4 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ: આર્થિક નુકસાન વચ્ચે પણ ઉદ્યોગપતિઓએ માનવીય અભિગમ દાખવી શ્રમિકોના રહેવા-જમવાની જવાબદારી ઉપાડી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
- Advertisement -
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના મોરબી સ્થિત વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે પ્રોપેન ગેસની આયાત અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં મોરબીના પ્રોપેન ગેસ આધારિત સિરામિક યુનિટો ક્રમશ: બંધ થઈ રહ્યા છે. જોકે, આ આર્થિક સંકટ વચ્ચે પણ શ્રમિકો પ્રત્યે કારખાનેદારોએ દાખવેલી સંવેદના ચર્ચાનો વિષય બની છે. સિરામિક ઉત્પાદનમાં ગેસ મુખ્ય ઇંધણ હોવાથી, તેના અભાવે કારખાનાઓ ચલાવવા અશક્ય બન્યા છે. પ્લાન્ટ મેનેજર જાહિદ ખાનના જણાવ્યા અનુસાર, યુદ્ધની સ્થિતિને જોતા સપ્લાય ક્યારે પુન:સ્થાપિત થશે તે કહેવું મુશ્કેલ છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં આશરે 4 લાખથી વધુ શ્રમિકો રોજીરોટી મેળવે છે. સરેરાશ એક યુનિટમાં 250 થી 300 કામદારો કાર્યરત હોય છે. ગેસના અભાવે કામ બંધ થતા આ શ્રમિકોની આવક અટકી પડી છે. આ કપરા સમયે શ્રમિકો અને તેમના પરિવારો ભૂખ્યા ન રહે તે માટે ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો મેદાને આવ્યા છે. કારખાના બંધ હોવા છતાં શ્રમિકોને લેબર કોલોની કે ક્વાર્ટર્સ ખાલી કરવા જણાવાયું નથી અને તેઓ પરિવાર સાથે ત્યાં રહી શકે તેવી છૂટ આપવામાં આવી છે.
ઉદ્યોગપતિ હિતેશ દેત્રોજાએ જણાવ્યું કે, શ્રમિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને રાશન મળી રહે તે માટે સ્થાનિક દુકાનો સાથે સંકલન કરવામાં આવ્યું છે. શ્રમિકો ત્યાંથી રાશન મેળવી શકે તેની જવાબદારી કારખાનેદાર કે કોન્ટ્રાક્ટરે ઉપાડી છે. જો શ્રમિકો અત્યારે વતન પરત ફરે, તો સ્થિતિ સામાન્ય થયા બાદ તેમને પાછા આવતાં 30 થી 40 દિવસનો સમય લાગે છે, જે ઉદ્યોગને ફરી બેઠો કરવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આથી, શ્રમિકોનું પલાયન અટકાવવા અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે કારખાના પરિસરમાં જ રહેવા-જમવાની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ’વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે, પરંતુ આર્થિક નુકસાન વેઠીને પણ શ્રમિકોની ચિંતા કરતો આ અભિગમ ઉદાહરણરૂપ બન્યો છે.



