ભગવદ્દ ગીતા, એવાં નામનું તાત્પર્ય એ છે કે, ગીતા શબ્દનો અર્થ થાય છે ગીત અને ભગવાન અર્થાત ભગવદ્દ. તેથી આ ઉપદેશને ભગવાનનું ગીત એટલે કે ભગવદ્દ ગીતા કહેવામાં આવે છે
ગીતાજી વિશે સ્વયં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે ’ ગીતા મમ્ હૃદયં પાર્થ’ હે પાર્થ, આ ગીતા તો મારૂ હૃદય છે. જેમ હૃદય વિના જીવી શકાય નહીં તેવી રીતે ગીતાજી વગર જીવન વિતાવી શકાય નહીં! આપણે ક્યારેય વાંચ્યું -સાંભળ્યું નથી કે ગીતા સિવાય બીજા કોઈ ગ્રંથ વિશે ભગવાને ક્યારેય આવું કહ્યું હોય!
ગાંધીજી કહે છે કે જ્યારે પણ શંકાઓ મને ઘેરી લે છે અને મારા ચહેરા પર નિરાશા દેખાવા લાગે છે ત્યારે મને ક્ષિતિજ પર ગીતાના રૂપમાં આશાનું એક જ કિરણ દેખાય છે અને આઈન્સ્ટાઈન કહે છે કે મને અફસોસ છે કે હું યુવાનીમાં આ પુસ્તક વિશે જાણી શક્યો નહીં, નહીંતર મારા જીવનની દિશા જુદી હોત. વિશ્વની અનેક મહાન હસ્તીઓ ભગવદ્દ ગીતાને વખાણી છે, પચાવી છે વહાવી છે પણ અફસોસ કે આપણે ભગવદ્દ ગીતાનાં અમૃતને આપણી આગામી પેઢીઓમાં સીંચવામાં બહુ નિરાશા સેવી રાખી છે.
આજની પેઢીને જ્ઞાત થાય કે મહાભારત યુદ્ધની શરૂઆત પહેલા ભગવાન કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ ગીતાના નામથી પ્રખ્યાત છે. મહાભારતના યુદ્ધ પહેલાં, રણમેદાનમાં અર્જુન તેના સ્વજનોને દુશ્મન તરીકે જોઈને વિચલિત થઈ જાય છે અને તેને યુદ્ધ ન કરવા ઈચ્છે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતાનો ઉપદેશ આપે છે જેને શ્રીમદ ભગવદ ગીતા અને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે.
તે મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે. ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. ગીતાની ગણના પ્રસ્થાનત્રયીમાં થાય છે, જેમાં ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનો પણ સમાવેશ થાય છે. તેથી, ભારતીય પરંપરા અનુસાર, ગીતાનું સ્થાન ઉપનિષદ અને ધર્મસૂત્રો જેટલું જ છે. ઉપનિષદને ગૌ (ગાય) અને ગીતાને તેનું દૂધ કહેવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે ગીતા ઉપનિષદના આધ્યાત્મિક જ્ઞાનને સંપૂર્ણ રીતે સ્વીકારે છે. ઉપનિષદના ઘણા ઉપદેશો ગીતામાં છે. ઉદાહરણ તરીકે, અશ્વત્થ વિદ્યા જગતની પ્રકૃતિ વિશે, અવ્યપુરુષ વિદ્યા શાશ્વત અજાત બ્રહ્મા વિશે, અક્ષરપુરુષ વિદ્યા પરા પ્રકૃતિ અથવા જીવો વિશે અને ક્ષરપુરુષ વિદ્યા અપરા પ્રકૃતિ અથવા ભૌતિક જગત વિશે. આમ, વેદોના બ્રહ્મવાદ અને ઉપનિષદની આધ્યાત્મિકતાની વિશિષ્ટ સામગ્રી ગીતામાં સમાવિષ્ટ છે અને તેને જ બ્રહ્મવિદ્યા કહેવામાં આવી છે.
