નર્મદાના નીર પણ સાવચેતીથી નહીં વાપરીએ તો સમસ્યા સર્જાશે!
ખાસ-ખબર ન્યૂઝ કચ્છ,તા.02
- Advertisement -
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અને દુષ્કાળનું સૌથી વધુ જોખમ ધરાવતા કચ્છમાં જળસંગ્રહ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સોમવારથી કચ્છ જિલ્લાના 6 તાલુકાઓમાં જળસંગ્રહના કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે લોક ભાગીદારીથી ઉમદા કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના ટીપે-ટીપાના સદુપયોગ માટે ભરસક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કચ્છના મુંદરા, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા અને ભુજ એમ કુલ છ તાલુકાઓનાં 21 ગામોના 24 સ્થળોએ જળસંગ્રહ અભિયાનનો આરંભાયુ છે. જેમાં ચેકડેમ, તળાવોનું રિનોવેશન, અનુશ્રવણ તળાવ વગેરેનો સમાવેશ થાય છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા જળસંગ્રહ માટે ગ્રામ પંચાયત, આગેવાનો તેમજ એક્ટીવીસ્ટને સક્રિય ભાગીદારી હેતુ જોડવામાં આવ્યા છે.
હમામાન ખાતા મુજબ કચ્છમાં વાર્ષિક સરેરાશ 378.2 મિલીમીટર વરસાદ વરસે છે. અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું કે જે પાણીને દરિયામાં કે રણમાં વહેતુ અટકાવીશું એ જ પાણી આપણું છે. જે વહી જશે તે આપણા ઉપયોગમાં નહીં આવે. જળસંગ્રહના કામોને લીધે જમીનમાં ભેજસંગ્રહને કારણે ઘાસચારો અને વૃક્ષોને પુરતો ભેજ મળવાથી ગ્રીન બેલ્ટ ઉભો થશે.
અગાઉ ઘરઆંગણે વરસાદી પાણીના સંગ્રહ માટે 10,000 લીટર સંગ્રહ ક્ષમતાવાળા ધરાવતા 75થી વધુ ભૂગર્ભ ટંકાઓનું કામ કરવામાં આવ્યું હતું. માંડવી દરિયાકિનારે સ્થિત મોઢવા ગામમાં સૌથી વધારે 150 ઘરોમાં ભૂગર્ભ ટંકાઓનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે ઝરપરા, ભુજપુર મોટી-નાની, ધ્રબ, બોરાણા વાડી જેવા વિસ્તારોમાં જળસંગ્રહના કામકાજ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં 300 થી વધુ ભૂગર્ભ ટાંકાઓ બનાવી દેવાયા છે. જળમંદિરો બનવાથી દરિયાકાંઠાનાં ગામોમાં ખારાશનું પ્રમાણ ઘટીને 1200 ટીડીએસ જેટલું નીચું આવ્યું છે તાજેતરમાં તીવ્ર ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે 21 જેટલા ગામોમાં 24 જળસંગ્રહના કામો થકી 1,80,000 ઘનમીટર પાણીનો સંગ્રહ થશે. જેનાથી આશરે 650થી વધુ ખેડૂતો તથા 1200 થી વધારે એકર જમીનને ફાયદો થશે. જળસંગ્રહની આસપાસના વિસ્તારોમાં હરિયાળી ઊભી થશે. જળસંગ્રહના ઉમદા કાર્યો સમયસર પૂર્ણ થાય તે માટે ફાઉન્ડેશનની ટીમ અને ગામલોકો કટિબદ્ધ છે.
- Advertisement -
બેંગલોર જેવા મહાનગરમાં સર્જાયેલી પાણીની સમસ્યાથી સૌ કોઈ વાકેફ છે, તેવામાં આપણા કચ્છને પાણીની પળોજણથી મુક્ત રાખવા સહિયારા પ્રયત્નો થઈ રહ્યા છે. કચ્છમાં નર્મદાનાં નીરને પહોંચ્યા છે, પણ જો તેને સમજણથી નહીં વાપરીએ તો સમસ્યા સર્જાશે. વળી જ્યાં નર્મદાનાં નીર પહોચ્યાં નથી ત્યાં તો વરસાદી પાણીના સંગ્રહ સિવાય કોઈ જ વિકલ્પ નથી.