PM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક: એક અઠવાડિયામાં લેવાય શકે છે નિર્ણય: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે 8 દાવેદાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને પીએમ નિવાસસ્થાને પક્ષના નેતાઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી અધ્યક્ષોની ચૂંટણી એક અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
બેઠકમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોના અધ્યક્ષોનાં નામોની ચર્ચા કરવામાં આવી હતી. આગામી બે-ત્રણ દિવસમાં લગભગ અડધો ડઝન રાજ્યોના અધ્યક્ષોની જાહેરાત થઈ શકે છે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીપ્રક્રિયા 20 એપ્રિલ પછી ગમે ત્યારે શરૂ થઈ શકે છે.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની હતી, પરંતુ એપ્રિલનો અડધો ભાગ વીતી ગયા પછી પણ એ યોજાઈ નથી. જેપી નડ્ડા જાન્યુઆરી, 2020થી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. પાર્ટીના બંધારણ મુજબ તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણી સહિત ઘણી મોટી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે હાલ શિવરાજસિંહ ચૌહાણ, સુનીલ બંસલ, ધર્મેન્દ્ર પ્રધાન, રઘુવર દાસ, સ્મૃતિ ઈરાની, વનથી શ્રીનિવાસન, તમિલિસાઈ સુંદરરાજન અને ડી. પુરંદેશ્ર્વરીના નામો ચર્ચામાં છે.