ગીતામાં ભક્તિ, જ્ઞાન અને કર્મ સાથે જોડાયેલી ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે દરેક યુગમાં મનુષ્ય માટે મહત્વપૂર્ણ છે. ગીતાના એક એક શબ્દ કે જેના પર એક અલગ પુસ્તક લખી શકાય, એટલાં વિસ્તૃત અર્થ સાથે બોલયેલો છે. ગીતામાં, સૃષ્ટિની ઉત્પત્તિ, જીવોના ઉત્ક્રાંતિનો ક્રમ, માનવ ઉત્પત્તિ, યોગ, ધર્મ-કર્મ, ઈશ્વર, દેવી-દેવતાઓ, પૂજા, પ્રાર્થના, યમ-નિયમો, રાજનીતિ, યુદ્ધ, મોક્ષ, અવકાશ, આકાશ, પૃથ્વી, મૂલ્યો, વંશ, કુળ, નીતિ, અર્થ, પૂર્વજન્મ, ભાગ્ય, જીવન વ્યવસ્થાપન, રાષ્ટ્ર નિર્માણ, આત્મા, કર્મના સિદ્ધાંત, ત્રણ ગુણોની વિભાવના, તમામ જીવો વચ્ચે મૈત્રીભાવ વગેરેની માહિતી છે. ગીતાનો મુખ્ય ઉપદેશ શ્રેષ્ઠ મનુષ્ય બનવું, પરમતત્વને સમજવું અને મોક્ષ પ્રાપ્ત કરવો એ છે પરંતુ આ પ્રક્રિયામાં પલાયન વૃત્તિને બદલે કર્તવ્યપારાયણતા, નિષ્કામ કર્મ, યોગ કર્મેસુ કૌશલમ્ એટલે કે પોતાનું શ્રેષ્ઠ આપીને નિષ્ઠાથી કર્મપથ પર ગતિ એ જ શ્રેષ્ઠ યોગ છે એવું સમજાવવાની સાથે સાથે, બધામાં રહીને બધાથી પર રહેવાની વાત અર્થાત અનાસક્તિ કેળવવા પર ભાર મૂકવામાં આવે છે.
ગીતાને યોગનું વિજ્ઞાન અને ગીતાનાં ઉદ્ગગાતા ક્રુષ્ણને યોગેશ્વર કહેવાય છે. ગીતામાં યોગ શબ્દનો ઘણા અર્થોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્યત્વે યોગના ત્રણ માર્ગો – જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ – ગીતામાં વિગતવાર વર્ણવવામાં
આવ્યા છે.
હજારો વર્ષો પહેલા કહેવાયેલું ગીતા જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. ભગવદ્દ ગીતા આપણને શું શું શીખવે છે એ સમજવા માટે તો હજારો શબ્દો ઓછા પડે પણ અહીં બહુ જ ટૂંકમાં આ વિશે કહીએ તો,
ગીતામાં મનનાં નિગ્રહ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. મનથી નબળો વ્યક્તિ આશા- નિરાશામાં ફસાઈને સતત ભટકતો રહે છે. મનથી નબળી વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી જે એક સફળ જીવન માટે અવરોધક છે. સુખ દુ:ખ પર નિયંત્રણ કરીને મનથી આનંદિત ખુશ રહેતી વ્યક્તિ જ કોઈ સારા પરિણામ લક્ષી કામ કરી શકે છે શાંતિયુક્ત જીવન જીવી શકે છે. મનુષ્ય પોતાની ઈન્દ્રિયો પર કોઈ કાબુ ન રાખી શકતો મનુષ્ય દરેક ક્ષણે પોતાની ઈન્દ્રિયોના આદેશનું પાલન કરતો રહે છે, અને આમ સ્વામી જ ગુલામ બની જાય છે ત્યારે, ભગવદ ગીતા જણાવે છે કે તમે તમારી ઇન્દ્રિયોને કેવી રીતે નિયંત્રિત કરી શકો.
- Advertisement -
ભગવદ્દ ગીતામાં માનવ જીવનનું સંપૂર્ણ જ્ઞાન, દરેક સમસ્યાનું સમાધાન મળી રહે છે
દરેક સમસ્યાનો ઉકેલ
ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલા શ્લોકોમાં માનવ જીવનનો સંપૂર્ણ સાર સમાયેલો છે, એટલે કે ભગવદ્દ ગીતામાં માનવ જીવનનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે, જેના દ્વારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે.
