“ખાસ – ખબર” વિશેષ અહેવાલ (ભાગ: 1)
બે હજાર જેટલી મોતની ખાણોમાં અનેક મજૂરો હોમાયા
- Advertisement -
સૌરાષ્ટ્રની એક જૂની કહેવત છે “કોલસાની દલાલીમાં કાળા હાથ ન કરાય” આ કહેવતનો અર્થ એવો થાય છે કે કોલસાનો ધંધો કરતા કમાણી તો સાવ નજીવી થાય અને શરીર પર દાગ લાગે છે. પરંતુ સુરેન્દ્રનગર ખાતે ભૂમાફિયાઓ દ્વારા આ કહેવતને ખોટી સાબિત કરી છે કારણ કે અહી વર્ષોથી ચાલતા કોલસાના ખનનમાં અનેક ભૂમાફિયાઓ આજે કરોડો રૂપિયાના આશમી છે. “ખાસ – ખબર” દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 1995થી શરૂ થયેલ આજ દિન સુધી અટકવાનું નામ નહિ લેતા ગેરકાદેસર કોલસાના ખનનનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કરાયો છે જેમાં વર્ષોથી ચાલતા કોલસાના ખનન પ્રક્રિયામાં કોણ, કઈ પ્રકારે અને કેટલો ભાગ ભજવે છે તેની સમગ્ર હકીકત થકી અહેવાલો પ્રસિદ્ધ કરવા માટે “ખાસ ખબર” ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને સાયલા પંથકમાં થતી કોલસાની ખનન પ્રક્રિયાથી વાકેફ થઇ છે. આ દરેક અહેવાલ ઇતિહાસમાં પ્રથમ વખત “ન ભૂતો ન ભવિષ્યતિ” તે પ્રકારના શરૂઆતથી અંત સુધી કોલસાના ગેરકાયદે ખનન અંગેની તમામ માહિતી સાથે પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લો ખનીજનો સૌથી ભંડાર માનવામાં આવે છે અહી “કાર્બોસેલ” નામનું ખનિજ જમીનમાંથી નીકળે છે જેની બજારમાં ખુબજ માંગ છે અને હાલ ત્રણથી ચાર હજાર રૂપિયા પ્રતિ ટનની કિંમતે વેચાણ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બો સેલનો આ ધીકતો ધંધો વર્ષ 1995માં થાનગઢ પંથળથી શરૂ થયો હતો. તે સમયે સરકાર દ્વારા જમીનમાંથી કાર્બોસેલ કાઢવા માટે લીઝ આપવામાં આવતી હતી જેથી અહી કોલસાનો ધંધો શરૂ થવા સમયે આશરે 70 લોકો પાસે કોલસાના કૂવા શરૂ કરવા માટે લીઝ હતી.
તે સમયે લીઝ ધારકોને કોલસાના પ્રતિ ટન રોયલ્ટી તરીકે માત્ર 8 રૂપિયા સરકારને જમાં કરાવવા પડતાં હતાં. જેની સાથે અન્ય એવા પણ ખનિજ માફિયા હતા જે લીઝ વગર સરકારી જમીનોમાંથી કોલસાનું ગેરકાયદે ખનન શરૂ કર્યું હતું. આ પ્રકારના ગેરકાયદે ખનિજ માફીયાઓને લીઝ ધારકો છાવરતા હતા. જમીનમાંથી કોલસા કાઢવાની શરૂઆતથી કોલસાની માંગ ખુબજ ઓછી હતી તે સમયે આ કોલસાનો ઉપયોગ આજના રાંધણ ગેસ તરીકે થતો હતો. આ તરફ કોલસાની લીઝ ધારકો અને ખનિજ માફિયાઓને જમીનથી માત્ર 60થી 70 ફૂટના ઊંડાઈમાંથી નીકળતા કોલસાની સાથે અન્ય વધુ બે પ્રકારના સિલિકા સ્ટોન(પથ્થર) અને ફાયર કલે(ચિનાઈ માટી) જેવા જુદા જુદા બે ખનિજ પણ મળી આવતા હતા.
જેમાં સિલિકા સ્ટોનને ઘંટી થકી દળવાની પ્રોસેસ બાદ તેનો રેતીની માફક ઝીણો બારીક ભૂકો કરી ઘર, દુકાન કે અન્ય બાંધકામના કામ માટે વપરાશ થતો હતો જ્યારે ફાયર કલેનો ઉપયોગ થાનગઢના સિરમિક ઉદ્યોગમાં શૌચાલયના પોખરા, ટાઇલ્સ તથા અન્ય નાના મોટા સુશોભન રમકડાં અને ભગવાનની મૂર્તિ બનાવવા માટે થતી હતો. આ પ્રકારે વર્ષ 1995થી વર્ષ 2000 સુધી સામાન્ય રીતે લીઝ ધારકોના ઓથા હેઠળ ગેરકાયદેસર ખનનનો કારોબાર કોઈ પણ વિવાદ વગર ચાલતો રહ્યો. વર્ષ 2000માં આ ગેરકાયદેસર ખનનમાં રાજકીય આગેવાનો અને નેતાઓની એન્ટ્રી થઈ હતી જેમાં વધુ સારા પ્રકારનો કોલસો શોધવા માટે જે કોલસો 60થી 70 ફૂટ ઊંડાઈ માંથી નીકળ્યો હતો તેને હવે 150થી 160 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરીને બે હજારથી ચાર હજાર ટેમપ્રેચર ધરાવતો કોલસો કાઢવામાં આવતો હતો. આ સમયે રાજકીય ઓથ હેઠળ થાનગઢ તાલુકાના જામવાડી, ગુગલિયાણા, ખખરાળી, ખખરાથળ સહિતના ગામોમાં એક બાદ એક ગેરકાયદે કોલસો કાઢવા માટેના કૂવા શરૂ કરાયા હતા.
- Advertisement -
વર્ષ 2000ના સમયમાં આજની પશ્ચિમ ગુજરાત વીજ કંપની ત્યારની ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ હતું. જેમાં વીજ પાવર ઉત્પન્ન કરવા માટે મોરબીના નવલખી બંદર પર વિદેશથી કોલસો આયાત કરવામાં આવતો હતો આ વિદેશી આયાત થતાં કોલમાં થાનગઢ પંથકનો ગેરકાયદેસર કોલસો ભેળસેળ કરવાનું કૌભાંડ પણ વર્ષ 2002માં ઝડપાયું હતું જેમાં તે સમયે રાજ્યના ધારાસભ્યનો પુત્ર સહિતનાઓ ભેળસેળ કરવાના કૌભાંડમાં ભાગીદાર હોવાની તપાસના તાર થાનગઢ સુધી લંબાયા હતા…. (ક્રમશ)