-ડીસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં શાકાહારી થાળી 6 ટકા સસ્તી થઇ
મોંઘવારી-ફુગાવો કાબૂમાં હોવાના તથા ભાવવધારાને રોકવા શ્રેણીબધ્ધ-અસરકારક પગલા લેવાયાના સરકારના દાવા વચ્ચે દેશમાં છેલ્લા એક વર્ષમાં ભોજનની શાકાહારી થાળી પાંચ ટકા મોંઘી થઇ છે. જો કે માંસાહારી થાળી 13 ટકા સસ્તી થઇ છે.
- Advertisement -
રેટીંગ એજન્સી ક્રીસીલના ‘રોટી-રાઇસ રેટ’ રીપોર્ટમાં એમ કહેવાયું છે કે શાકાહારી થાળીમાં રોટી, ડુંગળી, ટમેટા, બટેટા, દાણ-ભાત, દહીં તથા દાળનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે શાકાહારી થાળીની સરેરાશ કિંમત રૂા.28 રહી છે. જે ગત વર્ષના જાન્યુઆરીમાં રૂા.26.6 હતી. બીજી તરફ નોનવેજ થાળીની કિંમત ગત વર્ષના રૂા.59.9 થી ઘટીને રૂા.52 થઇ છે.
રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે શાકાહારી થાળી મોંઘી થવા પાછળનું કારણ ડુંગળી તથા ટમેટાનો ભાવવધારો હતો. જેની કિંમતમાં ગત વર્ષે અનુક્રમે 20 તથા 35 ટકાનો વધારો થયો હતો. આ સિવાય ગત વર્ષે ચોખા તથા કઠોળની કિંમતમાં પણ અનુક્રમે 14 અને 21 ટકાનો ભાવવધારો થયો હતો.
શાકાહારી થાળીની કિંમતમાં ભાવવધારાનો અર્થ એવો થાય છે કે છેલ્લા એક વર્ષમાં ખાદ્યચીજોનો ફુગાવો પ્રમાણમાં ઉંચો જ છે. જાન્યુઆરી-2023માં છૂટક ફુગાવો 6.52 ટકા હતો. ખાદ્ય ફુગાવો 5.94 ટકા હતા. ચાલુ વર્ષનો આંક આવતા સપ્તાહે રજુ થવાનો છે. ગત ડીસેમ્બરમાં રીટેઇલ ફુગાવો 5.69 ટકા હતો અને ખાદ્ય ફુગાવો 9.52 ટકા હતો.
- Advertisement -
રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ડીસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં શાકાહારી થાળીની સરેરાશ કિંમત 6 ટકા ઘટી છે જ્યારે નોનવેજ થાળીની કિંમત 8 ટકા ઘટી છે. આ પાછળનું કારણ ડુંગળીમાં 26 ટકા તથા ટમેટામાં 16 ટકાના ભાવ ઘટાડાનું છે.