સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે, પણ આ આ ચૂંટણી બોન્ડ કે ઈલેક્ટોરલ બોન્ડ શું છે? અને બોન્ડ શા માટે રજૂ કરવામાં આવ્યા હતા? જાણો આ સવાલોના જવાબ
સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2019થી લઈને અત્યાર સુધીના ઈલેક્ટોરલ બોન્ડને લગતી તમામ માહિતી ત્રણ અઠવાડિયાની અંદર ચૂંટણી પંચને આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચે આ તમામ માહિતી તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવાની રહેશે.
- Advertisement -
ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે
ચૂંટણી વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો છે. આ વિશે કોર્ટે કહ્યું કે, “કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ કાયદાની વિરુદ્ધ છે. ”
આ ચૂંટણી બોન્ડ કે ઈલેક્ટોરલ બોન્ડ શું છે?
ચૂંટણી બોન્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ બેરર બોન્ડ તરીકે થઈ શકે છે. કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા લોકોનું જૂથ ચૂંટણી દાન આપવા માટે તેને ખરીદી શકે છે. ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ માટે ભારતીય નાગરિક હોવું અને કંપની અથવા સંસ્થા ભારતમાં નોંધાયેલ હોવી ફરજિયાત છે. આ બોન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષને દાન આપવા માટે જ થઈ શકે છે.
ચૂંટણી બોન્ડ શા માટે રજૂ કરવામાં આવ્યા?
કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી 2018થી આ યોજના લાગુ કરી હતી. સરકારે આ બોન્ડને દાવા સાથે લોન્ચ કર્યું હતું કે તે રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધારશે અને કાળા નાણાનું પ્રમાણ ઘટાડશે. આ યોજના હેઠળ, ભારતનો કોઈપણ નાગરિક તેને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી ખરીદી શકે છે. આમાં, વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષોને દાન તરીકે આપે છે અને રાજકીય પક્ષો આ બોન્ડ્સને બેંકમાં રોકીને નાણાં મેળવે છે.
- Advertisement -
કયા પક્ષો આ દાન લઈ શકે છે?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ માત્ર રાજકીય પક્ષો, જેમણે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં લોકસભા અથવા વિધાનસભા માટે ઓછામાં ઓછા 1% મત મેળવ્યા છે, તેઓ જ ચૂંટણી બોન્ડ જારી કરી શકે છે. ચૂંટણી બોન્ડ એ એક પ્રકારની રસીદ છે. જેમાં દાતાના નામનો ઉલ્લેખ નથી હોતો. આ બોન્ડ ખરીદનાર વ્યક્તિ જે પક્ષને દાન આપવા માંગે છે તેનું નામ લખે છે અને આ બોન્ડના પૈસા સંબંધિત રાજકીય પક્ષને જાય છે. આ બોન્ડ પર કોઈ વળતર મળતું નથી. જો કે એ વ્યક્તિ આ બોન્ડ બેંકને પરત કરીને પૈસા પાછા મેળવી શકે છે પરંતુ તેની એક નિશ્ચિત અવધિ છે. જ્યારે આ બોન્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે, ત્યારે તેને લેવાનો સમયગાળો 15 દિવસનો હોય છે.
ઈલેક્ટોરલ બોન્ડ કાયદેસર થયા પછી તેનો વિરોધ શરૂ થયો. કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય ઘણી પાર્ટીઓએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી 31 ઓક્ટોબરે શરૂ થઈ હતી. ત્રણ દિવસની સતત સુનાવણી બાદ કોર્ટે 2 નવેમ્બર 2023ના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આજે ચુકાદો આપતી વખતે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને જ ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.