વાહનોનાં પ્રકારના બદલે હવે ટ્રાફિક-રોડની પહોળાઈ મુજબ નિયમ
ગુજરાત સરકારે ચક્રો ગતિમાન કર્યા : ટ્રાફિક ધરાવતા માર્ગો પર 30 કીમી તથા પહોળા રસ્તા પર 45થી 60 કીમીની ગતિ મર્યાદા નકકી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
રાજકોટ સહિત ગુજરાતનાં શહેરોમાં બેફામ ટ્રાફીક વચ્ચે મારધાડ આડેધડ ઝડપે દોડતા વાહનોની ગતિને નિયંત્રીત કરવા સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. જે અંતર્ગત શહેરોમાં વાહનોની ગતિ મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે.સાંકડા-ભરચકક માર્ગો પર સ્પીડલીમીટ 30 કીમીની નકકી થશે.જયારે મોટા માર્ગો માટે 45 થી 60 કીમીની મર્યાદા બાંધવામાં આવશે.
ગુજરાતમાં વધતા વાહનો વચ્ચે માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં રાજયમાં 75738 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે તે હકીકતને ધ્યાને રાખીને સ્પીડ લીમીટ નિર્ધારીત કરવાનો વ્યુહ નકકી કરવામાં આવ્યો છે.
2013 થી 2022 સુધીનાં દસ વર્ષમાં સૌથી જીવલેણ રાજયોમાં ગુજરાતનો 8 મો ક્રમ હતો.અકસ્માતો ઘટાડવા માટે ભલામણો સુચવવા ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સનુંલ ગઠન કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા કરાયેલી કેટલીક ભલામણ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. શહેરી માર્ગોની સુરક્ષા માટે જીડીસીઆરમાં બદલાવ શરૂ કરવામાં આવ્યો છે. રસ્તાની પહોળાઈ ટ્રાફીકનાં પ્રમાણ જેવા પાસાઓનાં આધારે ગતિ મર્યાદા નકકી કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લે 2022 માં વાહનોનાં પ્રકારના આધારે ગતિ મર્યાદા નકકી કરવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં કારની સ્પીડ 70 કીમીની નકકી થઈ હતી. 100 સીસીનાં બાઈક માટે 60 કીમી તથા 100 સીસીથી નીચેનાં બાઈક માટે 50 કીમીની સ્પીડ લીમીટ નકકી કરાઈ હતી.
એકસપ્રેસ વે પર કાર માટે ગતિ મર્યાદા 100 કીમી ફોર કે વધુ લેનનાં હાઈવે પર 100 કીમી તથા સ્ટેટ હાઈવે પર ગતિ મર્યાદા નકકી થઈ હતી.શહેરી વિકાસ મંત્રાલયનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે અકસ્માત માર્ગ સુરક્ષામાં વાહનોની સ્પીડ લીમીટ મોટો ભાગ ભજવે છે.
આડેધડ ગતિએ દોડતા વાહનોને કારણે ગંભીર અકસ્માતનું જોખમ વધે છે.80 કીમીની ઝડપે દોડતા વાહનને અકસ્માત થાય તો 30 કીમીની સ્પીડની સરખામણીએ મોતનું જોખમ 60 ગણુ વધી જાય છે.
સ્પીડ લીમીટના આંતર રાષ્ટ્રીય મોડલમાં વધુ ટ્રાફિક ધરાવતા તથા રહેણાંક ઝોનમાં 30 કીમીની ગતિ મર્યાદા છે. ગુજરાતનાં શહેરોમાં પણ આજ ધોરણે સ્પીડ લીમીટ બાંધવા કમીટીએ ભલામણ કરી છે. પહોળા માર્ગ તથા હાઈવે પર વધુ સ્પીડની છુટ આપવા છતાં સલામતી પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. શહેરી વિસ્તારોનાં રસ્તા, જમીન ઉપયોગનાં પ્રકાર સહિતના પાસાને લક્ષ્યમાં રખાશે. વધુ સ્પીડની છુટ હોય ત્યાં પણ રાહદારીઓ માટે સુરક્ષાનાં પાસા ધ્યાને રખાશે. તમામ શહેરો માટે સ્પીડ લીમીટના નિયમો લાગુ કરાતા પૂર્વે તેની સંભવીત અસરોની ધનિષ્ટ ચકાસણી-સમીક્ષા કરવામાં આવશે.