મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટનામાં ‘ખાસ-ખબર’એ જે કહ્યું હતું એ જ આજે હાઈકોર્ટે કહ્યું…
મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં હાઈકોર્ટનાં રાજ્ય સરકારને અણિયાળા પ્રશ્ર્નો
- Advertisement -
હાઈકોર્ટનો સવાલ
‘શું રાજ્ય સરકાર એટલી બધી ઉદાર છે કે વિના ટેન્ડરે બ્રિજનાં કામની સીધેસીધી બક્ષિસ આપી દીધી? દોઢ પાનાંનો જ કરાર?’
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી બ્રિજ હોનારતમાં ગુજરાત સરકારની ગંભીર બેદરકારીને લપડાક મારતાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે અણિયાળા પ્રશ્નો કર્યા છે. ગત 30 ઓક્ટોબરે ઝૂલતા પુલની 130થી વધુ લોકોથી વધુનાં મોતની દુર્ઘટનામાં સુઓમોટો લીધા બાદ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાજ્યના ચીફ સેક્રેટરીને પ્રશ્ન કર્યા છે કે “શા માટે એક જાહેર પુલના સમારકામ માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરાઈ નહોતી? શા માટે બીડ આમંત્રિત કરાયું નહોતું?” રાજ્ય સરકાર એટલી બધી ઉદાર હતી કે આ સંબંધે કોઈ ટેન્ડર જ બહાર ન પાડ્યું અને સીધેસીધી કામની બક્ષિસ આપી દીધી. મોરબીની નગરપાલિકા એક સરકારી સંસ્થા છે અને તેણે પણ ફરજચૂક કરી હતી. શું મોરબી નગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું પાલન કર્યું હતું? આના પરિણામે 135 લોકોનાં દુર્ભાગ્યપૂર્ણ મોત થયાં હતાં. એવી કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ કરી હતી. હવે આગામી બુધવારે આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ અજંતા બ્રાન્ડથી ઘડિયાળો બનાવતા ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. આ સંદર્ભે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ઓરેવાનાં ટોચના મેનેજમેન્ટ સામે હજુ સુધી કોઈ પગલાં કેમ નથી લીધાં?
મોરબી દુર્ઘટના બાદ ‘ખાસ-ખબર’એ ચલાવી છે ખાસ ઝૂંબેશ
- Advertisement -
મોરબી ઝૂલતાં પુલ હોનારત માટે જવાબદાર ઓરેવા કંપની અને તેનાં માલિક જયસુખ પટેલ સામે જઘન્ય સામુહિક હત્યાકાંડ અંગેનો ગુનો દાખલ થાય અને દાખલારૂપ સજા મળે તેમજ પિડિતોને ન્યાય મળે તે માટે ખાસ-ખબર સાંધ્ય દૈનિકે ઝૂંબેશ ચલાવી છે અને તબક્કાવાર અહેવાલો પ્રકાશિત કરી રહ્યું છે. ખાસ-ખબરનાં આ અહેવાલોમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તે જ મુદ્દા આજે હાઈકોર્ટે સરકાર સમક્ષ ઉઠાવ્યા હતા અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
આટલા મહત્ત્વના કામનો ફક્ત દોઢ પાનાંનો કરાર?
“આટલા મહત્ત્વના કામ માટેનો કરાર માત્ર દોઢ પાનાનો કઈ રીતે હોઈ શકે? શું રાજ્ય સરકાર એટલી ઉદાર છે કે ટેન્ડર બહાર પાડ્યા વિના જ અજન્તા કંપનીને આટલી મોટી ધરોહર આપી દીધી. કયા આધારે આ પુલને એક એવી કંપની જૂન 2017 પછી ઓપરેટ કરતી હતી, જ્યારે કે (2008માં કરાયેલા કરારને) 2017 પછી રિન્યુ જ કરાયો નહોતો.” એવી પણ હાઈકોર્ટે નોંધ લીધી હતી.
ઓરેવાના 9 કર્મીની ધરપકડ, ટોચના મેનેજમેન્ટનું શું?
અદાલતે આ દુર્ઘટનાની સુઓમોટો નોંધ લેતાં છ સરકારી વિભાગો પાસે જવાબ માગ્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી આ કેસની સુનાવણી કરી રહ્યા છે. અત્યારસુધીમાં કરાર કરનારી કંપનીના અમુક કર્મચારીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ આ રૂ. 7 કરોડનો કરાર કરનારા ટોચના મેનેજમેન્ટમાંથી કોઈને ઊની આંચ પણ આવી નથી. આ ઉપરાંત કોઈ અધિકારીને આ 150 વર્ષ જૂના પુલની દુર્ઘટના માટે જવાબદાર ઠેરવાયા નથી.
‘અત્યાર સુધીમાં સરકારે શું પગલાં લીધાં એ કહો’: હાઈકોર્ટ
અદાલતે જણાવ્યું હતું કે, “મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓ મોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે.” એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ મનીષા લવકુમાર શાહે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
હાઈકોર્ટનાં સરકારને પ્રશ્ર્નો…
-મોરબી નગરપાલિકાને સુપરસીડ શા માટે નથી કરી ?
-મોરબીનો ઝુલતો પુલ તુટવાની દૂર્ઘટનામાં જવાબદાર કોણ? તેનો રાજ્ય સરકાર સષ્પટ જવાબ આપે
-કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવુ એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરાયું ?
-અજંતા ગ્રુપ ઉપર આટલી બધી ઉદારતા શા માટે દાખવાઈ?
-દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર તેમજ પરીજનોને રહેમ રાહે નોકરી માટે સરકાર શું કરી રહી છે?
-ઝૂલતાં પુલની સ્ટ્રકચરલ્સ સ્ટેબિલિટી સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની?