ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે ભગવાન ગણેશની ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનના તમામ દુઃખ-ક્લેશ દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જાણો ભગવાન ગણેશનું ધાર્મિક માહાત્મ્ય.
ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો લોકપ્રિય અને ખૂબ જ મહત્વનો તહેવાર છે. તે દસ દિવસ સુધી ચાલતો ઉત્સવ છે, જે ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં તેને ખૂબ ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે, તેમની પૂજા-અર્ચના કરે છે અને પછી દસમા દિવસે ‘ગણેશ વિસર્જન’ કરવામાં આવે છે. આ પર્વને ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ છે, જેમાંથી સૌથી પ્રચલિત કથા ભગવાન ગણેશના જન્મ સાથે સંકળાયેલી છે.
- Advertisement -
ભગવાન ગણેશના જન્મની કથા
હિંદુ પૌરાણિક કથાઓ મુજબ, એકવાર દેવી પાર્વતીને સ્નાન કરવાનું હતું અને તેમને કોઈને દ્વાર રક્ષક તરીકે રાખવો જરૂરી હતો જેથી અંદર કોઈ આવી ન શકે. ત્યારે તેમણે પોતાની યોગશક્તિથી એક બાળકનું સર્જન કર્યું અને તેને પ્રાણ આપ્યા. એ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન ગણેશ જ હતા. દેવી પાર્વતીએ બાળકને આદેશ આપ્યો કે જ્યાં સુધી તે સ્નાન કરે છે ત્યાં સુધી કોઈને પણ અંદર પ્રવેશવા દેવાના નથી. માતાના આદેશનું પાલન કરતા ગણેશ દ્વાર પર નજર રાખી રહ્યા હતા.
ત્યારે ભગવાન શિવ ત્યાં આવ્યા અને અંદર જવાની કોશિશ કરી. પરંતુ ગણેશજીએ તેમને રોકી દીધા. ભગવાન શિવને આ જોઈને ક્રોધ આવ્યો કે એક બાળક તેમને રોકી રહ્યો છે. જ્યારે ગણેશજીએ જણાવ્યું કે તે પોતાની માતાના આદેશનું પાલન કરી રહ્યા છે, ત્યારે પણ ભગવાન શિવએ તેને પોતાનું અપમાન માન્યું. વાતચીત અને વિવાદ વધી ગયો અંતે ભગવાન શિવે ક્રોધમાં આવી પોતાના ત્રિશૂલથી ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું.
- Advertisement -
જ્યારે દેવી પાર્વતીને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા અને સમગ્ર બ્રહ્માંડનો વિનાશ કરવાની ધમકી આપી. બધે હાહાકાર મચી ગયો. દેવતાઓ અને ઋષિ-મુનિઓએ દેવી પાર્વતીને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભગવાન શિવે પોતાના સેવકોને ઉત્તર દિશામાં જવાનું કહ્યું અને પ્રથમ જે પ્રાણી મળે તેનું માથું લાવવાનો આદેશ આપ્યો.
સેવકોને ત્યાં એક હાથી મળ્યો અને તેનું મસ્તક લઈને આવ્યા. ભગવાન શિવે એ હાથીનું મસ્તક ગણેશજીના ધડ સાથે જોડીને તેમને પુનર્જીવિત કર્યા. ત્યારબાદ શિવે તેમને આશીર્વાદ આપ્યા કે ભવિષ્યમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા તેમની પૂજા કરવી અનિવાર્ય રહેશે. આ ઘટનાના સ્મરણરૂપ દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનું મહત્વ
ગણેશ ચતુર્થી માત્ર ભગવાન ગણેશના જન્મનો ઉત્સવ જ નથી, પરંતુ અનેક મહત્વપૂર્ણ કર્યો શીખવતો તહેવાર છે. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ દિવસે તેમની આરાધના કરવાથી જ્ઞાન, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. તેઓને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે, એટલે કે ‘બાધાઓ દૂર કરનાર’. તેથી જ કોઈ પણ નવા કાર્યની શરૂઆત તેમના આશીર્વાદ લીધા વગર થતી નથી.
ગણેશ ચતુર્થીનો તહેવાર લોકોમાં એકતા લાવે છે. લોકો સાથે મળીને પૂજા-અર્ચના કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. જેનાથી સામાજિક અને ધાર્મિક એકતાનું બળ વધે છે. આ રીતે ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ એક એવો પર્વ છે જે આસ્થા, જ્ઞાન અને સામૂહિક એકતાનો સંદેશ આપે છે. આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં આવતા દરેક અવરોધોને દૂર કરીને આગળ વધવું જોઈએ.




