દિવાળીએ આપણે માળિયામાં જે સાફ-સફાઈ કરીએ એ વાસ્તવમાં સમગ્ર ગરોળી સમાજ માટે મેગા ડિમોલિશન હોય છે. એકચ્યુલી, માળિયામાં ભંગાર પાછળ સંતાયેલી ગરોળી જ સત્ય છે અને બાકીનું જગત મિથ્યા. માળિયામાં છુપાયેલી ગરોળીને જ શાસ્ત્રોમાં ભય કહ્યો છે!– તુષાર દવે
- Advertisement -
દિવાળીએ આપણે માળિયામાં જે સાફ-સફાઈ કરીએ એ વાસ્તવમાં સમગ્ર ગરોળી સમાજ માટે મેગા ડિમોલિશન હોય છે. એકચ્યુલી, માળિયામાં ભંગાર પાછળ સંતાયેલી ગરોળી જ સત્ય છે અને બાકીનું જગત મિથ્યા. માળિયામાં છુપાયેલી ગરોળીને જ શાસ્ત્રોમાં ભય કહ્યો છે!
- Advertisement -
સપરમા દિવસોમાં પુરુષોએ ચડ્ડા ધારણ કરીને માળિયામાં ચડવું પડે છે એની પાછળનું એક કારણ મહિલાઓમાં વ્યાપ્ત ગરોળીનો આતંક પણ છે. આખા ઘરમાં જેનો પડ્યો બોલ ઝીલાતો હોય અને આદમીઓ પણ જેનાથી ફાટી પડતા હોય એવી મહિલાઓ પણ કોઈ તડમાં ગરોળીની પૂંછડી ય ભાળી જાય તો ફાટી પડતી હોય છે. ગરોળીથી ડરી જતી મહિલાઓ એ સમજતી નથી કે વાસ્તવમાં ગરોળી એનાથી ડરી રહી હોય છે કારણ કે એવડી એ ગરોળીનું ઘર બરબાદ કરવા ચડી હોય છે, પણ ગરોળીની પીડા કોઈ સમજતું જ નથી. એ કદરૂપી ખરી ને… એટલે. આપણા સમાજમાં કદરૂપા લોકો સાથે બહુ અન્યાય થાય છે. જો ગરોળી વધુ કદરૂપી હોય એટલે કે ગરોળીઓ સામાન્ય રીતે હોય એના કરતા પણ વધારે કદરૂપી હોય અને એનો રંગ કાળો હોય તો એને એક ચોક્કસ જાતિના નામે ઓળખવામાં આવે છે.
હિન્દુસ્તાન કદાચ વિશ્વમાં એક માત્ર એવો દેશ હશે જ્યાં પ્રાણી-પક્ષી અને જીવ-જંતુઓને પણ જાતિવાચક નામો આપી દેવામાં આવ્યા હોય કે ધર્મના નામે વહેંચી દેવામાં આવ્યા હોય. આપણે તો કીડીઓને પણ એના રંગ અને કરડવાના લક્ષણ પરથી હિન્દુ અને મુસલમાનમાં વહેંચી નાંખી છે. આપણા દેશની આ વિચિત્રતા પર કવિ મુનવ્વર રાણાએ ઘણું લખ્યું છે અને એના શેર ખાસ્સા પોપ્યુલર પણ છે, પરંતુ એકવાર અમદાવાદની ભવન્સ કોલેજમાં યોજાયેલા ’પેન, પોએટ્રી એન્ડ માઈક’ના કાર્યક્રમમાં મળી ગયેલા મુંબઈના શાયર દેવરૂપ શર્માએ આ જ સબજેક્ટ પર અદભુત પંક્તિ લખી છે કે –
બરસને લગા હૈ લહુ આસમાં સે,
પરિંદો કો મઝહબ સિખાયા કિસીને…
- Advertisement -
એની વે, આપણે પ્રાણીઓમાં પણ ઘુસાડેલો જાતિવાદ છોડીને ફરીથી ગરોળી પુરાણ પર આવીએ. પેલું ’ભય બિન પ્રીત નાહી’નું સૂત્ર અલગ અર્થમાં કહેવાયું છે, બાકી ગરોળી ભરપુર ભય ફેલાવતી હોવા છતાં કોઈ એને પ્રીત કરતું નથી. ગરોળીનું હિન્દી નામ છીપકલી છે. એના નામમાં જ ’કલી’ હોવા છતાં માનવસમાજ એને કોઈ કાળે ’કલી’ તરીકે સ્વીકારવા તૈયાર નથી એટલે જ એ કલીએ સતત છુપાઈને રહેવું પડે છે. એ છુપાઈને રહેતી હોવાના કારણે જ ’છીપ’કલી તરીકે ઓળખાય છે. હોવ…હમ્બો…હમ્બો!
