ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
આજે જેમનું નામ ખૂબ જ ગાજી રહ્યું છે એ આપણા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરએ એમનું ઉચ્ચ શિક્ષણ ઈંગ્લેન્ડની યુનિવર્સિટીમાં મેળવ્યું છે. ભારતની સ્વતંત્રતાની ચળવળના અનેક લડવૈયાઓએ, આપણા ભૂતપૂર્વ અનેક નેતાઓએ તેમ જ અસંખ્ય વિદ્યાર્થીઓએ એમનું ઉચ્ચ શિક્ષણ ઈંગ્લેન્ડની ‘ઓક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીમાં લીધું. એક સમય એવો હતો કે જ્યારે ઈંગ્લેન્ડની આ બન્ને યુવિનર્સિટીઓ વિશ્ર્વમાં પંકાતી હતી. એમાં પ્રાપ્ત થતું શિક્ષણ વર્લ્ડ બેસ્ટ ગણાતું હતું. ધીરે ધીરે ઈંગ્લેન્ડે શિક્ષણની બાબતમાં એમની એ સૌપ્રથમતા ખોઈ અને એમનું સ્થાન અમેરિકાની ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેનફર્ડ’ યુનિવર્સિટીઓએ લીધું. આજે વિશ્ર્વના દરેક દેશના વિદ્યાર્થીઓ, જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનું પસંદ કરે છે. ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા લાગ્યા છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓમાં આજે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે. જો તમારે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ તો તમારે કયા વિષયમાં અભ્યાસ કરવો છે, એ નક્કી કરવું જોઈએ. પછી અમેરિકામાં જે સેંકડો યુનિવર્સિટીઓ આવેલી છે એમાંથી તમે જે વિષયમાં ભણવા ઈચ્છો છો એ વિષય શીખવતી બેસ્ટ યુનિવર્સિટીઓ કઈ છે એ જાણી લેવું જોઈએ. આ બેસ્ટ યુનિવર્સિટીઓમાંથી પ્રથમ ત્રણથી ચાર યુનિવર્સિટી, જે એકદમ જ ઉચ્ચ કક્ષાની હોય અને બીજી ત્રણ-ચાર યુનિવર્સિટીઓ, જે મધ્યમ કક્ષાની હોય એમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવી જોઈએ. બની શકે તો આઠથી દસ જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એ દરેક યુનિવર્સિટી અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં આવેલી હોવી જોઈએ. જો બની શકે તો તમારાં અમેરિકામાં રહેતાં સગાંવહાલાં જે સ્ટેટમાં રહેતાં હોય એ સ્ટેટની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું ટાળવું જોઈએ.
- Advertisement -
યુનિવર્સિટીઓની પસંદગી કર્યા બાદ એ યુનિવર્સિટીમાં જે શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે એ અંગ્રેજી ભાષા તમને બરાબર આવડે છે એ દર્શાવી આપવા માટે ‘ટોફેલ’ અને ‘આઈલ્ટસ’ની પરીક્ષા આપવી જોઈએ. ફક્ત આવી કોઈ પરીક્ષા જ આપીને સંતોષ માનવો ન જોઈએ. અંગ્રેજીમાં વાત કરવાની ટેવ પાડવી જોઈએ. આ માટે તમારા મિત્ર યા વડીલ, જેમને અંગ્રેજી ભાષા સારી રીતે આવડતી હોય એમની જોડે રોજ અંગ્રેજીમાં વાતચીત કરવી જોઈએ. અંગ્રેજી ફિલ્મો જોવી જોઈએ. અંગ્રેજી અખબારો રોજ મોટેથી વાંચવાં જોઈએ. જો તમે બેચલર્સનો કોર્સ કરવા અમેરિકાની યુનિવર્સિટીઓમાં જવા ઈચ્છતા હોય તો ‘સેટ’ની પરીક્ષા આપવાની રહેશે. જો માસ્ટર્સનો કોર્સ કરવા જતા હશો તો ‘જીમેટ’ યા ‘જીઆરઈ’ની પરીક્ષા