લોકોની નાની-મોટી સમસ્યાનું સમાધાન કરે છે ‘અકિલા’
‘સવારે ચા અને સાંજે અકિલા’ ટેગલાઈન બની એક આગવી ઓળખ
આ અખબારની ટેગલાઈન સવાર ચા સાંજ અકિલા અંગે જણાવતા કિરીટભાઈએ કહ્યું કે, એ.ટી.શાહ કરી એક પત્રકાર છે. તેઓ બાળપણના મિત્ર છે અને હવે મુંબઈમાં રહે છે. એકવાર અમે બંને આમ જ બેઠા હતા. ત્યારે ટેગલાઈન અંગે વાત કરતા હતા પછી તેમને મને આ ટેગલાઈન આપી. તે સમયે મને અંદાજ ન્હતો કે આ સૂત્ર લોકોના જીભ પર આટલું બધું આવશે, પરંતુ બરાબર ચાલી ગયું.
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં 26 જાન્યુઆરીનાં દિવસે રાષ્ટ્રપતિએ યોજેલા સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે “અકિલા” પરિવારનાં મોભીને ઉષ્માપૂર્વક મળે છે એ ફોટો પ્રકાશિત થયા પછી કિરીટકાકા અને “અકિલા” વિશે જાણવામાં ઘણાંને રસ પડ્યો છે. એક ન્યૂઝ ચેનલને તેમણે આપેલી મુલાકાતને ખૂબ વ્યૂઝ મળી રહ્યાં છે. આ મુલાકાતના અંશો અહીં પ્રસ્તુત છે:
અકિલા ન્યૂઝ પેપર ડેઈલી ગુજરાતી ભાષાનું એક સાંધ્ય દૈનિક સમાચાર પત્ર છે, જેની સ્થાપના 1978માં રાજકોટમાં કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવી હતી. આ અખબારે 47 વર્ષની સફર દરમિયાન માત્ર સમાચારની સામગ્રી અને લોકોની સમસ્યાઓ સાથે જોડાઈને સિદ્ધીઓ સર કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, નાનામાં નાના લોકો, સામાન્ય લોકો માટે કંઈક કરવાની મારા પિતાની ઈચ્છા હતી. અને એમના માટે જ આ અખબારની શરૂઆત કરવામાં આવી છે. નાના લોકો કે જેમને કોઈ ગુંડો હેરાન કરતો હોય, પોલીસ ફરિયાદ લેતી ન હોય કે કોઈ ઘરની બાબતો કે પછી પારિવારિક ઝઘડાઓ આ તમામ બાબતોનો ઉકેલ અહીં મળી જાય છે. આજે લોકો એ જ યાદ કર્યા કરે છે કે તેમની સમસ્યાનું અહીં સમાધાન થયું. એટલા માટે માન પણ આપે છે.
કિરીટકાકા એવા પત્રકારત્વનાં પ્રણેતા છે જેમાં સામાન્યજનની વેદનાને વાચા મળે, તેમની સમસ્યાઓ દૂર થાય અને તેઓ આર્થિક દ્રષ્ટિએ પગભર બને
- Advertisement -
પિતાની ઈચ્છા હતી નાના લોકોની વાત છાપે એવું છાપું શરૂ કરવું અને અકિલાનો જન્મ થયો
અખબારના નામ અંગે કિરીટકાકાએ જણાવ્યું કે, મારા પિતાની ઈચ્છા હતી કે સાંજનું અખબાર શરુ કરીએ. જેમાં નાના લોકો આવી પોતાની વાત જણાવે. કેમ કે, રાજકીય લોકો મોટા અખબારોમાં જઈ શકે છે. રાજકીય લોકોના લેખો કે સમાચારો મુખ્ય અખબારોમાં પ્રકાશિત થઈ શકે પરંતુ નાના લોકોની વાતો કોઈ પ્રિન્ટ કરતા નથી. તો અમે આઠેય ભાઈ બહેન એક વખત બેઠા અને વિચાર્યું કે પિતાની ઈચ્છા મુજબ સાંધ્ય દૈનિક શરૂ કરીએ. તે સમયે અમે 15થી 16 મેગેઝિનની આવૃતિઓ છાપતા હતા. ત્યારે વિચાર્યું કે ચાલો થઈ જશે. તે દરમિયાન બધા ભાઈ – બહેને પોતાની પસંદગીનું નામ લખ્યું. તે દરમિયાન મારી નાની બહેન સ્મિતાએ તેની મિત્રનું નામ લખ્યું, અકિલા. તેઓ વોરા સમુદાયના છે અને હાલ મુંબઈમાં રહે છે. જ્યારે તેમના નામની ચીઠ્ઠી અકિલા આવી ત્યારે અમે અખબારનું નામ અકિલા રાખ્યું. જ્યાં સુધી હું સમજુ છું અકિલા ફારસી શબ્દ છે જેનો અર્થ પવિત્ર અને શુદ્ધ થાય છે. એટલા માટે આ નામ અકિલા રાખવામાં આવ્યું.
