વિડીયોગ્રાફી પાછળ 3 લાખનો તોતિંગ ખર્ચ
કોર્પોરેશન સંચાલિત બબ્બે ઑડિટોરિયમ ન દેખાયા, આલ્ફ્રેડ હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં આયોજન કરી ખર્ચ વધાર્યો
- Advertisement -
અગાઉ જે બિલ પાસ થયું ન હતું તે શાસનાધિકારી આરદેશણાએ પ્રેમથી પાસ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉજવાયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 25-30 લાખની ગ્રાન્ટનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, વગર ટેન્ડરે લાખોના બીલની બારોબાર મંજૂરી આપી ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. એવું કહેવાઈ છે કે, શિક્ષણ સમિતિના એકાઉન્ટને પોતાનું વ્યક્તિગત એકાઉન્ટ સમજી બેઠેલા ચેરમેન વિક્રમ પુજારાએ સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે લાખોની કટકી કરી છે જેમાં તેઓને હાલમાં જ ઈન્ચાર્જ શાસનાધિકારી બનેલા નરેન્દ્ર આરદેશણાનો ભરપૂર સાથ-સહકાર મળ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. પૂર્વ ચેરમેન દ્વારા પૈસાનો ખોટો ખર્ચ ન થાય તે હેતુથી આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શહેરના પ્રમુખ સ્વામી ઓડિટરીયમ કે અટલ બિહારી વાજપેયી હોલ જેવા અદ્યતન સ્થળોએ કરવામાં આવતું હતું. જેથી મંડપ, લાઈટ, સાઉન્ડ વગેરે જેવા મોટા ખર્ચ બચી જાય. જોકે આવું કરવા જાય તો પૈસાની કટકી ન થઈ શકે તેથી વર્તમાન ચેરમેન વિક્રમ પુજરાએ નવો કીમિયો શોધી કાઢ્યો હતો.
ચેરમેન વિક્રમ પુજારાએ સૌપ્રથમ તો સ્પેશિયલ કેસમાં ગાંધીનગરથી મંજૂરી મેળવી મહાત્મા ગાંધી મ્યુઝિયમના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ખુલ્લા મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન માટે 10થી 12 લાખનો ખર્ચ થયો હતો. મંડપ, લાઈટ, સાઉન્ડ વગેરે પાછળ ઉડાવી લાખો રૂપિયા ખર્ચી તેમાંથી તગડું કમિશન કટકટાવ્યા બાદ એટલેથી ન અટકતા માત્ર વીડિયોગ્રાફિ પાછળ જ 3 લાખથી વધુનો ખર્ચ કરી તેમાંથી પણ મસમોટી મલાઈ તારવી લીધી હોવાનું કહેવાય છે.
આ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો માટે દરેક શાળાના કોસ્ચ્યુમ પણ ચેરમેન વિક્રમ પુજારાના અંગત માણસ પાસેથી વગર ટેન્ડરે લેવામાં આવેલા હતા, જેનો ખર્ચ સ્કૂલમાં પૈસા ચૂકવી કટકા કરવામાં આવ્યા છે. આમ આખા કાર્યક્રમમાં થયેલ ખર્ચ જોવામાં આવે તો એક કાર્યક્રમ પાછળ 25થી 30 લાખનો જંગી ધુમાડો કરવામાં આવ્યો છે. જે હાલ શિક્ષણ સમિતિના સભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ કાર્યક્રમ તત્કાલીન શાસનાધિકારી કિરીટ પરમારના સમયમાં કરવામાં આવ્યો હતો. એ સમયે ચેરમેન વિક્રમ પુજરાએ રાજકીય દબાણ લાવી કિરીટ પરમારને બીલ પાસ કરવા કહ્યું હતું પરંતુ કિરીટ પરમારે વિક્રમ પુજારા પાસે કમિશનમાં ભાગ માગતા બધા બીલ પેન્ડિંગ રખાયા હતા. એવામાં પ્રમાણિક અધિકારીનો ઢોંગ કરતા નરેન્દ્ર આરદેશણાને શાસનાધિકારીનો ચાર્જ સોંપાયો હતો અને તેઓએ વિક્રમ પુજારાના કહેવા અનુસાર લાખો રૂપિયાના બીલો રાતોરાત મંજૂર કરી દીધા હતા. અત્રે ખાસ નોંધનીય છે કે, અન્ય કામ કરવા આરદેશણા નિયમ અને નીતિમત્તાની સૂફિયાણી વાતો કરતા હોય છે પરંતુ ચેરમેન વિક્રમ પુજરાએ કમિશનની ભાગબટાઈમાં સાથે રાખતા ઈન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા તમામ નીતિ-નિયમ નેવે મૂકી લાખોના બીલ પાસ કરી આપ્યા હતા. તેથી શિક્ષણ સમિતિના સભ્યોથી લઈ સૌ કોઈમાં આશ્ચર્ય ઉભું થયું છે અને અંદરખાને એકબીજા પર કમિશન કટકટાવવાના આક્ષેપ થઈ રહ્યા છે.