ભાદર તારું પાણી પ્રદૂષિત… ભાદર તારી ભૂમિ પ્રદૂષિત…
ગુનાઈત બેદરકારી સામે GPCBનું મૌન : બટુક વાળાની પ્રદૂષણ બોર્ડથી લઈ પ્રધાનમંત્રી સુધી અરજી
- Advertisement -
ઓસ્કાર, અંબુજા, વિનય, સિદ્ધેશ્ર્વર, રવિ, નિશાન જેતપુર સાડીના યુનિટોનું ભાદર નદી વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવાનું કારસ્તાન
જેતપુર તાલુકાના રબારીકા ગામના રહેવાસી બટુકભાઈ વાળાએ ભાદર નદી વિસ્તારમાં તાત્કાલિક અસરથી પ્રદૂષણ અટકાવવા અંગે પ્રદૂષણ બોર્ડથી લઈ પ્રધાનમંત્રી સુધી અરજી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઓસ્કાર, અબુંજા, વિનય, સિદ્ધેશ્ર્વર, રવિ નામના ડાઈંગ તથા નિશાન પ્રિન્ટ જેતપુર સાડીના યુનિટના માલિકો જમન ભુવાના સોફર પ્લાનમાં સાડી ધોલાઈ કરાવે છે. વોટર પોલ્યુશન નિયમો મુજબ જે સાડી ધોલાઈનું યુનિટ ચલાવતા હોય તેઓ પાસે વોટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ક્ધસાઈટ એટલે કે પરમિશન હોય તો જ સાડી ધોલાઈ કરાવી શકે પરંતુ આ યુનિટ પૈકી અમુક ડાઈંગ એસોસિએશનના કારોબારી સભ્ય હોય તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. રબારીકા રોડ પર વોકળામાં જમન ભુવા દ્વારા એક સાડી ધોલાઈના સોફર પ્લાન જે ગેરકાયદે ચાલે છે તેમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. આ અંગે કડક કાર્યવાહી કરવા બટુક વાળા તરફથી માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જેતપુર, ધોરાજી, ઉપલેટાના શહેરો, ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન ભાદર નદી વિસ્તારને જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમો પ્રદૂષિત કરી રહ્યા છે. ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ ફેલાવેલા પ્રદૂષણના પાપે ભાદર નદીનું પાણી પીવાલાયક તો ઠીક, સિંચાઈ કે ઘરકામમાં ઉપયોગમાં લઇ શકાય તે લાયક રહ્યું નથી ઉપરાંત તેની આસપાસનો વિસ્તાર પણ બિનઉપજાઉં બંજર બની ગયો છે. ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જેતપુરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ સક્રિય છે, કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટમાં કલર કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરીને શુદ્ધ પાણી ભાદરમાં ઠાલવવાનું હોય છે પરંતુ અમુક સાડીના એકમો સીધું જ પ્રદૂષિત પાણી ભાદર નદી વિસ્તારમાં ઠાલવી રહ્યા છે. જેના લીધે આખા પંથકના જળાશયો, ભૂગર્ભ જળ તેમજ ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. પરંતુ પ્રદૂષણ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આવા રાજકીય વગ ધરાવતા કારખાનેદારો વિરુદ્ધ દંડ કે ક્લોઝરની કાર્યવાહી કરાતી નથી. થોડા મહિનાઓ અગાઉ જ જેતપુરના જાગૃત પ્રહરીઓએ જીપીસીબીના અધિકારીને ભાદર નદી વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડતાં એકમ બાબતે ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ, આ અધિકારીએ નીચલા અધિકારીને જાણ કરીશ અને હમણાં જ ઘટના સ્થળે તપાસ કરાવીશ એવી બાંહેધરી આપી હતી પરંતુ, કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા જીપીસીબીની કાર્યવાહી સામે પ્રશ્ર્નાર્થ જાગ્યા છે.
- Advertisement -
પ્રદૂષણ બોર્ડને કરવામાં આવેલી અરજીમાં શું છે?
