9 મેગાવોટના 50 કરોડના નવા પ્રોજેકટ માટે કરાર થશે: 12 મેગા વોટ માટે 70 કરોડનો પ્રોજેકટ, 120 કરોડના રોકાણની આશા
સમજૂતી કરાર પછી એક જ વર્ષમાં આ પ્લાન્ટ શરૂ કરી દેવાનું અમારૂં આયોજન: મનીષ માદેકા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 10 જાન્યુઆરીએ પ્રારંભ કરાવ્યો છે. આ સાથે વિવિધ ક્ષેત્રોમાં નવા ઉદ્યોગો-એકમો સ્થાપીને દેશની વિકાસ યાત્રાને વેગ આપવા ઉદ્યોગપતિઓ પણ તત્પર છે. આ વખતની સમિટમાં રીન્યુએબલ એનર્જી પર ભાર મુકાઈ રહ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌર ઊર્જા ઉત્પાદન માટે વિશેષ પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે રાજકોટમાંથી રોલેક્સ રિંગ્સ કંપની નવા સોલાર પાવર પ્લાન્ટ માટે સમજૂતી કરાર કરવા જઈ રહ્યો છે. આ અંગે રોલેક્સ રિંગ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ માદેકાએ જણાવ્યું હતું કે, આ સમિટમાં નવ મેગા વોટના નવા સોલાર પાવર પ્લાન્ટ માટે રૂપિયા 50 કરોડના સમજૂતી કરાર કરવા જઈ રહ્યા છીએ. આ સાથે 12 મેગા વોટના આશરે રૂપિયા 70 કરોડના અન્ય એક સોલાર પાવર પ્લાન્ટનું કામ પણ ગતિમાં છે. આમ સોલાર પાવર પ્લાન્ટ ક્ષેત્રે આશરે રૂપિયા 120 કરોડનું રોકાણની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. સમજૂતી કરાર પછી આગામી એક જ વર્ષમાં આ પ્લાન્ટ શરૂ કરી દેવાનું અમારૂં આયોજન છે. આ પ્લાન્ટ માટે જમીન પણ નક્કી કરી રાખવામાં આવી છે. જેમાં નવ મેગાવોટનો નવો પ્લાન્ટ સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીયા ખાતે શરૂ કરવામાં આવશે. જ્યારે 12 મેગાવોટનો પ્લાન્ટ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સોમાસર ખાતે શરૂ કરવામાં આવશે. નવ મેગા વોટના સોલાર પ્લાન્ટમાંથી મહિને આશરે 15 લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદન જ્યારે 12 મેગા વોટના પ્લાન્ટમાંથી 19.20 લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદનનો અંદાજ છે. બંને પ્લાન્ટમાં મહિને આશરે 34 લાખ યુનિટથી વધુ ક્લીન એન્ડ ગ્રીન એનર્જી ઉત્પાદનનું આયોજન છે. આ વાઈબ્રન્ટ સમિટમાં જ આ એમ.ઓ.યુ. સાઈન થઈ જશે અને વર્ષમાં આ બંને પ્લાન્ટ કાર્યાન્વિત કરી દેવાની તૈયારીઓ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારરાજ્યમાંબિનપરંપરાગત ઊર્જા સ્રોતના માધ્યમથી વિદ્યુત ઉત્પાદનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ માટે ગુજરાત સરકારે દેશમાં સૌ પ્રથમ કહી શકાય તેવી ‘ગુજરાત સોલાર પાવર પોલિસી 2021’ જાહેર કરેલી છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓક્ટોબર-23માં ‘ગુજરાત રીન્યુએબલ એનર્જી પોલિસી 2023’ જાહેર કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2030 સુધીમાં ગુજરાતમાં વીજ ઉત્પાદનનો 50 ટકા હિસ્સો રીન્યુએબલ એનર્જીમાંથી મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રિડ ટેકનોલોજી પર આધારિત રીન્યુએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રીન્યુએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેતી આગવી પોલિસી છે.