ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
TRP ગેમઝોનની ઘટના બાદ પૂર્વ TPO સાગઠિયાના પાપનો ઘડો ફૂટી ગયો છે. હવે દર બે-ચાર દિવસે તેના અવનવા કાંડ બહાર આવી રહ્યા છે. આ કાંડના આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે, એકલા સાગઠિયાથી આટલા મોટા ભ્રષ્ટાચાર અને ગેરકાનૂની કામ શક્ય નહતા. સાગઠિયાના સાગરિતોમાં રિંકુ પરસાણા જેવા એકલદોકલ નાના પ્યાદાઓનું નામ આવી રહ્યા છે પણ સાગઠિયાના અન્ય સાગરિતો અને આકાઓ કોણ છે એ SIT કે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું નથી. જો SIT અને પોલીસ અધિકારીઓમાં ઈચ્છાશક્તિ હોય તો તે ભલભલા રીઢા ગુનેગાર પાસે સત્ય ઓકાવી શકે છે, સાગઠિયા તો કઈ વાડીની મૂળી? ઉચ્ચ અધિકારી અને પદાધિકારી સાથે મિલીભગત વિના સાગઠિયા કશું ન કરી શકે એ દિવા જેવી સ્પષ્ટ બાબત હોવા છતાં અને સમગ્ર મામલે સાગઠિયા સાથે કેટલાય અધિકારી-પદાધિકારી કશુરવાર હોવા છતાં કોના ઈશારે સાગઠિયાના કાળા કામના ભાગીદારોને છાવરવા આવી રહ્યા છે એ પ્રશ્ર્ન હજુ પણ ઉદ્દભવી રહ્યો છે.
- Advertisement -
TRP ગેમઝોનમાં લાગેલી આગ પાછળ કારણભૂત ફયૂલ મામલે SITએ કોઈ ફોડ પાડ્યો નથી
TRPગેમઝોનમાં લાગેલી આગ પાછળનું મુખ્ય કારણ ત્યાં રહેલા ઈંજણના જથ્થાને માનવામાં આવી રહ્યો છે. એ સમયે SITના વડા સુભાષ ત્રિવેદીએ રાજકોટના સંદેશ અખબારને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, ગેમઝોનમાં રહેલા પેટ્રોલ-ડીઝલના જથ્થા કારણે સ્થળ પર 3000 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયેલું. તેમના આ નિવેદનના થોડા સમય બાદ જ તપાસમાં TRPગેમઝોનમાં પેટ્રોલ-ડીઝલ નહીં પરંતુ રેઝિન હોવાનું ખૂલ્યું હતું. અને હાલમાં આવેલા SITના રિપોર્ટમાં ગેમઝોનમાં લાગેલી આગ મામલે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આખરે ત્યાં રેઝિન, પેટ્રોલ કે ડીઝલમાંથી હતું શું? હકીકતમાં ગેમઝોનમાં રેઝિન નહીં પેટ્રોલ-ડીઝલનો હજારો લિટર જથ્થો હોવાની જ શકયતા છે કારણ કે, રેઝિનથી બ્લાસ્ટ ન થાય, ગેમઝોનમાં મિનિટોની અંદર બ્લાસ્ટ થઈ હજારો સેલ્શિયસ તાપમાનમાં 28 લોકો ભડથું થઈ ગયા હતા. આટલું ઝલદ પેટ્રોલ-ડીઝલ જ હોઈ શકે એ સ્પષ્ટ છે તો પછી આખરે SITકોના ઈશારે ગેમઝોનમાં રહેલા ઇંધણના પંપ માલિકને બચાવવા ઈચ્છે છે? જો SIT ધારે તો ગેમઝોનના માલિકને બે ધોકા મારીને પણ સત્ય જાણી શકે છે. SITની સ્પષ્ટતા આ મામલે જરૂરી બની જાય છે.
સાગઠિયા-TRP ગેમઝોન અગ્નિકાંડના નિરુત્તર સવાલો
2023માં સાગઠિયાએ ગેમઝોનને ડીમોલિશનની ફાઈનલ નોટિસ આપી, એ પછી છખઈની ટીમ કામગીરી કરવા પહોંચી. એ સમયે સાગઠિયાને કાર્યવાહી કરતા રોકનાર રાજકારણી કોણ? સાગઠિયાને બે ધોકા મારવામાં આવે તો તત્ક્ષણે એ બધું ઓકી દે એમ છે. કેમ પોલીસ ઓકાવતી નથી? કોનો છેડો અડ્યો છે ?