જૂનાગઢ રેન્જ સાયબરે અમદાવાદના વોલિન્ટિયરને ઝડપી પાડયો
ચાર બેંકોને ફ્રીઝ કરેલી રકમ અનફ્રિજ કરવામાં રૂપિયા 73.72 લાખનો ભાંડો ફૂટ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
4 બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલા 73.72 લાખની રકમ અનફ્રીઝ કરવા જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઇમેઈલ આઇડી એકાઉન્ટ હેક કરી અને મેઈલ કરી છેતરપિંડી આચરનાર અમદાવાદથી સાયબર પોલીસે વિશાલ વાળંદ નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઇમેઈલ આઇડીને હેક કરી તેનો લોકિંગ સિસ્ટમ, પાસવર્ડ અને એક્સેસ કંટ્રોલ મેળવી સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી. બી. સિસોદિયા તરીકે ઓળખ આપી આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંકમાં ફ્રીઝ કરાયેલા રૂપિયા 73,72,022 અનફ્રીઝ કરવા ઓફિશિયલ ઇમેઇલ કરી અજાણ્યા શખ્સે ઓનલાઇન છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સાયબર પોલીસ સ્ટેશનના વાયરલેસ પીએસઆઇ એન.એ.જોશી વગેરેને ધ્યાન પર આવતા ગઈ તારીખ 4 મેના રોજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પીઆઈ સી. વી.નાયકે તપાસ હાથ ધરી હતી. એક વર્ષ પહેલા આ મામલે બેંકમાંથી મેઇલ આવ્યો હતો. જેમાં સાયબર પોલીસ દ્વારા જે ઈમેલ આઇડી ઇમેલ મોકલવામાં આવ્યો હતો તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઇમેઇલ બેંકમાં ન મોકલતા મામલો બહાર આવ્યો હતો. તપાસ હાથ ધરતા પોલીસનો સાયબર વોલિન્ટિયર વિશાલ ભાયલાલ વાણંદ પોતાના લેપટોપમાંથી ઇમેઇલ કર્યો હોવાનું ખુલતા તેને અમદાવાદથી ઉઠાવી લઈ વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જયારે વિશાલ વાણંદ અમદાવાદ ખાતેના અલગ અલગ પોલીસ મથકમાં સાયબર ક્રાઇમ માટે મદદ કરતો હતો. પોતે સાયબર એક્સપર્ટ હોવાથી કેવી રીતે છટકી શકાય તે અંગે પણ જાણકાર હતો. જેથી શખ્સે મુંબઈ જઈને એક મજૂરને નિશાન બનાવ્યો હતો અને તેના મોબાઈલ ફોનમાંથી પોતાના લેપટોપમાં વાઇફાઇ કનેક્ટ કરી બેંકોમાં ફ્રીઝ કરાયેલા રૂપિયા 73.72 લાખ અનફ્રીઝ કરવા બેંકોને ઇમેઇલ કર્યા હતા. આ માહિતી મળતા ટેકનિકલ મદદથી મજૂર સુધી પોલીસ પહોંચી હતી અને તેણે વિશાલ વાણંદનું નામ આપતા અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમ સાઇબર પીઆઇ સી. વી. નાયકે જણાવ્યું હતું.