અમદાવાદના મકરબામાં નવનિર્મિત બિલ્ડીંગની દિવાલ ધરાશયી થતાં એક યુવકનું મોત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ.
અમદાવાદના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે બિલ્ડીગની દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
વહેલી સવારે 3 વાગ્યે પડી દિવાલ
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા કાટમાળની નીચે એક યુવક દટાયો હતો. જેથી આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જે બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન દરમ્યાન બની ઘટના
ફાયરની ટીમ દ્વારા દટાયેલા યુવકને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખૂબ મહેનત કરવા છતાં ફાયરની ટીમ કાટમાળની નીચે દટાયેલા યુવકને બચાવી શકી ન હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
કાટમાળ ખસેડી મૃતદેહ બહાર કઢાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જૂનાગઢમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં 4ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં 2 માળની જર્જરિત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ 4 વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.