હાસ્ય અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ હાહાકાર ગુજરાતી ભાષામાં બનતી અન્ય બીબાઢાળ કોમેડી ફિલ્મથી કંઈક અલગ ઓફર કરે છે. ફિલ્મ જોવા જતા પહેલા વાંચી જાઓ આ રિવ્યૂ.
આજે થિયેટરોમાં રિલીઝ થઈ એક જબરદસ્ત કોમેડીથી ભરપૂર ફિલ્મ હાહાકાર. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ દર્શકોને પસંદ આવે એવી સિચ્યુએશનલ કોમેડીથી ભરેલી છે. આ ફિલ્મ જોવા આવેલા દર્શકો ફિલ્મ જોવા દરમિયાન તો ખડખડાટ હસી જ રહ્યા હતા, પણ ફિલ્મ જોઇને બહાર આવીને પણ હસતા જોવા મળ્યા. સાથે જ તેમના મનમાં એક સવાલ લઈને પણ દર્શકો સિનેમા હોલની બહાર નીકળ્યા કે શું ફિલ્મનો બીજો પાર્ટ આવશે?
- Advertisement -
ગુજરાતી ફિલ્મોનો અવનવી સિદ્ધિ હાંસલ કરવાનો દૌર ચાલી રહ્યો છે. દર્શકોને હવે ગુજરાતી ફિલ્મો પસંદ પડી રહી છે. ત્યારે શુક્રવારે વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મિડિયાના બેનર હેઠળ બનેલી ફિલ્મ હાહાકાર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રતીકસિંહ ચાવડાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે, જે ભણેલા-ગણેલા નથી, નિરક્ષર લોકોની જેમ જ ઓછી સમજણવાળા છે. આ ફિલ્મ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે. કોમેડી અને ગુજરાતી સિનેમાના ચાહકોને આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે. આ ફિલ્મ તેઓને એક મનોરંજક અને યાદગાર અનુભવ આપશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, હેમાંગ શાહ, મયંક ગઢવી (RJ મયંક) જોવા મળે છે.
કરસનદાસ પે એન્ડ યુઝ અને કટિંગ બાદ મયુર ચૌહાણ અને હેમાંગ શાહની કેમેસ્ટ્રી આ ફિલ્મમાં પણ એવી જ જોવા મળે છે, જે દર્શકોને ફરી એક વખત મજા કરાવશે. સાથે જ આ મયંક ગઢવી (આરજે મયંક)ની પહેલી ફિલ્મ છે. પણ ત્રણેયની કોમિક દર્શકોને મજા કરાવે એવી છે. તેમની સાથે ‘તીન તીગાડા, કામ બિગાડા’ જેવી સ્થિતિ ઉભી થાય છે, જયારે તેમની મુલાકાત ભઈલું એટલે કે ભાવેશ ભટ્ટ સાથે થાય છે. ભઈલું ગામડેથી ભાગીને અમદાવાદ આવે છે.
ફિલ્મમાં મયુર ચૌહાણ હિતુની ભૂમિકામાં જોવા મળે છે તો હેમાંગ શાહ એના પરમ મિત્ર પરિયો એટલે કે પરેશ પિત્રોડાની ભૂમિકામાં જોવા મળે છે. મયંક ગઢવી (RJ મયંક)એ ભઈલુંની ભૂમિકા ભજવી છે. જયારે હિતુ, પરિયો અને ભઈલું ભેગા થઈને રાતોરાત પૈસા કમાવા માટે લૂંટનો પ્લાન બનાવે છે, ત્યારે ફિલ્મની અસલી વાર્તા શરૂ થાય છે. ફિલ્મની આખી વાર્તા હાસ્ય-હુલ્લડ અને કારની આસપાસ ફરે છે. ફિલ્મની વાર્તા એક ભારે અંધાધૂંધીથી ભરપૂર રાતની આસપાસ ફરે છે. જયારે રાતોરાત પૈસાદાર બનવાનો પ્લાન બનાવીને હિતુ, પરિયો અને ભઈલું લૂંટને અંજામ આપવા માટે નીકળે છે. આ પહેલીવાર લૂંટ કરવા નીકળેલા ત્રણેય પાત્રો મજેદાર પરિસ્થિતિઓમાં ભરાઈ જાય છે. ફિલ્મના અંતમાં એટલો જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે કે દર્શકોને ચોક્કસથી એવું લાગશે કે કદાચ આ ફિલ્મનો બીજો ભાગ આવશે.
- Advertisement -
આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી સીન્સ છે, સંભાળીને મજા આવી જાય એવા ડાયલોગ્સ છે. ફિલ્મમાં ભરપૂર ટ્વિસ્ટ અને ટર્ન્સ છે, જે દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે કે શું આ ત્રણેય શિખાઉ પોતાની લૂંટમાં સફળ થશે? આ ફિલ્મ તમને ધાંધલ ધમાલ અને ડ્રામાથી ભરપૂર સફર પર લઈ જશે. ફિલ્મના મ્યુઝિક વિશે તો વાત કરવાની પણ જરૂર નથી લાગતી, કારણ કે આ નવરાત્રી પર ફિલ્મના ગીત ‘મધડો દારૂડો’એ તો ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી. ગીત રિલીઝ થયું ત્યારથી અત્યાર સુધી આ ગીત ટ્રેન્ડમાં છે.
ફિલ્મમાં વર્સેટાઈલ એક્ટિંગ માટે જાણીતો મયુર ચૌહાણ તેના કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવે છે, તો હેમાંગ શાહ તેના આકર્ષક અભિનય સાથે રમૂજનું બીજું લેયર એડ કરે છે. જયારે આરજે મયંક ફિલ્મમાં તેનો ફ્લેવર એડ કરે છે. ફિલ્મની કાસ્ટ કેટલાય પ્રતિભાશાળી કલાકારોથી ભરપૂર છે, જેમાં ચેતન દહિયા, હિતલ પુનીવાલા, હિતેશ ઠાકર, કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ, વિશાલ પારેખ, RJ ચાર્મી, મનીષ કુમાર વાઘેલા, તુષારિકા રાજ્યગુરુ, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન અને રાહુલ રાવલ જેવા કલાકારો જોવા મળે છે. આ દરેક કલાકાર નાની પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળે છે કે જેમના વિના ફિલ્મની વાર્તા કદાચ અધૂરી લાગે. દરેક કલાકાર તેમની અનન્ય શૈલી દ્વારા ફિલ્મમાં વિવિધતા અને રમૂજ લાવે છે.
પ્રતિભાશાળી કલાકારો, એક આકર્ષક પ્લોટ અને લોકોને હસાવવા માટે બનેલી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે. ‘હાહાકાર’ પરિવાર સાથે કે મિત્રો સાથે જોવા જઈ શકાય એવી છે. સાથે જ દર્શકો આ ફિલ્મ જોઇને હસીહસીને લોટપોટ થઈ જશે.