નાગરિક બેન્કના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડાએ ધારાસભ્યને સહાય પેકેજની રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પંથકમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા અતિભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. અનરાધાર મેઘસવારી અને પવન સાથે પડેલા વરસાદે મગફળી, કપાસ સહિતના પાકો નષ્ટ કરી નાખ્યા છે. પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે અને ઘણા ખેડૂતોના સપના રોળાઈ ગયા છે.
- Advertisement -
આ સંજોગોમાં રાજુલા નાગરિક બેન્કના ચેરમેન તથા ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ ધાખડાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર મારફતે રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે 25 અને 26 ઓક્ટોબરના રોજ પડેલા અતિભારે વરસાદથી પાકનું ભારે નુકસાન થયું છે અને હજી પણ વધુ વરસાદની આગાહી છે.
મહેન્દ્રભાઈ ધાખડાએ જણાવ્યું છે કે, ખેડૂતોએ છેલ્લા કેટલાય મહિનાથી રાતદિવસ મહેનત કરી પાક ઉછેર્યો હતો, પરંતુ કુદરતી આફતે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ગયા વર્ષના નુકસાનનું વળતર હજી સુધી ઘણા ગામોને મળ્યું નથી, અને હવે ફરીથી એક નવી મુશ્કેલી ઉભી થઈ છે.તેમણે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય પેકેજ જાહેર કરવામાં આવે, તેમજ ટેકાના ભાવે 250 મણ મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે.
ખેડૂતોની હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિક સ્તરે પણ સહાનુભૂતિની લાગણી વ્યાપી ગઈ છે, અને સૌએ સરકારને ઝડપથી પગલા લેવા અનુરોધ કર્યો છે.



