બોધામૃત
ભગવાન આપણને પણ માણસ બનાવીને અમુક મુદ્દત માટે જીવન સોંપે છે. જો આપણે ધારીએ તો માનવતાની સેવા દ્વારા એક સુંદર બંગલાનું નિર્માણ કરી શકીએ. યાદ રાખજો તમે નિ:સ્વાર્થ ભાવથી કોઈની મદદ કરો છો ત્યારે પરમાત્મા તમારા કાયમી બંગલાની એક ઈંટ મૂકે છે.
- Advertisement -
કથામૃત: એક રાજ્યમાં એવી પરંપરા હતી કે ત્યાં તમામ નગરજનોને રાજા બનવાની તક આપવામાં આવતી હતી. પરંતુ જેને રાજા બનવું હોય એના માટેની શરત માત્ર એટલી જ કે તે પાંચ વર્ષ સુધી જ રાજા બની શકે. પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે એણે ગાદી છોડી દેવાની. એટલું જ નહીં ગામના લોકો ભેગા થઈને એને ગામથી દૂર આવેલા ગાઢ અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં છોડી આવે અને ત્યાં હિંસક પ્રાણીઓ તેને ફાડી ખાય. મતલબ કે પાંચ વર્ષ રાજા બનવા મળે પણ ત્યાર બાદ મૃત્યુ પાકું. જ્યારે રાજા બનવાનું હોય ત્યારે રાજા બનનારના ચહેરા પર આનંદ હોય, પણ જેમ જેમ પાંચ વર્ષ પૂરા થવા આવે તેમ તેમ એ આનંદ ઓગળવા માંડે અને એ વેદના બની જાય. એક વાર એવું બન્યું કે કોઈ એક માણસ જ્યારે રાજા બન્યો ત્યારે પહેલા દિવસે એના ચહેરા પર જે આનંદ હતો, એના કરતા પણ વધુ આનંદ ગાદી છોડવાના અને જંગલમાં જવાના દિવસે હતો. બધાં આશ્ચર્યમાં પડી ગયા કે, આવું કેમ.
આ માણસ કેમ રડતો નથી ! જ્યારે એને જ આનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું, મિત્રો, હું પાંચ વર્ષ રાજા હતો તે સમયે મેં આ ગાઢ જંગલમાં સફાઈ કરાવીને અંદર સરસ મજાનો બંગલો બાંધી લીધો છે. એટલે તમે માનો છો એવી કોઈ ચિંતા નથી. અહીં તો હું માત્ર પાંચ વર્ષ માટે જ રાજા હતો, જ્યારે ત્યાં બહુ આરામથી કાયમ માટે રહી શકું તેમ છું.