ઉત્તરપ્રદેશના મેરઠના અમિત ચૌધરીએ પડકારનો આગવી રીતે સામનો કરી ઉદાહરણ સ્થાપ્યું
ઘટના સ્થળ પર હાજર જ ના હોવા છતાં અમિત પર બે કોન્સ્ટેબલની હત્યાનો આરોપ હતો
ખાસ-ખબર સંવાદદાતા
સામાન્ય રીતે લોકો મુસીબત આવે ત્યારે તૂટી જતાં હોય છે, આ સંજોગોમાં મજબૂતી સાથે પોતાની જાતને સંભાળી રાખવી એક મોટો પડકાર હોય છે. મેરઠના એક યુવકે તેના પર હત્યાનો આરોપ લાગ્યા બાદ જેલમાં કાયદાનો અભ્યાસ જ ના કર્યો પણ સાથે જાતે જ વકીલાત કરીને પોતાને નિર્દોષ પણ સાબિત કર્યો છે. અમિત ચૌધરી નામના યુપીના મેરઠના યુવાન પર બે પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો આરોપ હતો અને તેના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જે સમયે આ ઘટના બની હતી ત્યારે અમિત પોતાની બહેન સાથે અન્ય સ્થળ પર હતો તેમ છતાં પણ તેને આરોપી બનાવી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ કેસ માયાવતી સરકારના કાર્યકાળનો છે. બાગપતના કિરથલ ગામના રહેવાસી અમિત પર બે કોન્સ્ટેબલની હત્યાનો આરોપ લાગ્યો હતો. 2013માં તે જામીન પર છૂટયો હતો. તે પછી તેણે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની લડાઇ શરૂ કરી હતી.
અમિત જેલ ગયા બાદ તેના પરિવારને અનેક પ્રકારના દુ:ખ સહન કરવા પડયાં હતાં તેથી અમિતે વકીલ બનવાનો નિૃય કર્યો. તેણે જેલમાંથી જ એલએલબી અને એલએલએમની પરીક્ષા પાસ કરી હતી. તે લગભગ બે વર્ષ સુધી જેલમાં રહ્યો અને આ દરમિયાન તેણે ફક્ત અભ્યાસ જ કર્યો. વકીલાત પૂર્ણ કર્યા બાદ અમિત સામે સૌથી મોટો પડકાર પોતાને નિર્દોષ સાબિત કરવાનો હતો. તેણે કેસ લડવાનો નિર્ણય કર્યો. કોર્ટમાં હત્યાનો તાજનો સાક્ષી તેને ઓળખી શક્યો ન હતો તેથી જજને ખાતરી થઇ ગઈ હતી કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. તે પછી કોર્ટે તેને નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યો હતો. અમિતના જણાવ્યા અનુસાર જેલમાં અનિલ દુજાના અને વિક્કી ત્યાગી જેવા ખૂંખાર ગેંગસ્ટરોએ તેને પોતાની ગેંગમાં સામેલ કરવા પ્રયાસો કર્યા હતાં. જો કે જેલરે તેને એવી અલગ બેરેકમાં જવા દીધો હતો કે જેમાં ખૂંખાર અપરાધીઓ ન હતાં. આ કારણે જ પોતે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો તેમ અમિત સ્વીકારે છે.