માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલની રજૂઆત બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા પંથકમાં વરસાદની ખેંચને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધાતરવડી ડેમ-1 માંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી 13 ગામના ખેડૂતોના પાકને જીવનદાન મળશે.
આ નિર્ણય રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. વરસાદની અછતને કારણે ખેડૂતોને તેમના વાવેતર કરેલા પાકો જેવા કે કપાસ, મગફળી અને સોયાબીનને બચાવવા માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત હતી. ખેડૂતોએ આ મુદ્દે જીગ્નેશભાઈ પટેલને રજૂઆત કરી હતી.
જીગ્નેશભાઈ પટેલે ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને કેનાલમાં પાણી છોડવા માટે વિનંતી કરી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્રને કેનાલમાં પાણી છોડવા માટે સૂચના આપી હતી.
આજે આ સૂચનાના પરિણામે ધાતરવડી ડેમ-1 માંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ સફળ રજૂઆત બદલ 13 ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ આ અંગે જણાવ્યું હતું કે, “વરસાદ ખેંચાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. આ સમયે જીગ્નેશભાઈ પટેલની રજૂઆત અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી પાણી મળતા ખેડૂતોને મોટો ફાયદો થશે.”
સમગ્ર પંથકના ખેડૂતોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.