નરેન્દ્રભાઈ એકલા સિંહની જેમ અકિલાના કાર્યાલયમાં આવતા
નરેન્દ્રભાઈ મોદીની રાજકીય યાત્રા વિશે વાત કરતા કિરીટકાકાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે અકિલાના કાર્યાલય પર આવતા ત્યારે સિંહની જેમ એકલા જ આવતા હતા. કોઈ તેમની સાથે ન હોય અને તેમને આ પસંદ પણ ન હતું. તેઓ બેસીને લખાવતા. હું નસીબદાર છું કે, દેશના વડાપ્રધાન તે સમયે તેઓ મારા પ્રેસમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા પછી પણ આવી ચૂક્યા છે. તેમનો પ્રેમ આજે પણ છે. અમે મળતા ન હોય પણ આમંત્રણ મોકલતા રહે છે. આ અખબાર ખૂબ નાનું અખબાર છે, હું નાનો પત્રકાર છું. મને આજ સુધી યાદ રાખ્યો છે. હું માનું છું ત્યાં સુધી તેઓ રાજકીય રીતે કોઈ માફ કરતા નથી. જે સાથે રહે છે તેમને યાદ રાખે છે સાથે નથી તેમને સામે રહે છે.
મોરબી હોનારતના સમાચાર અને નરેન્દ્ર મોદીનો લેખ નવા શરૂ થયેલા અખબાર અકિલામાં પ્રસિદ્ધ થયા અને…
મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે વાત કરતા કિરીટભાઈ ગણાત્રાએ કહ્યું હતું કે, અખબાર શરૂ થયાના 2-3 દિવસ આસપાસ મોરબીમાં એક ઘટના ઘટી જે અંગે અમે સાંભળ્યું. મોરબી રાજકોટથી લગભગ 65 કિલોમીટર દૂર છે. અને તે સમયે આટલી સુવિધાઓ ન્હોતી. તો અમે ટેક્સીમાં બેઠા અને ત્યાં જઈને જોયું તો એક ખંઢેર હાલતમાં મકાન હતું, શહેરમાં એકદમ શાંતિ હતી અને થોડી દુર્ગંધ આવતી હતી. મકાનના નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર હું ગયો ત્યાં કોઈ અવાજ ન હતો. અચાનક મેં જોયું કે 50થી વધુ લોકો ત્યાં ગુમસુમ બેઠા હતા. તેમણે ત્યાં આશ્રય લીધો હતો. મેં તેમને પૂછ્યું તો કોઈ કાંઈ બોલતું ન હતું. તેમાં કેટલાકનો પરિવાર, મકાન, ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, કોઈ મળતું ન હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાં બેઠા હતા. તે બાદ મેં જે મૃતદેહો જોયા તે આજ સુધી હું ભૂલ્યો નથી. ક્યાંક દરવાજા પર મૃતદેહ લટકી રહ્યો છે તો ક્યાંક ઝાડ પર લટકતો હતો. તો ક્યાંક થાંભલા પર મૃતદેહ લટકતો હતો. આવું ઘણું જોયું. આ ઘટના દરમિયાન અખબારમાં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક લેખ પ્રકાશિત થયો હતો. ત્યારે પીએમઓ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કાંઈ પ્રિન્ટ કરવામાં આવ્યું છે તો તેઓ મોકલી આપો. મને એ લેખ મળ્યો નહીં પરંતુ લેખ પ્રિન્ટ થયો હતો તે મને યાદ હતું.