રાજકોટ નજીક આવેલા જેતપુર તાલુકાના રબારીકા ગામના એક જાગૃત નાગરિક બટુક વાળાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સેક્શન ઓફીસરને અરજી કરી છે કે, રબારીકા ગામે જનરલ ઉદ્યોગ માટે બિનખેતી થયેલી સરવે નં-244 પૈકી 7ની જમીન પર સાડી ધોલાઈના 2 સોફર પ્લાન ચાલી રહ્યા છે. જેમાંથી એકની મંજૂરી મળેલી છે અને બીજી ગેરકાયદે ચાલે છે. જ્યારે તેમાં પણ જે યુનિટની સંમતિ મળેલી છે તે માત્ર કાગળ પર છે અને બન્ને યુનિટનું કેમિકલયુક્ત કલર પાણીને ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા વોંકળામાં કાઢવામાં આવે છે અને આ વોંકળો જેતપુરની જીવાદોરી સમાન ગણાતી ભાદરમાં ભળે છે. 24 કલાક આ ગંદુ પાણી ભાદર નદીમાં ભળી રહ્યું છે, આ અંગે 8 જાન્યુઆરી 2020ના રોજ ગંદા પાણીનો નમૂનો લેવાયો હતો તેમાં પણ જણાઈ આવ્યું હતું કે, આ પાણી હાનિકારક છે ત્યારબાદ પ્રદૂષણ બોર્ડ તરફથી એક નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાડી ધોલાઈના સોફર પ્લાન ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરી રહ્યા છે તો આજદિન સુધી ક્યાં કારણોસર કાર્યવાહી કરવામાં નથી આવી તે ખુલાસો કરવા બટુક વાળા તરફથી માંગણી કરવામાં આવી છે.
વધતા જળ-ભૂમિ પ્રદૂષણ વચ્ચે સળગતાં સવાલ
-કુદરતી સંપત્તિને નુકસાન પહોંચડવાની તમને કોણે આપી છૂટ?
-કોના ઈશારે ખુલ્લેઆમ નદી વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડાય છે?
-જળચર અને ભૂચર જીવોને નુકસાન થશે તો જવાબદાર કોણ?
-શું પ્રદૂષિત પાણી કોઈના ખેતરમાં કે શરીરમાં જશે તો પરિણામ શું આવશે?
-કુદરતે આપેલા અમૂલ્ય ખજાનાનો આવી રીતે ઉપયોગ કરવાનો?
-શું જીપીસીબી અને કંપનીના માલિકોનું કોઈ સેટિંગ છે?
-શું જીપીસીબી કંપની સામે કાર્યવાહી કરવાની હિંમત કરી શકશે?
રાજકોટ પાસે આવેલા જેતપુરના સાડી ઉદ્યોગે આગવી ઓળખ ઉભી કરી છે, અહીંનો ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ અનેકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, બીજી તરફ આ ઉદ્યોગમાંથી નીકળતા પ્રદૂષિત પાણીનું ભાદર નદી વિસ્તારમાં ભળવું અને તેનાથી વધતું જળ-ભૂમિ પ્રદૂષણ એ મોટી કઠણાઇ બની ગઇ છે. ભાદર નદી વિસ્તાર પ્રદૂષિત ન થાય તે માટે જીપીસીબીની સ્પષ્ટ ગાઇડલાઇન તેમજ શહેરમાં ચાર ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં અમુક એકમો સાડીનું પ્રદૂષિત પાણી સમ્પમાં ઠાલવવાને બદલે સીધું જ નદીમાં કે નદી આસપાસના વિસ્તારમાં ઠાલવી દે છે. જાગૃત પ્રહરીઓએ જીપીસીબીના અધિકારીઓનું આ અંગે વારંવાર ધ્યાન દોર્યું તો તેમની જવાબદારીઓની ખો આપવાની નીતિના લીધે પ્રશ્ર્ન ઉકેલાવાને બદલે ગૂંચવાયો છે અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમી ભાદર નદીનો વિસ્તાર અમૃતમાંથી ઝેરીલો બની રહ્યો છે.
જમન ભુવાના યુનિટમાંથી રબારીકા ગામમાં ફેલાતું પ્રદૂષણ જોવા અહીં ક્લિક કરો…