એક શિષ્યે તેના ગુરુને પૂછ્યું, “ગુરુજી, નિત્ય સાધના, સત્સંગ અને સંકીર્તન કરવાથી શો ફાયદો થાય?”
ગુરુએ જવાબ આપવાને બદલે શિષ્યને આદેશ આપ્યો, “સામે પેલી કોલસાની વખાર દેખાય છે. ત્યાં કોલસા ચાળવા માટેનો મોટો ચાળણો હશે. તું ત્યાં જઈને ચાળણામાં પાણી ભરીને અહીં લઈ આવ.”
- Advertisement -
શિષ્ય ગયો. મોટા કદનો ચાળણો ત્યાં હતો, એમાં એણે પાણી ભર્યું અને પછી એ લઈને ગુરુજી પાસે આવ્યો, પણ એ અસંખ્ય મોટા છિદ્ર વાળા પાત્રમાં પાણીનું એક ટીપું પણ સચવાયું ન હતું. બધું જ પાણી એ ચાળણાના કાણાઓમાંથી બહાર નીકળી ગયું હતું. શિષ્યે અનેક વાર પ્રયત્ન કર્યો પણ દરેક વખતે આવું જ બન્યું.
આખરે એણે હાર સ્વીકારી લીધી. ગુરુજીએ કહ્યું, “હે વત્સ, તું કંઈ સમજ્યો? મેં તને ચાળણામાં પાણી ભરી લાવવાની સૂચના આપી હતી જે તું લાવી ન શક્યો, પણ તે એક વાત અવશ્ય નોંધી હશે કે પહેલી વાર જ્યારે તે ચાળણો હાથમાં લીધો ત્યારે તે કોલસા જેવો કાળો હતો. આટલી બધી વાર પાણી ભરવાનો પ્રયત્ન કરવાથી તે ઉજળો થઈ ગયો, એની કાળાશ ઘટી ગઈ. કંઈ સમજાય છે તને?” નિત્ય સાધના, સંકીર્તન અને સત્સંગનું પણ આવું જ છે. ભલે સાધક એ સાત્ત્વિક્તાને પોતાની અંદર સંગ્રહી ન શકે, પરંતુ નિત્ય સાધના કરવાથી આપણું મન ઉજળું તો બને જ છે. માટે હંમેશા સજ્જન માણસોનો સત્સંગ કરો અને સાધના કરતા રહો.