“અકિલા” અને કિરીટકાકાનું પત્રકારત્વ એક રિસર્ચનો અને દળદાર ગ્રંથનો વિષય છે…
લોકોને વિશ્ર્વાસ છે કે ‘અકિલા’માં આવ્યું તો ખોટું નહીં હોય
ક્ધટેન્ટ અંગે વાત કરતા કિરીટભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ન્યૂઝ અંગે વફાદાર રહેવું જોઈએ. આજે તે રહ્યું નથી. હાલના સમયમાં લોકોને લાલચો એટલી મળતી હોય છે કે, લોકો ન્યૂઝથી અળગા થઈ લખે છે. અમે આજ સુધી સમાચારને અમારાથી દૂર રાખ્યા નથી. અમે પૈસા કે લાલચને મહત્વ આપ્યું નથી. જે ન્યૂઝ સાચા લાગે છે તે પ્રિન્ટ કરીએ છીએ. આજની જનરેશન જો આ પ્રમાણે કરે તો લોકોના દિલ પર તેઓ છવાઈ જશે. આજે પણ લોકોનો વિશ્ર્વાસ છે કે, અકિલામાં કાંઈ પણ આવ્યું તો તેમાં ખોટું નહીં હોય. સામાન્ય રીતે મારો પૂરો પરિવાર તમામ લોકો બીજેપી-જનસંઘના અનુયાયી છે પરંતુ અખબારમાં કોંગ્રેસ, આપ, બીજેપી કોઈપણ પાર્ટીના લોકો આવે કે પછી નાનામાં નાનામોટા રાજકીય નેતા આવે. કોંગ્રેસ યુગ સત્તામાં હતો ત્યારે અહેમદ આવ્યા હતા. માત્ર ભૂપેન્દ્રભાઈ પટેલ નથી આવ્યા પરંતુ તે સિવાય જે પણ આવે છે તો તેનું એક જ કારણ છે કે, અમે તટસ્થ રહીએ છીએ. સમાચારમાં ક્યારેય કોઈ પક્ષપાત નથી હોતું, કોઈ બનાવટ નહીં. ચૂંટણી સમયે સમાચાર છાપવા ઘણી વખત પૈસા આપવામાં આવે છે. દિલ્હીની પ્રેસ કાઉન્સીલના ત્રણ વરિષ્ઠ પત્રકારો આવ્યા હતા. એ સમજવા માટે કે, ચૂંટણી સમયે પૈસા આપી સમાચાર કેવી રીતે છાપવામાં આવે છે ? ત્યારે મેં તેમને આઠ અખબાર બતાવ્યા. તે તમામમાં એક જ હેડલાઈન હતી અને કહ્યું જણાવો કે આ કેવી રીતે હોઈ શકે? તેઓ સમજી ગયા અને મે તેમને અકિલા બતાવ્યું અને કહ્યું શું ફર્ક છે. જે સમાચારની આવશ્ર્યકતા છે, ગુણવત્તા છે તે પ્રમાણે અમે સમાચાર છાપીએ છીએ, પૈસાથી લેતા નથી. અને બધા લોકો જાણે છે કે આવું ક્યાંરેય અહીં નહીં થાય.