જીવન જીવવાની કળા
ઘણીવાર આપણા મનમાં સવાલો ઉઠે છે કે આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે અને આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ. ત્યારે, ગીતા જીવનની દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની સાચી રીત જણાવે છે.
ધર્મ અને કર્મનું જ્ઞાન
ભગવદ્ ગીતા ધર્મ અને કર્મ વિશે વિગતવાર જણાવે છે. વ્યક્તિને સધર્મ અને કર્મનું જ્ઞાન હોવું જરૂરી છે.લમૃઢપળૃણક્ષફિટ્ટ્રૂગ્રળ પળપજ્ઞર્ઇૈં યફર્ઞૈ મૄઘ – ભગવાન કહે છે કે બધા ધર્મોનાં શરણનાં વિચારને બાજુએ મૂકીને મારા શરણમાં સમર્પિત થઈ જા. સ્વયં ભગવાનની શરણાગતિ – આ તમામ સાધનોનો સાર છે. આમાં, શરણાગતિ પામેલા ભક્તને પોતાના માટે કંઈ કરવાનું બાકી રહેતું નથી. ગીતા અનુસાર અહીં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્યવાચક છે. આ કારણે જ અહીં ’સ્વભાવજ કર્મ’ શબ્દ આવ્યો અને પછી ’સ્વધર્મ’ શબ્દ આવ્યો પછી કર્મ શબ્દ આવ્યો છે એમ અહીં ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય થાય છે. શું ’સર્વધર્મમાનપરિત્યજ્ય’ વાક્યને ધર્મ અર્થાત કર્તવ્યનો ત્યાગ ગણવો જોઈએ? તો તેનો જવાબ એ છે કે ધર્મના સ્વરૂપનો ત્યાગ ગીતા પ્રમાણે ન તો યોગ્ય છે અને ન તો અહીંના સંદર્ભ પ્રમાણે યોગ્ય છે કારણ કે અર્જુને ભગવાનના આ શબ્દો સાંભળીને ફરજનો ત્યાગ કર્યો નથી. ઇંફિશ્ર્રૂજ્ઞ મખર્ણૈ ટમ કહીને ભગવાનની આજ્ઞા મુજબ પોતાની ફરજ બજાવવાનું સ્વીકાર્યું છે. માત્ર સ્વીકાર્યું નથી તેણે પોતાના ક્ષાત્રધર્મ પ્રમાણે યુદ્ધ પણ કર્યું છે. તેથી ઉપરના શ્લોકમાં ધર્મ એટલે કે કર્તવ્યનો ત્યાગ કરવાની વાત નથી. ભગવાન કૃષ્ણ કર્તવ્યના ત્યાગની વાત કેવી રીતે કરી શકે?ભગવાને સ્વયં કહ્યું છે કે યજ્ઞ, દાન, તપ અને પોતાના વર્ણાશ્રમના કર્તવ્યનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ.
સફળતાના સૂત્રોથી ભરપૂર આ ગ્રંથ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક, રાજકારણી, તપસ્વી, ફિલોસોફર, શિક્ષકથી લઈને વિદ્યાર્થી, ગૃહિણી..સમાજના દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. ટૂંકમાં, ભગવદ્દ ગીતાનાં અઢાર પ્રકરણોનાં સાતસોએક શ્લોકોમાં માનવજીવનની બધી જ સમસ્યાનું સમાધાન રહેલું છે.
