રેખા પટેલ-ડેલાવર
જ્યારે સંતોષ અને એકલતા વચ્ચે સ્ત્રી પોતાના મનની ઈચ્છાઓને સાંભળવા લાગે છે-પોતાના સાથેના એક અનોખા સંબંધની શરૂઆત
- Advertisement -
જીવનના મધ્યબિંદુએ, જ્યાં અધુરી ઇચ્છાઓ અને બાકી રહેલા સમયની અનુભૂતિ થઈ રહી હોય તેવા સમયે એક સ્ત્રી ઓચિંતા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુએ છે. વાળમાં સફેદીની આછી છાંટ દેખાય છે સાથે ચહેરા ઉપર સંતોષની ચમક પણ છે, જેના સહારે વિતી ચૂકેલા સમયને જોવા અતીતમાં ચક્કર લગાવે છે. ચક્કર- અફેરઆમ તો શબ્દ સાંભળતાં જ મનોમન એક છબી ઊભી થાય – કોઈ અનોખો સંબંધ, કોઈક ગૂઢ, કદાચ અસ્વીકાર્ય પ્રેમ સંબંધ. પરંતુ અહી અફેર જરા અલગ છે એ કોઈ બીજી વ્યક્તિ સાથે નહિ પરંતુ પોતાની જાત સાથેના પ્રેમની વાત છે. આંતરિક અવાજને ફરીથી સાંભળવાનો પ્રયાસ, જવાબદારીઓ વચમાં ખોવાઈ ગયેલી પોતાની ઓળખને ફરીથી નિહાળવાની તલપ. મધ્યવય એ કોઈ અંત નહિ, પણ એક નવું અનામિક યાત્રાસ્થળ હોય છે. જ્યાં જીવન પલટાય છે, ભૂમિકા બદલાય છે, પરંતુ અંતરાત્માની ભૂખ હજુ પણ અધુરી અને જીવંત હોય છે. મધ્યવય સ્ત્રીઓ માટે શારીરિક, માનસિક, સામાજિક અને લાગણીઓ એવા ઘણાં ફેરફાર લઈને આવે છે. ફેરફારો ચોક્કસપણે હકારાત્મક અને સહજ સ્વીકાર્ય હોતા નથી. સ્ત્રીની સહનશીલતની અને સમજણનો અહી પૂરો પરિચય થાય છે. બાળકો મોટાં થઈ ગયેલા હોય છે, તેમની સાથેના સંબંધો એક રૂટિનમાં જતાં રહે છે, પતિ સાથે સહજીવન યંત્રવત જીવન હોવાનો અહેસાસ થયા કરે છે. સાથે સમાજ પણ તેમના ભાગની ફરજ’ પૂરી થઈ ગઈ એમ માની ઉગતી પેઢીને વધુ મહત્વ આપે છે. એકલતા અને મોકલાશ વચમાં ગૂંચવાઈને રહેલી અધુરી ઇચ્છાઓ હજુ પણ સમય છે કહી પૂરી થવા માથું ઊંચકે છે અને એજ જોર જીવનમાં ઉત્સાહ વધારે છે. આ ઈચ્છાઓનું યોગ્ય સન્માન કરવું અને પૂરી કરવા ટટ્ટાર થવું એ આ સમયની માંગ અને જરૂરિયાત છે.
એ ખુશનુમા સવાર ભારે પડી ગઈ,
કશુક ખૂટતું હોવાનો અહેસાસ અપાવી ગઈ
અરીસા સામે ઉભી રહી હું અમને નિહાળતી,
આછી કરચલીઓને મુગ્ધતાથી નિહાળતી રહી.
અધુરી ઇચ્છાઓ પૂરી કરવાને
મનગમતું મેળવવાને હજુ પણ સમય છે.
અરે! પણ શું અડધી ઉંમરે?
લે! શરીર ચાલે છે હજુ, જીવી લેને!
- Advertisement -
ગૂંગળાઈ રહેલી ઇચ્છાઓએ સંવાદ સાધ્યો.
હા પણ ગમતું મળવું જોઈએ ને?
ક્યાંક કશુક ગમે ને સાથે કશું ખૂટે.
બહુ ફરી છેવટે થાકીને પાછી ઘરે વળી.
એક કપ આદુવાળી ચાય, જગજીત સિંગની ગઝલ,
કાચની દીવાલો ઉપરથી સરકતો વરસાદ.
બહાર બગીચામાં હસતાં ડાલીયા.
