ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી જઇ ઘેરાવ કર્યો, આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું દૂષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ખાસ કરીને હળવદ, વાંકાનેર અને ટંકારા પંથકમાં ખનીજ માફિયા બેફામ બની ગયા છે. નદી વિસ્તારમાં ભુમાફિયાઓ પથ્થર ચોરી, રેતી ચોરી કરતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જમીનમાંથી માટીની આડેધડ ચોરી થઈ રહી છે. ગામડાના લોકો ખાણ ખનીજ વિભાગ હોય કે મામલતદાર ,ડીડીઓ ક્લેક્ટર ઠેર ઠેર રજૂઆત કરી કરીને થાકી ગયા છે પરંતુ અધિકારીઓના બહેરા કાન લોકોની સમસ્યા સાંભળવા જ તૈયાર ન હોય તેમ લાગે છે. ખાણ ખનીજ વિભાગ તો ખુદ ગ્રામજનોને જ ખનીજ ચોરી કરતા ટ્રક પકડવા અને બાદમાં તેઓને જાણ કરવાની સૂચના આપતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું ખનીજ ચોરી અટકાવવાની જવાબદારી ગામડાના લોકોની છે? અધિકારીઓ શું ખાલી એસી ઓફીસમાં બેસવા અને સરકારનો પગાર લેવા આવે છે?
- Advertisement -
ટંકારાના સજનપર જલેશ્વર વચ્ચેના રોડ પર ગામતડ જમીનમાં ખનીજ ચોરો દ્વારા આડેધડ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. દિવસ રાત ઓવર લોડ દોડતા ટ્રકના કારણે રોડ રસ્તાની હાલત દયનીય બની છે.અવારનવાર રોડનું રીપેરીંગ કામ કરવામાં આવતું હોય છે પરંતુ ઓવરલોડ ટ્રક ના કારણે રસ્તા તૂટી જતા હોય છે. જેનાં કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે ગામના સરપંચ, આગેવાનો તેમજ ગ્રામજનો ક્લેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા. કચેરીનો ઘેરાવ કરી ખનીજ ચોરી કરતા તત્વો, ખાણ ખનીજ વિભાગ વગેરે વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક તેમના ગામમાં ચેકિંગ માટે ટીમ મોકલવા અને અને જ્યાં ચોરી થઈ છે તેનો સર્વે કરાવાય તેમજ ખનીજ ચોરી કરતા તત્વોને પકડી તેમના વિરુધ્ધ ફરિયાદ નોંધવા અને જેટલી રકમની ચોરી કરી છે તેની રોયલ્ટી અને દંડ ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે. જો વહેલી તકે ખનીજ ચોરી બંધ નહીં કરાવાય તો જનતા રેડ પાડવામાં આવશે અને પછી જે કંઇ થાય તેની જવાબદારી તંત્રની જ રહેશે.