એ જમાનામાં અકિલાના વધારા અને સમાચારોએ તેને બંધ થતું અટકાવ્યું
અકિલાની સફર અંગે જણાવતા કિરીટભાઈ ગણાત્રાએ કહ્યું હતું કે, 10 વર્ષ સુધી ઘણો સંઘર્ષ કર્યો. કાલે બંધ થશે, આજે બંધ થશે. હવે શું થશે? કેમ કે, સરક્યૂલેશન થતું ન હતું. મારી માતા મને કહેતી હતી કે તારા પિતા તેને ચાલુ રાખવા માંગતા હતા, કંઈક થવું જોઈએ. એક સમય એવો આવ્યો જ્યારે 30થી 35 હજારનું દેવું હતું. તે સમયે હું એક નાનો અખબાર ચલાવનારો હતો. ત્યારે મારા બનેવી હરીશભાઈએ આવી શાંતિથી મને 35000 રૂપિયા આપ્યા. આ રાખો અને જ્યારે તમારી પાસે હોય ત્યારે આપજો. તે બાદ પિંજરાનવાળો બનાવ બન્યો. તેમાં અમે એક્સ્ટ્રા એડિશન જેને વધારો કહેવામાં આવે છે તે બહાર પાડ્યો. દિવસે ક્યારેય પણ કોઈપણ સમયે અમે તે એક્સ્ટ્રા પેજ નિકાળતા હતા. જો તમે તે સમય પર નજર નાખો, તો આજે ડિજિટલ મીડિયા સમાચાર તરત જ તે સમયે આવે. તે સમયે આ પ્રમાણે ન હતું. તેથી અમે આ વધારાનું પાનું કોઈપણ સમયે બહાર પાડતા અને લોકો હજારોની સંખ્યામાં ખરીદતા હતા. તે સમયે બંદારાવાલાજી વિશે સમાચાર મળ્યા. ઇન્દિરાજીનું મૃત્યુ તે બાદ રાજીવજીનું મૃત્યુ, પરંતુ બાબરી મસ્જિદનો નાશ થયો ત્યારે મને સૌથી વધુ માઇલેજ મળ્યું. તે સમયે લખનૌથી એક મુસ્લિમ રિપોર્ટર નોકરી પર રાખ્યો. મેં તેમને 2000 રુપિયા અગાઉથી પગાર આપી દીધો. જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી, ત્યારે તેમણે મને ફોન આવ્યો કે જો તમે મારા પર વિશ્ર્વાસ કરો તો બાબરી મસ્જિદનો ગુંબજ તૂટી ગયો, હું ભાગુ છું, મારી પાછળ ઘણા લોકો છે. અને મને ખબર નથી કે શું થશે, પરંતુ તમને કહી દઉં કે ગુંબજ તૂટી ગયો. મેં તેના પર વિશ્ર્વાસ કરી એક્સ્ટ્રા એડિશન કાઢી. પોલીસ આવી મારી આસપાસ બેસી ગઈ. મને કહ્યું કે તમને અહીંથી હટવા નહીં દઈએ. આ સમાચાર પીટીઆઈમાં કે ક્યાંય આવ્યા નથી. ચાર કલાક પછી જાહેર કરવામાં આવ્યું, પછી મને છોડી દેવામાં આવ્યો. મને ત્યાંથી ઘણો માઇલેજ મળ્યો. ત્યારથી અમે લોકોએ ઘણીબધી વધારાની નકલો બનાવી. લોકોને વિશ્ર્વાસ થયો કે, આ અખબારમાં ફક્ત સત્ય જ આવે છે, કોઈ જૂઠ નહીં.
