ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્યની નગરપાલિકાઓને “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની બે નગરપાલિકાઓ, વિસાવદર અને વંથલી,એ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિસાવદર નગરપાલિકાએ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓની શ્રેણીમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવીને રૂ. 25 લાખનો ચેક અને શિલ્ડ પ્રાપ્ત કર્યું હતું. આ એવોર્ડ નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી, ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયા, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર મુકેશ વાઘેલા સહિતના મહાનુભાવોએ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત, વંથલી નગરપાલિકાએ પણ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓની શ્રેણીમાં દ્વિતીય ક્રમાંક મેળવી રૂ. 25 લાખનો ચેક અને શિલ્ડ મેળવ્યું હતું. વંથલીના પ્રમુખ રાકેશ ત્રાંબડીયા, ઉપપ્રમુખ હુસેનાબેન સોઢા, ચીફ ઓફિસર રામજી ધોળકીયા, અને અન્ય અધિકારીઓએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ સિદ્ધિ જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવેલી સખત મહેનત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વિસાવદરને પ્રથમ ક્રમાંક અને વંથલીને દ્વિતિય ક્રમાંક સાથે “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત
