કરોડોની ગેરકાયદે મિલકત અડિખમ ઉભી છે એ RMCની બેધારી નીતિનો પુરાવો છે…
શા માટે દરેક વેપારીને આવું ઍફિડેવિટ કરીને સીલ ખોલાવવાની મંજૂરી ન મળી?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સનાં પ્રમુખ પોતાનાં ગેરકાયદે બાંધકામ ધરાવતાં શૉ-રૂમ મુદ્દે સંપૂર્ણત: ફસાઈ ચૂક્યાં હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજકોટનાં સૌથી મોંઘા વિસ્તાર એવાં ડૉ. યજ્ઞિક રોડ (ભીલવાસનાં ખૂણે, જય સિયારામ પેંડાની સામે) પર આવેલાં આ કિંમતી શૉ-રૂમમાં પૂર્વ ટી.પી.ઓ. સાગઠિયાની મદદથી મસમોટું ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું, લુચ્ચાઈપૂર્વક ઈમ્પેક્ટમાં પણ રમત રમ્યાં હતાં.
- Advertisement -
વિવાદ પર વિવાદ અને તેની બાદ પણ વિવાદ પછી પણ વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવનું આ ગેરકાયદે બાંધકામ અડિખમ ઉભું છે અને ત્યાં સ્કેચસ શૂઝનાં શૉ-રૂમનું કામ પણ ચાલી રહ્યું છે અને આ અડગ ઈમારત રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતી લાગવગશાહી, જનપ્રતિનિધિઓની જનતાને બદલે ભ્રષ્ટ-દૂષ્ટ તત્ત્વો પ્રત્યેની વફાદારી અને કાયદાપાલનની વિફળતાનું પ્રમાણ છે. અને આ બાબતનાં સ્ફોટક પુરાવા પણ ‘ખાસ-ખબર’ને હાથ લાગ્યા છે.
તારીખ 5 ઓગસ્ટ 2024નાં દિવસે વેલજી પોપટભાઈ વૈષ્ણવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલાં સોગંદનામામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ 30 દિવસમાં પોતાનાં શૉ-રૂમમાંથી ગેરકાયદે બાંધકામ દૂર કરશે. અને એ શરતે જ તેમણે સીલ ખોલાવ્યા હતાં. કહેવાય છે કે, આ તેમનું એક ષડ્યંત્ર જ હતું. ત્રીસ દિવસમાં તો દૂરની વાત છે- ત્રણસો દિવસનો સમય હોય તો પણ તેમણે એ બાંધકામ દૂર કરવું જ ન હતું. ગેરકાયદે બાંધકામ તેમણે સમજી-વિચારીને કર્યું હતું અને એ હટાવવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી. 30 દિવસની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં તેમણે વધુ છ મહિનાની મુદ્દત માંગી- જેની સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તત્કાલીન કમિશનર દેવાંગ દેસાઈએ તેમને મહેરબાન થઈને પ્રેમપૂર્વક પાંચ મહિનાનો સમય આપ્યો. કહેવાય છે કે, રાજકોટનાં એક પેરેશૂટ ધારાસભ્યએ વૈષ્ણવનું ગેરકાયદે બાંધકામ બચાવવા ખૂબ ઘોડાં દોડાવ્યા હતાં અને હજુ પણ તેઓ વેલજીભાઈને હૂંફ પૂરી પાડી રહ્યાં છે.
ધારાસભ્યએ ઠેઠ ગાંધીનગર સુધી છેડાં અડાડ્યાની ચર્ચા
વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવનું બાંધકામ એટલી હદે ખોટું છે કે, તે પાડ્યા સિવાય છૂટકો નહોતો. પરંતુ રાજકોટ શહેરનાં એક પેરેશૂટ ધારાસભ્યએ વૈષ્ણવને દિલથી મદદ કરી છે. તેમણે ઠેઠ ગાંધીનગર સુધી છેડાં અડાડ્યાનો પણ ઘણાં લોકો દાવો કરી રહ્યાં છે. સવાલ એ છે કે, ધારાસભ્યએ વૈષ્ણવને જેટલી હૂંફ આપી- તેટલી સામાન્યજનને કે સામાન્ય વેપારીને કેમ નથી આપી?
વી. પી. વૈષ્ણવને મળ્યો એવો લાભ બીજાને શા માટે નહીં?
રાજકોટમાં થયેલાં ટી.આર.પી. હત્યાકાંડ પછી આખા રાજકોટની વેપારીઆલમ પ્રત્યે જબરદસ્ત સખ્તાઈ દાખવવામાં આવી છે. તત્કાલીન કમિશનર દેવાંગ દેસાઈ જાણે દૂધે ધોયેલાં હોય તેમ કોઈનું સાંભળતા ન હતાં, કોઈની ભલામણ સ્વીકારતા ન હતાં. સવાલ એ છે કે, તો પછી શા માટે તેઓ વી. પી. વૈષ્ણવ બાબતે ઠરીને ઠીકરું થઈ ગયા અને ટાંય ટાંય ફિસ્સ… થઈ ગયા? ચેમ્બરનાં પ્રમુખની જવાબદારી સમગ્ર શહેરની વેપારી આલમની પીડા દૂર કરવાની હોય છે જ્યારે અહીં તો વેલજીભાઈ પોતાનું ભલું કરવામાં જ વ્યસ્ત છે. તેમની નીતિ છે: હું મારું કરું, વેપારીઓ જાય તેલ લેવા.
ત્રણ-ત્રણ નોટિસો અપાઈ છતાં બાંધકામ તોડાયું નહીં
યાજ્ઞિક રોડ પર આવેલાં વેલજીભાઈ પોપટભાઈ વૈષ્ણવનાં આ તોસ્તાન ગેરકાયદે બાંધકામને તોડી પાડવા અગાઉ ત્રણ-ત્રણ વખત નોટિસો અપાઈ છે- છતાં તેમાંથી એક કાંકરી પણ ખરી નથી. ટી.આર.પી. ગેમઝોનમાં પણ આવું જ થયું હતું. ડીમોલિશન માટે પણ ટીમ ત્યાં પહોંચી હતી અને તેને એક રાજકારણીની ભલામણથી હાંકી કાઢવામાં આવી હતી. વૈષ્ણવ પર મહેરબાન સાગઠિયાએ નોટિસો તો આપી પરંતુ કાર્યવાહી કશી જ ન કરી.