‘અકિલા’ બન્યું પત્રકારત્વના ક્ષેત્રમાં સંશોધનનો વિષય
નવા શરૂ થતા અખબારો પણ અકિલા પાસે શીખવા આવતા હોય તે અંગે કિરીટકાકાએ કહ્યું હતું, તમને ખૂબ જ આશ્ર્વર્ય થશે અને હું તેમના નામ પણ કહિશ. ગુજરાત સમાચાર, સંદેશ, ટાઈમ્સ, ચિત્રલેખા, જનસત્તા કોઈ પણ અખબાર લોન્ચ કર્યું તેમને અકિલામાં કામ કર્યું છે આજે તે એક ઈતિહાસ છે. એક મોટા અખાબરે પોતાના ઓફિસરોની ટીમ લગાવી હતી કે, અકિલાનો કાગળ, શાહી, પ્રિન્ટ બરાબર નથી, કોઈ ડિપાર્ટમેન્ટ નથી તેમ છતાં તેમનું અખબાર આટલું લોકપ્રિય કેમ છે? તમને જાણીને નવાઈ લાગશે કે તે લોકોએ ઘણું સંશોધન કર્યું, પછી ઓફિસરો મારી પાસે આવ્યા. હકીકતમાં લોકો અમારી પાસે આવે છે. એડવર્ટાઈઝ આપે છે, અમે જાહેરાત માટે કોઈને શોધતા નથી. લોકો સામેથી આપે છે, અમારે માંગવું પડ્યું નથી. મને પણ ક્યારેક નથી સમજાતું. મારા પિતાની ઈચ્છા હતી કે, લોકોએ કાંઈ નાની વસ્તુઓ જેવી કે સાઈકલ, મકાન, ફ્રિજ વેંચવું હોય કે ગરીબ લોકો આર્થિક રીતે પછાત હોય તેઓ જાહેરાતો આપી શકે તેવી કોલમ રાખવી. તે કોલમ આજે પણ ચાલુ રાખી છે. જેમાં તેમનું કામ 5-50 રુપિયામાં થઈ શકે છે. દર અઠવાડિયે શનિવારે લગભગ 1400થી 1500 લોકો મને મળવા અને આ જાહેરાત આપવા આવે છે.
‘અકિલા’ના રીડર્સ જ તેમના રિપોર્ટર
સૌના આદરણીય એવા કિરીટભાઈ ગણાત્રાએ વધુમાં કહ્યું હતું કે, પ્યારેજી કરીને સંદેશના રેસિડેન્ટ એડિટર હતા. કોઈએ તેમને પૂછ્યું કે, અકિલાને આટલા ન્યૂઝ કેમ મળે છે. ત્યારે તેમણે કહ્યું કે, તેમના જેટલા રીડર્સ છે તેઓ તેમના પ્રેસ રિપોર્ટર છે. ક્યાંય પણ કોઈ ઘટના બની તો તેઓ ફોન કરીને કહે છે. આજે પણ સમાચારોમાં આ જ ક્રમ ચાલુ છે. લોકો ફોન કરીને મને જણાવે છે.
‘અકિલા’ની ઓફિસમાં મુખ્યમંત્રીથી લઈ કોઈપણ આવી શકે
અમારા સૌરાષ્ટ્રમાં સવારે ગાઠીયા ખૂબ પ્રખ્યાત છે. કેશુભાઈને તે ખૂબ જ ભાવતા હતા. તેઓ ઘણીવાર ખાવા માટે આવતા હતા. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એકવાર જમવા આવ્યા હતા. અમે બંને બેઠા હતા, ગાંઠિયા ખાતા હતા. ત્યારે અખબાર વેચનાર બે ફેરીયાઓ લડતાલડતા ઓફિસમાં આવી ગયા. કેશુભાઈ સ્વભાવે ખૂબ જ ગંભીર છે. તેઓ સિરિયસ થઈ બેસી રહ્યા અને કંઈ બોલ્યા નહીં. મે તેમનો કેસ બેથી ચાર મિનિટમાં પૂરો કર્યો, તેઓ ચાલ્યા ગયા. બાદમાં કેશુભાઈ બોલ્યા, કિરીટભાઈ આ શું છે. તમારા કાર્યાલયમાં મુખ્યમંત્રી બેઠા છે અને કોઈપણ આમ આવી જાય. ત્યારે મેં શાંતિથી કહ્યું કે કેશુભાઈ આ લોકો આવે છે તો તમે આવો છો, નહીં તો તમે અહીં કેમ આવો. ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યાં અને આજે પણ એ સિલસિલો યથાવત છે.