ગીતા શીખવે છે મેનેજમેન્ટ અને લીડરશીપના મૂળભૂત સિદ્ધાંતો
પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક સંગઠનોની સ્થાપનાનો તબક્કો શરૂ થવાના સમયગાળાથી એટલે કે છેલ્લી દોઢ પોણા બે સદીથી આજે જેને મેનેજમેન્ટ સ્કીલ્સ ગણાય છે તે આધુનિક પ્રબંધન પદ્ધતિઓ અને સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યા એમ કહી શકાય. એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે વિશ્વસ્તરે પ્રસિદ્ધ કંપનીઓ સંચાલનની સર્વશ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવીને પોતાના સંગઠનને ખૂબ કુશળતાથી ચલાવે છે. પણ આ સો ટકા સાચું નથી. આ સંદર્ભે પાછલાં વર્ષોમાં કરાયેલા કેટલાક સર્વેના આંકડાનો અભ્યાસ કરીએ તો સાચું ચિત્ર સમજાય છે
તેમના પુસ્તક, ધ લિવિંગ કંપનીમાં, જ્યુસ નોંધે છે કે મોટા ભાગના દેખીતી રીતે સફળ કોર્પોરેશનોનું મેનેજમેન્ટ પણ અત્યંત બીમાર હોય છે. એક અભ્યાસ અનુસાર, 500 કંપનીઓની સરેરાશ આયુષ્ય 40-50 વર્ષ છે. 1970 માં ફોચ્ર્યુન 5000 માં સૂચિબદ્ધ કંપનીઓમાંથી એક તૃતીયાંશ 1963 સુધીમાં અદૃશ્ય થઈ ગઈ હતી અને તમામ નવી બનેલી કંપનીઓમાંથી 40% 10 વર્ષથી ઓછા સમય સુધી ચાલે છે, સંસ્થાઓનો આટલો ઊંચો નિષ્ફળતનો દર મેંનેજમેન્ટના આદિમ તબક્કા તરફ નિર્દેશ કરે છે જેમાં આપણે આજે છીએ. આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે મોટી મોટી કંપનીઓના મેનેજર્સ હમેશા સ્ટ્રેસ, દબાવ, પોતાની સતા હાથથી છૂટી ન જાય એના માટે સતત ચિંતિત જોવા મળે છે.સરવાળે કામ કરવા માટેનું અપેક્ષિત વાતાવરણ કે જે ઉર્જાદાયક, પ્રોત્સાહક હોવું જોઈએ તે ઉલ્ટું બોઝીલ બની જાય છે. મોટી કંપનીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ એ હકીકત સાથે સહમત થશે કે વર્ષોની મેનેજમેન્ટ તાલીમ પછી પણ કેટલાક મેનજરીયલ જટિલ મુદ્દાઓને ઉકેલવામાં ભાગ્યે જ કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જેવી કે ટીમના લોકો સાથેનો વ્યવહાર, પોતાને જે બાબત મોટીવેટ કે ડીમોટીવેટ કરતી હોય તે સમજવું, એક્સપર્ટી સાથે પોતાનું કામ કરવું, સંગઠનને સફળ નેતૃત્વ પૂરું પાડવું, વગેરે જટિલ વિષયો ઉપરાંતઆપણે જોઈએ છીએ કે કામકાજી જીવન લોકોની પર્સનલ લાઈફમાં પણ ડિસ્ટર્બન્સ ઉભા કરે છે. આપણે દંભી પ્રજા છીએ કે આપણા સાંસ્કૃતિક વારસાને વહન- ગ્રહણ કરવાની બદલે આપણે આપણા અભિમાનને પોષવા ફક્ત આવા વારસાનું મહિમાગાન કરીને બેસી જઈએ છીએ પણ વિદેશોમાં આપણા આધ્યાત્મિક, સાંસ્કૃતિક મૂલ્યોની કિંમત કરી જાણનારા ઘણા પારખું અને પ્રતિબદ્ધ લોકો છે જે લોકો આપણા કરતાય વધુ સારી રીતે તેને સમજવા તત્પર હોય છે અને સન્માન આપે છે. મેનેજમેન્ટ સંશોધકો અને પ્રેક્ટિશનરોને મેનેજમેન્ટ માટે વધુ સારા વિકલ્પો, વધુ સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ સૂચવવા માટે પ્રાચીન ભારતીય સાહિત્ય ભગવદ્દ ગીતા તરફ વળ્યાં છે. આજે વિશ્વસ્તરે મોટું ગજું કાઢેલી કંપનીઓમાં ટ્રેનીંગના ભાગરૂપે ત્યાંના ઉચ્ચ અધિકારીઓને ભગવદ્દ ગીતા, નેતૃત્વ અને પ્રબંધન તેમજ વ્યક્તિના સ્વવિકાસના સંદર્ભે સમજાવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, મેનેજમેન્ટ એ જ્ઞાનનો એક સમૂહ કામ કરે છે જૂથ છે જે સંસ્થાઓને લોકો, પ્રક્રિયા અને પર્યાવરણને સંડોવતા વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે, જેથી સમાજને ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ પહોંચાડવા માટે કાર્ય કાર્યક્ષમ રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે. સારા મેનેજમેન્ટે તમામ હિસ્સેદારોને વધુ સંતોષ આપવો જોઈએ. જો આપણે ગીતાનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ, તો આપણે નિષ્કર્ષ પર આવીએ છીએ કે મુખ્ય મુદ્દો સૌથી કાર્યક્ષમ રીતે (કર્મયોગ) કાર્ય કરવાનો છે, યોગ કર્મેસુ કૌશલમ્! કર્મયોગનો મહિમા કરતું ત્રણ શબ્દનું આ સૂત્ર કોઇપણ ક્ષેત્રે કંઈપણ કામ કરનાર માટે ગુરુમંત્ર સમાન છે.
