પુજીત રૂપાણી ટ્રસ્ટનાં ટીચર્સ જે કામ ચાર-પાંચ હજારમાં કરી આપતાં હતાં એ કામ બિલ્ડરની સંસ્થાને ટીચર દીઠ 14-15 હજારમાં અપાયું…
સસ્તામાં સારું કામ થતું હતું તો પણ ચારગણા પૈસા શા માટે અપાયા?: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લાગેલા ભ્રષ્ટાચારનાં વાયરસનો કોઈ ઈલાજ નથી
- Advertisement -
માર્ચમાં વેકેશન હતું તો પણ માર્ચથી જ પગાર આપવાની પુજારાની જીદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આકાશમાં જેટલા તારાઓ છે તેટલા કૌભાંડોની ભરમાર છે. ચેરમેન વિક્રમ પુજારા આર્થિક લાભ ખાટવા-ખટાવવા માટે કૌભાંડ-ભ્રષ્ટાચાર ગમે ત્યાંથી શોધી કાઢે છે. હાલમાં જ ચેરમેન વિક્રમ પુજારાએ ગેરકાયદે 30થી વધુ કોમ્પ્યુટર ટીચરની ભરતી કરી દીધાનું બહાર આવ્યું છે.
શિક્ષણ સમિતિના સભ્યોમાં ચર્ચા ચાલી રહી છે કે, ચેરમેન વિક્રમ પુજારાએ પોતાના ગજવા ભરવા સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાના બહાના હેઠળ સ્ટેન્ડિંગ કમિટી કે જનરલ બોર્ડની મંજૂરી મેળવ્યા વિના અઢી ડઝન ટીચરો રાખી લીધા છે. એક ખાનગી સંસ્થાની મદદ વડે 30થી વધુ કોમ્પ્યુટર ટીચરની નિમણૂક કરવા પાછળ વિદ્યાર્થીઓનું નહીં પરંતુ ચેરમેન વિક્રમ પુજારાનું વ્યક્તિગત હિત હોવાનું કહેવાઈ રહ્યું છે.
- Advertisement -
કોમ્પ્યુટરના એક ટીચરનો પગાર 13થી 15 હજાર સુધી નક્કી કરવામાં આવ્યો છે. આથી મનપા ઉપર માસિક લાખો રૂપિયાના ખર્ચનો ભાર આવશે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, શું શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા સ્ટેન્ડિંગ કમિટીથી પણ ઉપર આવે છે? શિક્ષણ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર કોમ્પ્યુટર ટીચર જે ખાનગી સંસ્થા સાથે કરાર કરી લેવામાં આવ્યા છે તે સંસ્થા એક જાણીતાં બિલ્ડરની છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યા મૂજબ અગાઉ પણ આ પ્રકારના કોમ્પ્યુટર ટીચર રાખવાના પ્રોજેક્ટો ચાલુ હતા, જે પ્રોજેક્ટનું કામ પૂજીત રૂપાણી ટ્રસ્ટ સંભાળતું હતું પરંતુ તે ટીચરની માસિક માત્ર 4થી 5 હજાર પગારમાં નિમણૂંક કરવામાં આવતી હતી. હવે ચેરમેન વિક્રમ પુજારાએ કોઈને જાણ કર્યા કે કહ્યા વિના એક બિલ્ડરની સંસ્થામાંથી ટીચરની નિમણૂંક કરવામાં આવી અને પુજીત રૂપાણી ટ્રસ્ટ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાખવામાં આવ્યો. એક સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ તોડવામાં અને નવી સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ આપવામાં ચેરમેન વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધી હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના સભ્યો જ કરી રહ્યા છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ માટે તપાસ કરતા શિક્ષણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માર્ચ 2025થી ચાલુ કરવામાં આવ્યો છે અને તરત એક મહિનામાં જ સ્કૂલમાં વેકેશન પડી ગયું હતું તો પણ ચેરમેન વિક્રમ પૂજારા દ્વારા માર્ચ 2025થી દરેક મહિનાનો પગાર સંસ્થાને ચૂકવવામાં આવે તેવો આગ્રહ છે. તેથી સમજી શકાય કે, પગારની વધુ જરૂર કોને છે. આ સાથે જ જો શિક્ષણ સમિતિના એકાઉન્ટ વિભાગનું ઓડિટ કરવામાં આવે કે સામાન્ય કોન્ટ્રાક્ટ-પ્રોજેકટમાં કાગળ તપાસવામાં આવે તો પણ ચેરમેન વિક્રમ પુજારાના કાર્યકાળમાં થયેલા મોટા કૌભાંડ-ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. કારણ કે, ચેરમેન વિક્રમ પુજારા તમામ નીતિનિયમ નેવે મૂકી એકાઉન્ટ વિભાગનો ઉપયોગ પોતાના ઘરની તિજોરીની જેમ કરી રહ્યા છે એવું કહેવાય છે.