આપવાની રહેશે. અમેરિકાની લગભગ બધી જ યુનિવર્સિટીઓ એવો આગ્રહ સેવે છે કે જે કોઈ પણ પરદેશી વિદ્યાર્થી એમને ત્યાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય એમણે એમની જ યુનિવર્સિટીમાં જ શા માટે ભણવું છે? તેઓ જે વિષયમાં ભણવાની ઈચ્છા ધરાવતા હોય એ વિષય એમણે શા માટે પસંદ કર્યો છે? તેમ જ અત્યાર સુધી એમણે શું કર્યું હતું? ભણી રહ્યા બાદ તેઓ શું કરવા ઈચ્છે છે? આ સઘળું જણાવતો એક ‘નિબંધ’ યા ‘સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ’ લખીને આપવો જોઈએે. અનેક વિદ્યાર્થીઓ આવા નિબંધો યા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ વિઝા ક્ધસલ્ટન્ટો પાસે અથવા તો આવા નિબંધો લખી આપનારા પાસે લખાવે છે. જે પ્રોફેસરો એમના અરજીપત્રકો તપાસતા હોય છે એમને અન્યોએ લખેલ નિબંધ યા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ વિદ્યાર્થીએ જાતે નથી લખ્યા એની જાણ એ વાંચતાં જ થઈ જાય છે. વિદ્યાર્થીઓએ આવા નિબંધો યા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ જાતે લખવા જોઈએ. એ માટે ‘હાઉ ટુ રાઈટ કોલેજ એસે’ કે એવા માર્ગદર્શક પુસ્તકોમાં જે ગાઈન્ડસ આપવામાં આવ્યું હોય એ વાંચીને એનો અમલ તેઓ કરી શકે છે. એમના પ્રોફેસરો પાસે પણ આવા નિબંધો કેમ લખાય, એમાં શું શું લખવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ એ જાણી શકે છે. પણ નિબંધ એમણે જાતે જ લખવો જોઈએ. સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અન્ય કોઈ પાસે હરગીજ લખાવવો ન જોઈએ. આ માટે એમણે તૈયારીઓ ખૂબ વહેલી શરૂ કરી દેવી જોઈએ. આવા નિબંધો ચાર-પાંચ વખત લખવા પડશે, જેથી દરેક વખતે એમાં સુધારા-વધારા કરી શકે. નિબંધ લખો ત્યારે સ્પેલિંગ અને ગ્રામરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નિબંધ યા સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ કેવી રીતે લખવો એ વિશે ‘ખાસ ખબર’ના એક અંકમાં વિગતવાર જાણકારી આપવામાં આવશે. નિબંધ લખાઈ જાય પછી જો બની શકે તો તમારા અંગ્રેજીના પ્રોફેસર યા અંગ્રેજી ભાષાના જાણકાર વ્યક્તિ પાસે એ વંચાવીને, એમાં જે કંઈ સુધારા-વધારા કરવાની જરૂરિયાત રહે એ કરવી જોઈએ. અમેરિકાની યુનિવર્સિટીઓ હવેથી વિદ્યાર્થીઓ એમની ટ્યુશન ફી અને અમેરિકામાં રહેવા-ખાવાનો ખર્ચો કરવા માટે સક્ષમ છે એનો પુરાવાઓ પણ માગે છે. આથી જે કોઈ પણ વ્યક્તિ ફાઈનાન્સ કરતી હોય, જે મોટા ભાગે તો તમારાં માતા-પિતા જ હોય છે એમના ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ, જેમાં પાછલાં પાંચ વર્ષના આઈટી રિટર્ન્સ, એક વર્ષના બેન્ક સ્ટેટમેન્ટ્સ, જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય એની વિગતો, જે જે પ્રોપર્ટી હોય એની વિગતો આપવાની રહે છે. જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે એમનું ‘નેટવર્થ સર્ટિફિકેટ’ તૈયાર કરાવે તો તો એ એક સજ્જડ ફાઈનાન્શિયલ કેપેટિબિલિટીનો પુરાવો બની શકશે.
(વધુ વિગત આવતા અઠવાડિયે…)