મધરાત બાદ પણ ચર્ચા ચાલી : રાત્રીના 1.36 કલાકે મતદાન
વકફ બિલ ચોરી માટે નથી, પરંતુ ગરીબો માટે છે: અમિત શાહ
- Advertisement -
એનડીએ અકબંધ: વકફ કાનૂન સંસદનો, સૌએ માનવો પડશે: અમિત શાહે સતત હાજર રહી ચર્ચાનું સુકાન સંભાળ્યું. ઔવેસીએ ખરડાની નકલ પ્રતિકાત્મક ફાડી: લોકસભામાં ચર્ચા સમયે દેશભરમાં ખરડાના વિરોધ-તરફેણમાં પ્રદર્શન
બુધવારે લોકસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર થયું. મતદાનમાં 520 સાંસદોએ ભાગ લીધો હતો. 288 સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું.
ભાજપના રાજકીય તથા સાંસ્કૃતિક એજન્ડાના એક પડાવમાં મધરાતે 2 વાગ્યા સુધીની તીખી ચર્ચા અને આક્ષેપબાજી વચ્ચે વકફ સુધારા ખરડો 288 વિ. 232 મતે મંજુર થતા સરકારને મહત્વપૂર્ણ રાજકીય જીત મળી છે અને હવે આજે આ ખરડો રાજયસભામાં પણ મંજુર કરાવવા સરકારનો વિશ્વાસ સાતમાં આસમાને પહોંચી ગયા છે. ગત વર્ષે દાખલ થયેલા સુધારા ખરડા પર લાંબી અને મહત્વપૂર્ણ સંસદીય પ્રણાલી મુજબની ચર્ચા-સંવાદ બાદ તૈયાર થયેલા વકફ સુધારા ખરડા પર લોકસભામાં 8 કલાકના બદલે 12 કલાકથી વધુ સમય ચર્ચા ચાલી હતી અને સરકાર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સતત ગૃહમાં હાજર રહીને વિપક્ષોને એક એક મુદાના જવાબ આપ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ગૃહ દ્વારા ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો.
- Advertisement -
આ અગાઉ લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિત્જુએ ખરડા પરની ચર્ચાનો પ્રારંભ કરતા આ સુધારા બિલ તૈયાર કરવા માટેની લાંબી પ્રક્રિયાનો ચિતાર આપવાની સાથે એ પણ જણાવ્યું હતું કે સરકાર એ વકફ બોર્ડ- કોઈ મસ્જીદ કે કોઈ ધાર્મિક સંસ્થાના કામકાજમાં દાખલ કરવા માંગતી નથી પણ તેની વ્યવસ્થા ગોઠવીને પારદર્શક વહીવટ થાય તે માટે સુધારા લાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં દરમ્યાનગીરી કરતા હવે કોઈની જમીન માત્ર હાથ મુકવાથી વકફની બની જશે નહી. તેઓએ આ કાનુનનો વિરોધ કરનારા કે તેનો સ્વીકાર નહી કરીએ તેવું જણાવતા વિપક્ષના નેતાઓને આડે હાથ લેતા કહ્યું કે આ કાનૂન સંસદનો છે અને સૌએ સ્વીકાર કરવો પડશે. તેઓએ ખાતરી આપી કે વકફમાં મુસ્લીમ જ રહેશે.
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી રિજિજુએ કહ્યું – જો આપણે આજે આ સુધારા બિલ રજૂ ન કર્યું હોત, તો આપણે જે ઇમારતમાં બેઠા છીએ તે પણ વકફ મિલકત હોવાનો દાવો કરી શકત. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી અન્ય મિલકતો પણ રદ થઈ ગઈ હોત.
સ્વતંત્રતા પછી, 1954માં પહેલી વાર વકફ કાયદો ઘડવામાં આવ્યો. તે સમયે રાજ્ય વકફ બોર્ડની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારથી અનેક સુધારાઓ પછી, 1995માં વકફ કાયદો લાગુ કરવામાં આવ્યો. તે સમયે, કોઈએ કહ્યું ન હતું કે આ ગેરબંધારણીય છે. આજે જ્યારે આપણે એ જ બિલમાં સુધારો કરીને લાવી રહ્યા છીએ, ત્યારે તમે કહી રહ્યા છો કે તે ગેરબંધારણીય છે. તમે બધું બાજુ પર મૂકીને અને એવી વાતનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો જે સંબંધિત નથી. કિરેન રિજિજુએ કહ્યું કે 2013માં ચૂંટણી માટે થોડા જ દિવસો બાકી હતા. 5 માર્ચ, 2014ના રોજ, 123 મુખ્ય મિલકતો દિલ્હી વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચૂંટણીને થોડા દિવસો બાકી હતા, તમારે રાહ જોવી જોઈતી હતી. તમે વિચાર્યું હતું કે તમને મત મળશે, પણ તમે ચૂંટણી હારી ગયા.
ફકત વકફ પરિષદ કે વકફ બોર્ડમાં ગેરમુસ્લીમને સામેલ કરાશે અને આ કાનૂન પુરી રીતે વકફની સમીતીઓના સંચાલનને યુનિયન કરવા માટે છે. ગઈકાલે આ કાનૂનની લોકસભામાં ચર્ચા ચાલતી હતી તે સમયે દેશભરમાં કાનૂનની તરફેણ અને વિરોધમાં દેખાવો ચાલુ હતા. વિપક્ષ તરફથી સૌથી ધારદાર દલીલ એઆઈએમઆઈએમના વડા તથા સાંસદ અસદૂદીન ઔવેસીએ સદનમાં વકફ ખરડાની કોપી ફાડી હતી. આરોપ લગાવ્યો કે આ પ્રસ્તાવીત કાનૂન મુસ્લીમોના અધિકાર પર હુમલો છે તેણે કોપી ફાડવાની પ્રતિકાત્મક ચેષ્ટા કરતા બે પાના વચ્ચેની સ્ટેપલરને અલગ કરી દીધા હતા. હવે આ ખરડો રાજયસભામાં ભાજપ-સાથી પક્ષો પાસે 125 સભ્યો છે અને વિપક્ષો પાસે 88 સભ્યો છે તેથી વકફ સુધારા ખરડો અને રાજયસભામાં આ સન્માનથી મંજુર થઈ જશે તેવા સંકેત છે.