ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
14મી સદી ભારતનો સુવર્ણકાળ હતો. ભારતના મરીમસાલા અને સિલ્કના કાપડની યુરોપ અને ઈંગ્લેન્ડમાં ખૂબ જ માંગ હતી. એ માંગને પહોંચી વળવા સ્પેનનો ક્રિસ્ટોફર કોલંબસ 1492માં ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો. કોલંબસને એવું જ લાગ્યું કે એણે ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજયો છે. આથી એણે ત્યાં વસતા લોકો જેમની ચામડીનો રંગ ભૂખરો હતો એમને રેડ ઈન્ડિયન એવું નામ આપ્યું. યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોને જેવી જાણ થઈ કે કોલંબસે એક નવો દેશ ખોજયો છે જે ખૂબ જ વિશાળ છે. ખેતીવાડી માટે ત્યાં અફાટ જમીનો છે. એટલે રાજા અને ધર્મગુરુઓના ત્રાસથી કંટાળેલા, યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોએ અમેરિકા ભણી દોટ મૂકી. શરૂઆતમાં રેડ ઈન્ડિયનોએ એનો વિરોધ કર્યો પણ આ લોકોની બંદૂક સામે રેડ ઈન્ડિયનોના તીર-કામઠા કામ ન આવ્યા. ધીરે ધીરે ત્યાંની વસતિ વધતી ગઈ. એટલે ત્યાં જઈને વસેલા લોકોએ વિચાર્યું કે જો આમને આમ બધા લોકોને આવવા દઈશું તો એ લોકો આપણી સંપત્તિમાં ભાગ પડાવશે. એ લોકોએ એટલે સ્થળાંતરનો કુદરતી નિયમ પુશ એન્ડ પુલને વેગળો મૂક્યો અને થિયરી ઓફ લેજીસ્ટ્રેટિવ રિસ્ટ્રેન્ટ અપનાવી. સૌ પ્રથમ જે કોઈ પણ પરદેશીને અમેરિકામાં પ્રવેશવું હોય એની પાસે ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ. ત્યારબાદ જે લોકો ગુનેગાર હોય, ચેપી રોગ ધરાવતા હોય આવા-આવા લોકોને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી લાદી. પછી હેડ ટેક્સ નાખ્યો. અમેરિકામાં આવવું હોય તો પચાસ સેન્ટ આપવા પડશે. આજે પણ વિઝાના પ્રોસેસિંગ ફીના રૂપમાં એ વસૂલ કરવામાં આવે છે. કેલિફોર્નિયામાં સોનાની ખાણો જડી ચીનમાંથી સેંકડો લોકો એ ખાણોમાં કામ કરવા આવ્યા. આથી એમણે ધ ચાઈનીઝ ઈન્સ્ક્લુઝન એક્ટ 1882માં ઘડ્યો. જાપાનીઝ લોકો સસ્તા દરે અમેરિકામાં કામ કરવા આવવા લાગ્યા.
- Advertisement -
એમણે જાપાનની સરકાર જોડે જેન્ટલમેન્ટ્સ એગ્રીમેન્ટ કર્યા. અને એવું ઠરાવવામાં આવ્યું કે જે કોઈ પણ જાપાનીઝ અમેરિકામાં કામ કરવા ચાહે એને જાપાનની સરકારે પાસપોર્ટ જ આપવો નહીં. એક પછી એક અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે કાયદાઓ ઘડાયા. 1952માં ઘડવામાં આવેલા ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા. જેમને ટૂંક સમય માટે જવું હોય એમના માટે અનેક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. ફરવા જવું હોય તો બી-2 વિઝા, બિઝનેસ માટે જવું હોય તો બી-1 વિઝા, ભણવા જવું હોય તો એફ-1 કે એમ-1 વિઝા, નોકરી કરવા જવું હોય તો એચ-1બી વિઝા, બિઝનેસ કરવો હોય તો એલ-1 વિઝા, ધર્મનો પ્રચાર કરવો હોય તો આર-1 વિઝા, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા જવું હોય તો પી-3 વિઝા, અખબારના પ્રતિનિધિ તરીકે જવા ઈચ્છતા હો તો આઈ વિઝા, તમે ખૂબ જ હોશિયાર હો તો ઓ-1 વિઝા, તમારે અમેરિકન સિટીઝન જોડે અમેરિકામાં લગ્ન કરવા હોય તો કે-1 વિઝા ઘડવામાં આવ્યા. મોટાભાગના નોન ઈમિગ્રન્ટ વિઝા તમારા દેશમાં જ માગી શકો. અમુક વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે. અમુક વિઝા વાર્ષિક કોટાના બંધનોથી સીમિત છે. જો અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવા પડે. ઈમિગ્રન્ટ વિઝા જુદી-જુદી રીતે મેળવી શકાય. સંતાનો અમેરિકન સિટીઝન હોય તો તેઓ માબાપ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે. પરદેશી પત્ની યા પતિ માટે પણ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે. ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઈમિગ્રન્ટ વિઝાના પિટિશનો દાખલ કરી શકાય અને ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરીઓ પણ છે. વર્ષ 1990માં આ ચાર એમ્પ્લોયમેન્ટ્સ બેઝ પ્રેફરન્સ કેટેગરીમાં એક પાંચમી એમ્પ્લોયમેન્ટ બેઝ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી જેને આપણે સૌ ઈબી-5 તરીકે ઓળખીએ છીએ એ દાખલ કરવામાં આવી. અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ઈમિગ્રન્ટ વિઝા લોટરી દ્વારા આપે છે. અમેરિકાની મિલેટરીમાં ભરતી થાઓ તોપણ તમને ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. રાજકીય આશરો માગીને, અસાઈલમ માગીને કે રેફ્યુઝી સ્ટેટ્સ મેળવીને ઈમિગ્રન્ટ વિઝા મેળવી શકો છો. આ ઉપરાંત આ કાયદામાં અમુક છૂટછાટો પણ આપી છે.
તમે અરજી કરીને તમારો રહેવાનો સમય લંબાવી શકો છે. આને ‘એક્સટેન્શન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. એક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો અને બીજા પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર જે કામ કરી શકાય એ કરવાની જરૂરિયાત ઊભી થાય તો તમે ચેન્જ ઓફ સ્ટેટ્સની અરજી નોન ઈમિગ્રન્ટમાંથી ઈમિગ્રન્ટ વિઝા મેળવવા ચાહતા હો તો એડ્જેસ્ટમેન્ટ ઓફ સ્ટેટ્સની અરજી કરી શકો છો. કંઈ ખોટું કર્યું હોય અને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી હોય તો વેવરની અરજી કરીને એ અવરોધ દૂર કરી શકો છો. તમારું સંતાન ડિપેન્ડડેડ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા ઈચ્છતું હોય પણ એની ઉંમર 21 વર્ષથી વધી જાય તો ચાઇલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ હેઠળ જે દિવસે તમારું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ એપૃવ થાય એટલો સમય એ બાળકની ઉંમરમાંથી બાદ મળી શકે છે.કોઈએ જો ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ પ્રોસેસ થઈને એપૃવ થઈ ગયું હોય પણ એની હેઠળ વિઝા મળ્યા ન હોય અને એ દરમિયાન પિટિશનરનું મૃત્યુ થાય તો એ પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. આવા સંજોગોમાં સબસ્ટિટ્યુશનની અરજી કરીને અન્ય કોઈ વ્યક્તિને એ મૃત પિટિશનરની જગા અપાવીને એ પિટિશન સજીવન કરાવી શકો છો. તમે અમેરિકા જવાનો વિચાર કરતા હો, ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે તો તમે કયા વિઝા મેળવવાને લાયક છો? અને એ વિઝા કેવી રીતે મેળવી શકાય? એ મેળવવા માટે શું શું લાયકાતો હોવી જોઈએ? પિટિશન દાખલ કરવું પડે કે તમારા દેશમાં સીધી અરજી કરી શકાય? કોટાના બંધનો છે? ઈન્ટરવ્યુમાં તમને શું પૂછાવમાં આવશે? કેવા જવાબોની અપેક્ષા રાખવામાં આવે છે? આ સઘળું અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટ પાસેથી જાણી લેવું જોઈએ, જેથી તમને વિઝા મેળવવામાં તકલીફ ન પડે.