ગીતાનો પ્રખ્યાત શ્લોક
અર્થામૃત
- Advertisement -
કૃષ્ણ કહે છે કે તું કર્મ કરે જા અને ફળની ચિંતા ન કર. તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે વગેરે…
ગીતા કહે છે કે ચોક્કસ લક્ષ નક્કી કરો અને પછી તેને વિશે વિચારવાનું છોડી દો પરંતુ તેની પ્રોસેસ વિશે વિચારો અને કામ પર લાગી જાઓ. કંઈ પણ મેળવવા માટે સફળતા અને નિષ્ફળતાના સમાંતર રસ્તે પસાર થવું પડે છે. સતત નિષ્ફળતાના વિચારો કરી નિરાશ થવાની બદલે તેના પર એકાગ્ર થઈ પ્રયત્ન કરવા જરૂરી છે. આ જ વાત, મેગા બિઝનેસ રન કરનાર બિઝનેસ હાઉસોથી લઈને નાની દુકાન લઈને બેઠેલી છેવાડાની વ્યક્તિને કે પછી મહાન શોધખોળ આકાર લે એ પહેલાં વિજ્ઞાનીઓએ તે માટે કરેલાં અસંખ્ય સફળ-નિષ્ફળ પ્રયોગોમાં જોવા મળે છે. અને જે વ્યક્તિ આ તથ્યને નથી અનુસરતી એ સફળ કે નિષ્ફળ થયાં પહેલાં જ નિરાશાની ગર્તામાં સરી પડે છે અથવા તો અકર્મણ્યતા કેળવી લે છે. ગીતા એ જ કહે છે સ્કોરબોર્ડ પરથી નજર હટાવી મેદાનમાં શુ કરવું એ જુઓ. નિષ્કામ કર્મની ભાવનાથી કરેલું કાર્ય, આશા નિરાશાથી પરે રહીને કામ કરવાનો આનંદ આપે છે.
અર્થામૃત
ઓ ધનંજય (અર્જુન). કોઈ પણ કામ ન કરવાની જીદ છોડી દેવી, સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખીને, યોગમાં સમભાવ રાખીને કર્તવ્યને અનુસરો, (કારણ કે) સમભાવ એ યોગ કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં કર્તવ્યને ધર્મ કહ્યો છે. ભગવાન કહે છે કે પોતાની ફરજ નિભાવતી વખતે ક્યારેય સફળતા-નિષ્ફળતા કે નુકસાન કે નફા વિશે વિચારવું જોઈએ નહીં. બુદ્ધિએ પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને જ કામ કરવું જોઈએ. આ વાત કોઈપણ પ્રકારની ફરજ નિભાવવામાં લાગુ પડે છે
અર્થામૃત
ગીતામાં મનનાં નિગ્રહ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. મનથી નબળો વ્યક્તિ આશા- નિરાશામાં ફસાઈને સતત ભટકતો રહે છે. મનથી નબળી વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતી નથી જે એક સફળ વ્યવસાય માટે હાનિકારક છે. સુખ દુ:ખ પર નિયંત્રણ કરીને મનથી આનંદિત ખુશ રહેતી વ્યક્તિ જ કોઈ સારા પરિણામ લક્ષી કામ કરી શકે છે.
અર્થામૃત
મહાપુરુષો જે રીતે વર્તે છે, સામાન્ય માણસો પણ તે જ રીતે વર્તવા લાગે છે. કોઈ મહાપુરુષ દ્વારા કરવામાં આવેલ કાર્યને લોકો આદર્શ માને છે અને તેને અનુસરે છે.અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મહાપુરુષે હંમેશા તેના પદ અને પ્રતિષ્ઠા પ્રમાણે વર્તવું જોઈએ, કારણ કે તે જે રીતે વર્તે છે, સામાન્ય લોકો પણ તેની નકલ કરશે. કોઈ મહાપુરુષ દ્વારા કરવામાં આવેલ કાર્યને સામાન્ય લોકો પોતાનો આદર્શ માનશે. ઉદાહરણ તરીકે, જો કોઈ સંસ્થામાં ઉચ્ચ અધિકારીઓ સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે કામ કરે છે, તો ત્યાંના અન્ય કર્મચારીઓ પણ તે જ રીતે કામ કરશે, પરંતુ જો ઉચ્ચ અધિકારીઓ કામ મોકૂફ રાખવાનું શરૂ કરશે, તો કર્મચારીઓ તેમના કરતા પણ
આળસુ બની જશે.
અર્થામૃત
અર્થાત, જ્ઞાની વ્યક્તિએ કર્મો પ્રત્યે આસક્ત એટલે કે કર્મો પ્રત્યે અવિશ્વાસ ધરાવતા અજ્ઞાની લોકોના મનમાં મૂંઝવણ ન ઉભી કરવી જોઈએ, પરંતુ તેણે સ્વયં ભગવાનના સ્વરૂપમાં સ્થાપિત થવું જોઈએ અને તમામ કાર્યો સારી રીતે કરતાં રહીને તેમની પાસે પણ કરાવવું જોઈએ. આ સ્પર્ધાનો યુગ છે, અહીં દરેક વ્યક્તિ આગળ વધવા માંગે છે. આવી સ્થિતિમાં, સંસ્થાઓમાં ઘણીવાર એવું બને છે કે કેટલાક સ્માર્ટ લોકો તેમનું કાર્ય પૂર્ણ કરે છે, પરંતુ તેમના સાથીદારોને તે જ કાર્ય મુલતવી રાખવા અથવા કામ પ્રત્યે તેમના મનમાં બેદરકારીની લાગણી પેદા કરે છે. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે પોતાના કાર્ય દ્વારા અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બને. સંસ્થામાં તેનું ઉજ્જવળ ભવિષ્ય પણ છે. નેતા કેવો હોવો જોઈએ? કુરુક્ષેત્રના મેદાનમાં, સ્વજનોની આસક્તિમાં યુદ્ધ કરવાથી પીછેહઠ કરી રહેલા અર્જુનને સમજાવતાં કૃષ્ણ કહે છે કે તારું કર્તવ્ય અત્યારે યુદ્ધ છે તું બહાદુરીપૂર્વક લડી બતાવ. યુદ્ધના સારા -નરસા પરિણામો માટે તું નહિ હું જવાબદાર છું એ યાદ રાખ બસ. નેતા કોઈ પણ મિશનની નિષ્ફળતાની જવાબદારી પોતાની ઉપર લેવાની તૈયારી બતાવી તેના નીચેના માણસોમાં જે તે કામ માટે જુસ્સો અને હિંમત વધારનાર હોવો જોઈએ.
અને છેલ્લે, સંશયાત્મા વિનશ્યતિ…. જે પણ કામ કરો સ્વયં પર વિશ્વાસ રાખો. પરમ પર વિશ્વાસ રાખો. અલબત્ત, આધ્યાત્મિક પ્રગતિ અને સ્વ-પરીક્ષણ માટે શ્રીમદ ભગવદ ગીતાને અમારા મર્યાદિત જ્ઞાન વડે મુલવવાની ચેષ્ટા કરી આ લેખ દ્વારા અમે આ ગ્રંથના પવિત્ર હેતુને ઝાંખો નથી કરી રહ્યા અને ન તો અમે એવુ કહેતાં કે સ્વ-અધ્યયન પદ્ધતિથી કોઈ પણ વ્યક્તિ તેને ફક્ત બીઝનેસ ગાઈડ તરીકે મુલવી રાખે. અમે માનીએ છીએ કે આ પવિત્ર ગ્રંથોનો અભ્યાસ સક્ષમ અને આધ્યાત્મિક રીતે ઉન્નત ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો જોઈએ તો જ તેના નવા નવા આયામો, ગૂઢાર્થ સુધી થોડાઘણા પહોંચી શકીએ.
