1946થી કાર્યરત ગુજરાત નઇ તાલીમ સંઘની 1948માં નોંધણી કરવામાં આવી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં 36 માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ જવા નવી શિક્ષણ નીતિ અપનાવીને આગળ વધીએ. બુનિયાદી શિક્ષણના જીવનને આત્મસાત કરવા માટે સંસ્થાઓને મોડેલ બનાવવી જ પડશે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાને કાયમ રાખવા કચરાને વીણવા માટે ગામમાં નીકળવું પડે ત્યારે ગામ સાથે જોડાય છે. તેવી જ રીતે બુનિયાદી શિક્ષણના માધ્યમથી ગામડાઓ શિક્ષિત બને છે. તેઓએ ઉમેર્યું હતું કે હાલની પરિર્થિતિને ધ્યાનમાં લઈએ તો પહેલા ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થતું હતું પરંતુ આજે શહેરમાંથી લોકો ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે.
- Advertisement -
ગામડું સ્વચ્છ છે, રોજગાર મળી રહે છે, સંસ્કારમાં ગામડું ભારતનું જીવન છે, તેથી યુવાનોમાં દિશા અને દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે એક લક્ષ્ય નક્કી કર્યું છે કે ગામડામાં બુનિયાદી શિક્ષણનો સંદેશો આપી તેઓ સમર્થકો ઊભા કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને બુનિયાદી સંસ્થાઓમાં મોકલી બુનિયાદી સંસ્થાઓને વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર જાહેર કરશે. તેમણે ઉમેર્યું હતું કે નઇ તાલીમની ગઈકાલ અને આવતીકાલ કેન્દ્રમાં રાખી બુનિયાદી શિક્ષણ માટે જાતે જવાબદારી લઈ અઠવાડિયામાં એક દિવસ બુનિયાદી શિક્ષણ માટે કાઢવો. તેમણે જણાવ્યું હતું કે તાલીમ સંઘના અધ્યક્ષ તેમ જ સભ્યો આ જવાબદારી નિભાવવા ઈચ્છુક છે. તેમણે કહ્યું હતું કે સંઘ એક પરિવાર છે. સંસ્થાઓ પણ એક પરિવાર છે. તેમની 2022માં નઇ તાલીમ સંઘના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી દર બે વર્ષે અહીં દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે. સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલે ગુજરાત વિદ્યાપીઠ ઉર્જાનો સ્ત્રોત હોવાનું કહી જણાવ્યું હતું કે સમાજ જીવનમાં દ્રષ્ટિકોણ બદલાયો છે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. સમાજના નવા ઘડતર તરફ જઈ રહ્યા છે. નઇ તાલીમ સંઘમાં વધુને વધુ યુવાનો જોડાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અરુણભાઈ દવેએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણપણે મનુષ્ય જાતિ માટે એક શ્રેષ્ઠ પ્રણાલી હોવાનું જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિનો અમલ થાય તો ભારતને વિશ્વ ગુરુ બનતા વાર ન લાગે.