ગામનાં સરપંચે દારૂ ઉતારનાર અને પીનાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો
જૂનાગઢ જિલ્લામાં દારૂબંધી છે?: દારૂબંધી હોય તો ઢોલ કેમ પીટાવવો પડ્યો?
દારૂનાં વ્યસનનાં કારણે ગામમાં અનેક યુવાનનાં મોત, મહિલાઓે વિધવા બની
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજયમાં દારૂબંધી છે, કેવી દારૂબંધી છે તેનાં કિસ્સાઓ સામે આવતા રહે છે. જૂનાગઢ જિલ્લામાં દારૂબંધી કેટલી અસરકારક છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. ભેંસાણ તાલુકાનાં પસવાળા ગામમાં બેફામ દારૂનું પીવાઇ રહ્યો છે. ગામમાં યુવાનો દારૂનાં રવાડે ચડી ગયા છે. દારૂનાં દૈત્યમાં અનેક યુવાનો હોમાઇ ગયા છે. નાની ઉંમરમાં મહિલાઓ વિધવા બની ગઇ છે. નાના બાળકો સાથે મહિલાઓ વિધવા બનતા બાળકો નોધાર બન્યાં છે અને નાની ઉંમરે કામે જવા લાગ્યા છે.
પોલીસ દ્વારા નકકર કામગીરી ન થતા ગામનાં સરપંચ જયસિંહભાઇ ભાટીએ ગામમાં ઢોલ પીટાવ્યો છે અને ગામમાં દારૂ ઉતારવા અને પીવા પર પ્રતિબંધ મુક્યો છે. ગામની કોઇ પણ વ્યકિત દારૂ ઉતારે કે પી તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિલય મિડીયા પર ઢોલીનો વિડીયો વાયરલ થયા બાદ ભેંસાણનું પસવાળા ગામ ચર્ચામાં આવી ગયું છે અને જૂનાગઢ જિલ્લામાં દારૂબંધી કેટલી અસરકારક છે તેની પોલ ખુલી ગઇ છે.ગામનાં સરપંચ જયસિંહભાઇ ભાટીએ કહ્યું હતું કે, ગામની અંદર દારૂની પ્રવૃત્તિ બહુ જ પ્રમાણમાં વધી ગઈ હતી. દારૂ પીવાવાળા અને દારૂ ઉતારવાવાળા વધી ગયા છે. ગામની છાપ મીની દીવ તરીકે પડી ગઈ હતી. નાની ઉંમરના યુવાનો દારૂને કારણે મૃત્યુ પામવા માંડ્યા હતા, જેથી તેમના ઘર પરિવાર કે તેની પાછળની વ્યક્તિઓને હેરાનગતિ અને પરેશાની થતી હતી. તેમજ દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી રહ્યો હતો. આ બધા કારણોસર ગામમાં દારૂબંધીનો ઢોલ પીટવામાં આવ્યો હતો.
- Advertisement -
ગામમાં બે જ વ્યક્તિ સરકારી નોકરી કરે છે
સરપંચે જયસિંહભાઇ ભાટીએ જણાવ્યું હતું કે, દારૂનાં કારણે શિક્ષણનું સ્તર નીચે જતુ રહ્યું છે. વર્ષ 2017-18માં બે વ્યકિતને સરકારી નોકરી મળી હતી. ફરી દારૂનું પ્રમાણ વધાતા શિક્ષણ શુન્ય થઇ ગયું છે. ગામમાં વિકાસ થયો નથી. રસ્તા પણ સારા નથી.
મારા બે ભત્રીજાને દારૂ ભરખી ગયો
ગામનાં રાવતભાઇએ કહ્યું હતું કે, દારૂ બંધ થઈ ગયો તે સારું થયું, દારૂનાં કારણે મારા બે ભત્રીજાનાં મોત થયા છે. અન્ય એક છોકરો સોનગઢ તરફ નોકરી કરતાં અકસ્માતમાં મરી ગયો હતો. એના હાડકાં ભેગા કરીને લઈને આવ્યા હતા, તે પણ દારૂમાં જ ગયો. 22-23 વર્ષની ઉંમરનો હતો. એને બે નાના બાળકો છે. આ ઉપરાંત ગામનાં હંસાબેને કહ્યું હતું કે, સરપંચે ગામમાં દારૂ બંધ કરાવ્યો તે સારુ કર્યું. મારી બાજુનાં ઘરમાં બે વિધવા સાથે રહે છે. મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે.
પોલીસને અરજી બાદ કાર્યવાહી
સરપંચ જયસિંહભાઇ ભાટીએ કહ્યું હતું કે, ભેંસાણ તાલુકા પોલીસ અને એસપીને રજુઆત કરી હતી. બાદ ગઇકાલે પોલીસ આવી હતી. ગામમાં આવી વાડીએથી આવતા લોકોનાં વાહનનાં કાગળ ચેક કરતા હતાં. બાદ બે – ત્રણ દારૂ પીધેલા જણાતા તેને ઝડપી લેવાયા હતા. પરંતુ દારૂ ઉતારનાર સામે કોઇ જ કાર્યવાહી કરી નથી. તેમજ ચાર ગામનાં લોકોને પોલીસને રજુઆત કરી છે.
- Advertisement -
સરપંચ માત્ર 3 ચોપડી ભણેલા પણ શિક્ષણની ચિંતા
પસવાળા ગામનાં સરપંચ જયસિંહભાઇ ભાટી માત્ર 3 ધોરણ ભણેલા છે. પરંતુ ગામનાં શિક્ષણને લઇને ભારે ચિંતીત છે. તેમનું માનવું છે કે, શિક્ષણ જ બાળકો અને ગામનું ભવિષ્ય બનાવી શકશે. તેમને સરપંચ બન્યાને છ મહિના થયા છે અને તેઓ ગામમાં બાળકો માટે રાત્રી શાળા પણ ચલાવે છે.