ગીતા પ્રેરણાના ઉચ્ચ સ્તરને પ્રોત્સાહિત કરવા માટે એક બળ પૂરું પાડે છે. આ અર્થમાં ગીતા જગતની પ્રથમ અને સર્વશ્રેષ્ઠ મોટીવેશનલ સાહિત્ય કે સ્પીચ છે(જો કે ગીતા ફક્ત મોટિવેશન જ નથી, તેના ઉપરાંત ઘણુબધું છે) નહીં તો સ્વજનો સામે લડવાના વિચારથી દુ:ખી અને પીછેહઠ કરી રહેલાં અગાધ વિષાદમાં ડૂબેલ અર્જુનનું માનસ પરિવર્તન…આ જાદુઈ લાગે તેવું પરીવર્તન ગીતાનાં ઉપદેશની દેન છે. અલબત્ત, ત્યાં ઉપદેશ આપનાર સ્વયં યોગેશ્વર, જગદગુરુ હતાં એ બહુ મોટી વાત છે! આ પરિપ્રેક્ષ્યમાં ગીતાનો વિગતવાર અભ્યાસ ઉપર કહ્યું તેમ સમર્થ વ્યક્તિના માર્ગદર્શનમાં જરૂરી છે.
ઉપસંહાર : ગીતા એ વિશ્વના એવા કેટલાંક ગ્રંથોમાંથી એક છે જે આજે પણ સૌથી વધુ વાંચવામાં આવે છે. ભારતીય પુસ્તકોમાં ભગવદ્દ ગીતા જ છે કે જે વિશ્વની સૌથી વધુ ભાષામાં અનુવાદિત થયેલું છે. એ સત્ય છે કે જીવનનાં દરેક પાસાને ગીતા સાથે જોડીને તેનું સમાધાન મેળવી શકાય છે. અલબત્ત, માનવજીવનની સાથે જ સુખ દુ:ખ વણાયેલા છે એટલે અહીં કોઈ એવો દાવો નથી કે ગીતા વાંચવાથી જીવનનાં દુ:ખો દૂર થઈ જાય છે પરંતુ એ પાક્કું છે કે ભગવદ્દ ગીતાને બરાબર સમજવાથી જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. વાંચનાર નહિ પણ ગીતસાર ગ્રહણ કરનારની યોગ્યતા અને તત્પરતા પ્રમાણે કંઈક અંશે તેનામાં સુખ દુ:ખ તરફ અનાસક્ત ભાવ કેળવાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી, ગીતા જયંતિનો તહેવાર દર વર્ષે આ તિથિએ ઉજવવામાં આવે છે. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.
ગીતાસાર ગઝલ રૂપે ઢાળવાનો પ્રયાસ
કૃષ્ણ કહે, હે અર્જુન..!
સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્દગમસ્થાન છું.
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું.
વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું
હું જ બ્રહ્માંડીય ઉર્જાનું ભીનું અવધાન છું.
હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું
હું સમષ્ટિનાં સકળ તત્વો તણો આધાર હા,
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તો ય અંતર્ધ્યાન છું
પ્રાણમાં ને પ્રકૃતિમાં પાપમાં ને પુણ્યમાં,
રજ, તમસ ને સત્વનું રસમય મહાનુષ્ઠાન છું
પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો,
સવ્યસાચી, હે ! સમરવેળાનું હું વીરગ઼ાન છું
હું જ હર ને હું હરી, બ્રહ્મા વળી અપરાપરા,
વૈખરી હું, વાગીષા, પ્રથમા ને હું શ્રીમાન છું
જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા પ્રેમનિષ્ઠા પાર્થ હે !,
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું.
વિશ્વપટલે હું રચું છું મોહ -માયાજાળ ને,
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું
કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં,
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું
બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મુકી, લઈ લે શરણ ને વળી કહું છું, યથેચ્છા કરજે – ગીતાજ્ઞાન છું