છેવટ સુધી સાથ નિભાવવાના વાયદા સાથે,
મને અફેર થઇ ગયો,મારી સાથે.
આ અંત નથી એ એક ઘોષણા છે….
અહી કાવ્યમાંની સ્ત્રી પૂછે છે પોતાને.” શું આ ઉંમરે? પછી પોતાને જ જવાબ આપે છે: શરીર તો ચાલે છે હજુ, જીવી લેને! એ પંક્તિમાં જીવનની નવી પ્યાસ છે. નવી જીંદગી ઝીલવાનો જુસ્સો છે. એ શરીર કે ઉંમરથી જોડાયેલ નહીં, પણ મનની તાજગીથી ઊગે છે. અહીં અફેર કોઈ પુરૂષ સાથેનાં સંબંધ નો નથી, પોતાને સમય આપવાનો , ફરી ઓળખવાનો, અંતરની વાતો સાભળીને સહેલાવવાનો અને પ્રેમ કરવાનો છે. ત્યારે સ્વ-સ્વીકાર ખરેખર એક ક્રાંતિ છે. સમાજ સ્ત્રીને બાળકી હોય ત્યારથી પોતાની ઇચ્છાઓને સમર્પિત થતા શીખવતો આવ્યો છે. ત્યારે અહી સ્ત્રીને પોતાની ઇચ્છાઓ સાથે અફેર કરતા બતાવી છે. અંતમાં જે અફેર શબ્દ છે, એ પોતાને ઓજસપૂર્વક જીવવાનો, પ્રેમથી જોવાનો અને પોતાના હાથ પકડી આગળ વધવાનો પ્રયાસ છે.કોઈને નડ્યા વિના કેમ જીવાય એ મર્યાદા સ્ત્રી સમજે છે અને તેમાજ તેના સંસ્કાર અને ઉજવવળ ભવિષ્યની ચમક દેખાય છે. અંતે જ્યારે એ સ્ત્રી થાકી ઘેર વળે છે – એ કોઈ હારેલું વળતર નથી. એ વિચારશીલ વળતર છે. એક કપ આદુવાળી ચા, થોડી યાદો, વરસાદની બૂંદો સાથે પાછળ વાગતું મનપસંદ સંગીત. પ્રેમ કરવા, પ્રેમને ઉશ્કેરવા આટલી પૃષ્ઠભૂમિકા ઘણી છે. એ બધું એક થઇ એનો અફેર મજબુત બનાવે છે. દરેક સ્ત્રી ઓછાવત્તા અંશે પોતાના માટે થોડી પળ શોધી રહી છે. જે પળો એ પુરતી અને ખુલ્લા મને જીવી નથી. જેને ભૂલી પણ નથી એવી પળો એકાંતમાં મનોમન આગળ આવે ત્યારે કશુક ખૂટતું હોવાનો અહેસાસ જરૂર થાય છે. અફેર – સામાન્ય રીતે આ શબ્દ સાંભળતાં જ મનમાં એક ગુપ્ત સંબંધ, સામાજિક બંધનોની બહારની કોઈ લાગણી, કોઈક સંઘર્ષપ્રેમની છબી ઊભી થાય. પણ શું ક્યારેય વિચાર્યું છે કે અફેર પોતે પોતાના સાથે પણ હોઈ શકે? જ્યારે પણ આમ બને જાત સાથે પ્રેમ વધે છે, અને જીવન જીવવા બહાનું મળે છે. અફેર એ માનસિક પુનર્જાગૃતિની એવી યાત્રા છે જે એક મધ્યવયની સ્ત્રીની આંતરિક ઈચ્છાઓ, અપૂર્ણ તૃષ્ણાઓ, ખુંટે ટાંગેલા શોખ સાથે પોતાને ફરીથી ઓળખવાની તલપ છે. મધ્યવય એ ભલે શરૂવાત નથી તો અંત પણ નથી. સ્ત્રીના અંદર કાયમ એક બાળકી અને એક માતા બંને જીવંત રહેતા હોય છે. અધૂરી ઇચ્છા માટે હજુ પણ સમય છે. એ પંક્તિ જાણે આખી પેઢીને હકારાત્મ્ક અભિગમ આપે છે – હજી સમય છે જીવવાની, અનુભવાની, પ્રેમ કરવાની. પોતાના માટે જીવવાનો એક પડકાર પણ છે. મને અફેર થઈ ગયો મારી સાથે. એફેર વિથ સેલ્ફ. જ્યાં કોઈને ગુમાવ્યા વગર પોતાની સાથે મળવાનું છે.