હોલિવૂડની ’ડાયનોસોર’ સિરિઝની ફિલ્મો જોઈ જોઈને જ નૃવંશશાસ્ત્ર સમજેલા જાણકારો કહેવડાવે છે કે ગરોળી તો વાસ્તવમાં મોટી હતી. બહુ મોટી. એટલી મોટી કે એ એકસમયે ડાયનોસોર તરીકે ઓળખાતી, પણ બેઝિકલી એ આળસુ જીવ. આળસના પાપે એ પડી પડી નાની થઈ ગઈ અને ગરોળી તરીકે ઓળખાઈ! જોકે, આ તો પછી મુંબઈ અને બોલિવૂડ બાજુના કોઈ જાણકારે ફોડ પાડ્યો કે ગરોળી તો હકીકતે પહલાજ નિહલાણીએ સેન્સર કરેલું ડાયનોસોર છે! હોવ… કહે છે કે સ્ત્રીઓમાં વ્યાપ્ત ગરોળીના ભયના કારણે પુરુષસમાજે ચડ્ડા પહેરીને દિવાળીના દિવસોમાં માળિયે ચડવું પડતું હોવાની વાત સાચી, પણ સ્ત્રીઓના એ જ ભયનો પુરુષસમાજે ભરપુર ફાયદો (આઈ મિન, ગેરફાયદો) પણ ઉઠાવ્યો હોવાનું કોઈ ઈતિહાસકારે નોંધ્યુ છે. જાણકારો તો ત્યાં સુધી ઉમેરે છે કે એ જ ઈતિહાસકાર પર તાજેતરમાં જ ખયઝજ્ઞજ્ઞની ’કલમ’ લાગી છે. પીડિતાના દાવા મુજબ ઈતિહાસકારે ઈતિહાસના જ કોઈ વર્ષમાં અચાનક જ એની સામે પ્લાસ્ટિકની ગરોળી ધરી દીધેલી. એ જોઈને પીડિતા ફફડી ઊઠી ત્યારે ઈતિહાસકારે તેને હૂંફ આપવાના બહાને બાહોમાં ભરવાનો પ્રયાસ કરેલો.
આપણે એ ઈતિહાસકારના ઈતિહાસમાં નથી પડતાં, પણ ગર્લફ્રેન્ડને હગ કરવાનું બહાનું પેદા કરવા માટે ઈતિહાસમાં અનેક બોયફ્રેન્ડ્સ આ ‘ગરોળી ટ્રીક’ અપનાવી ચૂક્યા હોવાનું અન્ય એક ઈતિહાસકાર નોંધે છે. જાણકારો કહે છે કે હવે એના પર પણ ખયઝજ્ઞજ્ઞની કલમ લાગવાના ભણકારા વાગી જ રહ્યા છે. હોવ…
આ ’ગરોળી ટ્રીક’ તો જૂની થઈ ગઈ, પણ અકસીર છે. આમ છતાં હવેના આધુનિક બોયફ્રેન્ડ્સ આ ’ગરોળી ટ્રીક’ની જફ્ફામાં પડતા નથી. એ લોકો ગર્લફ્રેન્ડને ’કોન્જ્યુરિંગ’ સિરિઝની ફિલ્મો જોવા લઈ જાય છે. ઘણા તો સાલાં પોતાની ફાટતી હોય તો પણ પેલીને ડરાવવા લઈ જાય. આવા કેસોમાં ’ભય બિન પ્રીત નાહી’નું સૂત્ર સાચું પડે છે. નક્કી આ સૂત્ર ગર્લફ્રેન્ડ સાથે હોરર મૂવિ જોઈને બહાર નીકળેલા કોઈ પ્રેમીએ જ આપ્યું હોવું જોઈએ! હોવ…હમ્બો…હમ્બો!
જોકે, ગરોળીને લઈને વળી જ્યોતિષ અને અગમ-નિગમ (નગર નિગમ નહીં) વાળાઓના વળી અલગ જ કેલ્યુલેશન્સ છે. એક આખુ શાસ્ત્ર છે, જે તમને ગરોળીના તમારા શરીરના અલગ અલગ અંગો પર પડવાના લાભ-ગેરલાભો જણાવે છે કે એ માથા પર પડે તો સંપત્તિ મળે ને કાન પર પડે તો ઘરેણાં-નવા કપડાં મળે વગેરે…વગેરે… આવું બધું વાંચી સાંભળીને મને ફરી ફરીને એક જ વિચાર આવે કે સારું છે કે ગરોળી આવડીક અમથી જ છે તો શરીરના અલગ અલગ અંગો પર પડે અને ધનલાભ કરાવે, જો મોટ્ટી દસ્તા જેવડી હોત તો સાલું શું થાત? કારણ કે જ્યોતિષમાં ક્યાંક એવું પણ લખેલું છે કે ગરોળી પુરુષની મૂછ પર પડે તો એને (એટલે કે પુરુષને) માન-સન્માન મળે છે. હવે વિચાર કરો કે જો ગરોળી દસ્તા જેવડી હોય અને મૂછો પર પડે તો માન-સન્માન તો ઠીક પણ મૂછ પણ બચે ખરી? અને દસ્તા જેવડી ગરોળી જ્યાં પડી હોય એ પ્રદેશ પર ફરીથી મૂછો પણ ઉગે ખરી?
ફ્રી હિટ :
દિવાળીની સિઝનમાં બુક પ્રકાશનના કોઈ કામ માટે ભદ્ર ચીરીને ગાંધી રોડ પર નવભારત પ્રકાશનની ઓફિસે પ્રકાશક રોનક શાહને મળવા જવાનું થાય એટલે સાતમે કોઠે અટવાયેલા અભિમન્યુ જેવી ફિલિંગ આવે કે, ’આમાં ઘરી તો ગ્યો પણ બારો કેમનો નીકળીશ?’