાવ પાગલ બની ગયો
-એડગર એલન પો
‘ધ ડાર્ક નાઈટ ફિલ્મ ’ 18 જુલાઈ 2008ના રોજ રીલિઝ થઈ હતી. તો તેં ફિલ્મમાં યાદગાર પરફોર્મન્સ આપવા જેને મરણોપરાંત ઓસ્કાર અવોર્ડ આપવામાં આવેલ તે હિથ લેજરને તેણે ભજવેલા અજરામર પાત્ર જોક્રરના અમુક સદાબહાર અવતરણો દ્વારા યાદ કરીએ.
1. તને ખબર છે, પોતાના છેલ્લા વખતમાં લોકો પોતાની અસલી રંગ બતાવી જ દે છે.
માણસો આખી જિંદગી ગમે તેવો દંભ કે પાખંડ આચરીને જીવ્યા હોય તોપણ મૃત્યુબોધ તેમને અમૂક હદ સુધી પારદર્શી બનાવી જ દે છે. પોતાના પુત્રને આજીવન ડારનાર ખડુસ પપ્પા મરણપથારીએ તેના માથા પર વ્હાલથી હાથ ફેરવે એવું બને.
2. હું માનું છું કે જે આફત તમને મારી નથી નાંખતી તે તમને વધુ વિચિત્ર બનાવી દે છે.
ફ્રેડરિક નિતશેના ક્વોટ ’ જે આફત તમને મારી નથી નાંખતી તે તમને વધુ મજબૂત બનાવે છે. ’ તેને થોડા મરોડીને બનાવેલ આ વાક્ય તો જોકર ખુદ પોતાના વિશે જ કહે છે. આની પહેલા આવેલી જૂની ’ બેટમેન ’ માં જેક નિકોલસને ભજવેલા જોકરના પાત્રની તો બેક્સ્ટોરી હતી પણ નોલાને પોતાની ફિલ્મમાં આ મહાન પાત્રની આગળ પાછળના કોઈ સુરાગ પૂરા ન પાડીને દર્શકોને પોતાની કલ્પના દોડાવવા માટે છુટ્ટો દોર આપ્યો. ’ ધ ડાર્ક નાઈટ ’ ફિલ્મમાં જોકર પોતાના ચહેરા પર રમતા સ્મિત બાબતે પણ અલગ અલગ ઘટનાઓ કહે છે કે તેના ચંચળ સ્વભાવને ઉજાગર કરે છે.
3. તને ખબર છે? આ બધા લોકોની નીતિમત્તા, આચારવિચાર એ બધું ખુદ એક અધમ કક્ષાનું ફારસ છે. કોઈ આપત્તિનો અણસાર ખાલી આવતાં જ તેમના આ બધા પીછા ખરી જાય છે. આ બધા લોકો એટલા જ સારા છે જેટલું દુનિયા તેમને રહેવા દે છે. હૂ તને બતાવીશ… જ્યારે મુસીબત માથા પર નાચતી જશે ત્યારે આ કહેવાતા સભ્યલોકો એકબીજાને ફાડી ખાશે.
ઓલરેડી બેટમેન અને જોકર વચ્ચેનો આ સ્વાદ ક્લાસિક છે એટલે બહુ કંઈ કહેવા જેવું તો નથી જ. જોકર સમાજની મૂલ્યનિષ્ઠા પર કટાક્ષ કરે છે કે આ શરાફત, સૌજન્ય કે ભલાઈ એક દેખાડો માત્ર છે બાકી માણસો ખાલી પોતાની સગવડતા મુજબ સારા કે ખરાબ બની જતા હોય છે. બક્ષીબાબુ કહેતા કે આ દુનિયામાં કેટલા પ્રમાણિક કે અપ્રમાણિક બનવું તેનું કોઈ માપ નથી. એવી જ રીતે, માણસે કેટલા ખરાબ કે સારા બનવું તેનું પણ કોઈ માપ નથી. જોકર તબાહીનો ફરિશ્તો હોવાથી તે માણસોના અવગુણો પર નિશાન લગાવે છે.
4. તે બધા લોકોની જેમ વાતો ન કર, તું એવો નથી, તું ગમે એટલો પ્રયત્ન કર તોપણ.
જોકરનું આ ક્વોટ ખરેખર તો કોઈ સજજનને શોભે એવું છે. માણસે પોતાનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ અને તેને જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી આખી દુનિયા તેની સાથે હોય કે વિરુદ્ધ. અંતે તો પોતાનો સ્વભાવ જ આપણી સાથે રહે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં તેને ધર્મ કહેવામાં આવે છે.
5. હું તો ગાડીની પાછળ દોડતો કૂતરો છું. મને તે ગાડી મળી જાય તોપણ તેનું શું કરવું એ મને ખબર નથી.
સામાન્ય રીતે, દરેક કથામાં ખલનાયકનું કોઈ નિશ્ચિત ધ્યેય હોય જ છે પણ અહી નોલાને અલબત્ત તેની સાથે તેના ભાઈ જોનાથન નોલાં અને ડેવિડ ગોયરે લેખનમાં કમાલ કરી છે. જોકરના ઉદ્દેશ્ય અંગે કોઈ સ્પષ્ટતા નથી પણ તેને અરાજકતાનો દૂત બતાવ્યો છે. એટલે જ કોમિક બુક ફેન્સ કહે જ છે કે જોકર બેટમેન મરતો હોય તોપણ તેને મરવા ન દે. બેટમેન વગર તેનું અસ્તિત્વ પણ શક્ય નથી.
પૂર્ણાહુતિ:
ગાંડપણ એ પણ ગુરુત્વાકર્ષણ જેવું જ છે. તેને પણ ખાલી એક ધક્કાની જ જરૂર પડે છે
– આ ફિલ્મમાં જોકરનો જ એક સંવાદ